દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી હતી કે MCD મેયર માટે પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. AAP દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, પક્ષએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખીશું નહીં. ભાજપે પોતાના મેયરની પસંદગી કરવી જોઈએ, ભાજપે પોતાની સ્થાયી સમિતિ બનાવવી જોઈએ અને કોઈપણ બહાના વગર દિલ્હી પર શાસન કરવું જોઈએ, તેમ પણ સૌરભે જણાવ્યું હતું.
પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે, હાલમાં તોડફોડ બાદ એમસીડીમાં ભાજપની બહુમત છે. અમે તોડફોડની રાજનીતિ નથી કરતા. તો આ વખતે ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાની ટ્રિપલ એન્જીનની સરકાર ચલાવે. દિલ્હીમાં કાયદો અને સફાઈની જવાબદારી નિભાવે. અમે એક મજબૂત વિપક્ષની રાજનીતિ નિભાવીશું. આતિશીએ કહ્યું કે, ભાજપે તોડફોન કરીને નિગમમાં પોતાનું સંખ્યાબળ વધારી દીધું છે. જો અમારી ચૂંટણી જીતવી હોય તો અમારે તોડફોડ કરવી પડી, જે અમે નહીં કરીએ.
આમ આદમી પાર્ટીના મેયર ચૂંટણીમાં ભાગ ન લેવાના નિર્ણય બાદ ભાજપ તરફથી પ્રહારો થયા છે. ભાજપના દિલ્હી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે દિલ્હી નગર નિગમમાં તેઓ બહુમત ખોઈ ચુક્યા છે. છેલ્લા અઢી વર્ષમાં નગર નિગમની જાળવણી અને પ્રશાસનિક કામ બંધ પડ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી બહિષ્કારનું નાટક કરી રહી છે.