રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ માર્ગ અકસ્માતમાં વરરાજા અને નવવધૂનું પણ મોત નીપજ્યું છે. જયપુર નજીક જમવારાગઢ પાસે નેશનલ હાઇવે નંબર 148 (દૌસા-મનોહરપુર હાઇવે) પર જાનૈયા ભરેલી ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી.
મધ્ય પ્રદેશથી લગ્ન કરીને પરત ફરી રહ્યો હતો પરિવાર
વરરાજા અને નવવધૂ પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે મધ્ય પ્રદેશથી લગ્ન સમારોહ બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે જાનૈયા ભરેલી ગાડી ટ્રક સાથે ટકરાઇ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે જાનૈયા ભરેલી ગાડીનો કચ્ચરખાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકોએ બૂમાબૂમ મચાવી હતી. ગાડીમાં 15 જેટલા જાનૈયા સવાર હતા, અકસ્માતના પગલે ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકોના મૃતદેહ અને ઇજાગ્રસ્તનો હોસ્પિટલ ખસેડ્યા હતા.