હોળીના પર્વને હવે માત્ર 11 દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે. હોળી મનાવવા વતનમાં જવા લોકો ભારે ઉત્સાહી હોય છે.
ઉધના રેલવે સ્ટેશન પરસોમવારે ભારે હાલાકી જોવા મળી હતી. જેમાં હોળી ઉજવવા પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જોઈ લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે. ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા આ પહેલીવાર જોવા મળી નથી.
ઉધના રેલ્વે સ્ટેશન પર 100 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાતા મુસાફરોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં જગ્યા મેળવવા માટે શ્રમિકો અને પરપ્રાંતીય લોકો મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી રહ્યા છે અને રાતોવાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ, ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. યાત્રીઓના જણાવ્યા મુજબ ત્યાં એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછાં છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી.