Saturday, Sep 13, 2025

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે એક ખાસ ભેટ

2 Min Read

A special gift will be given

  • Ambaji Temple : અંબાજી મંદિર તરફથી લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને માના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે. આ કીટ ખાસ હશે.

યાત્રાધામ અંબાજી (Ambaji Temple) ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઈ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક મા જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ મા જગદંબાને આમંત્રિત કરે છે.

માતાજીને અર્પણ કરાયેલી લગ્ન પત્રિકાને ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલી કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરવામાં આવશે. મા જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવશે.

આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવશે. જગતજનની મા જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવશે. આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા. 01/05/2023થી માઈ ભક્તોને ઉપલબ્ધ થશે. એમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article