Sunday, Dec 7, 2025

જામનગરમાં AAPની સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતુ ફેંકાયું

1 Min Read

જામનગરના ટાઉનહોલમાં આજે(5 ડિસેમ્બર) આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયાની આ સભામાં હંગામો થયો હતો. જ્યારે ગોપાલ ઈટાલિયાના વક્તવ્ય સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેમના(ગોપાલ ઈટાલિયા) પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી હતી. ત્યારબાદ જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી.

ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો. હુમલાખોર પર આક્રમક રીતે પડકાર કરનાર સફેદ કપડાંમાં જોવા મળેલાં મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનબબેન ખફી છે. મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો, તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે, જે અગાઉ કોંગ્રેસમાં હતા.

સમગ્ર કાર્યક્રમ જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ જોડાણ પ્રક્રિયા દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી.

Share This Article