સુરતના ઉધના મગદલ્લા રોડ પર વહેલી સવારે થયેલું એક ભયાનક અકસ્માત શહેરમાં શોકની લાગણી ફેલાવી ગયો. માહિતી મુજબ, KTM બાઈક ચલાવી રહેલા 18 વર્ષીય યુવક પ્રિન્સ પટેલનું સ્ટેરીંગ ઉપરથી કાબુ છૂટી જવાથી ગંભીર અકસ્માત થયો હતો. યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ તરફ ઉતરતી વેળાએ બાઈક અચાનક નિયંત્રણમાંથી બહાર જતા તે સીધો અકસ્માતનો ભોગ બન્યો. ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ ગયા હતાં, જેને કારણે ઘટનાસ્થળે જ તેનું દુખદ અવસાન થયું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે ઈજાઓ વધુ ઘાતક બની. મૃતક પ્રિન્સ પટેલ યુટ્યુબ પર ‘PKR BLOGGER’ તરીકે જાણીતા હતાં અને બાઈક રાઈડિંગ તથા વ્લોગિંગ કરતા હતાં. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં સેફટી ગિયર્સના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.