Thursday, Oct 23, 2025

પત્રકાર અભિસાર શર્મા વિરુદ્ધ આસામ પોલીસની FIR પર સુપ્રીમ કોર્ટમાં અરજી

2 Min Read

અભિસાર શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (રાજદ્રોહ), 196 (ધર્મ, જાતિ, ભાષા અથવા સમુદાયના આધારે જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી) અને 197 (રાષ્ટ્રીય એકીકરણને નુકસાન પહોંચાડતા નિવેદનો) હેઠળ આસામ પોલીસ દ્વારા નોંધાયેલી FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આલોક બરુઆ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે અભિસાર શર્માએ યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં, શર્માએ રામરાજ્યના સિદ્ધાંતની મજાક ઉડાવી અને દાવો કર્યો કે સરકાર ફક્ત ‘હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ’ પર ટકી રહી છે. બરુઆએ આગળ જણાવ્યું કે આ નિવેદનો દૂષિત ઈરાદાથી ચૂંટાયેલી સરકારોની બદનામી કરવા અને સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા માટે કરવામાં આવ્યાં હતાં.

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આવાં નિવેદનો જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા, લોકોની લાગણીઓ ઉશ્કેરવા, કાયદેસર સ્થાપિત સત્તાઓ વિરુદ્ધ અવિશ્વાસ ઉભો કરવા અને ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવા માટે પૂરતાં છે. ફરિયાદમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે શર્માનો વિડીયો બરુઆના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેના કારણે ધર્મ આધારિત વિભાજન વિશે વાત કરી રહ્યા છે, જે જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.

અભિસાર શર્મા સાથે જોડાયેલ વિવાદ
નોંધનીય છે કે અભિસાર શર્માનો ઇતિહાસ વિવાદો સાથે જોડાયેલો રહ્યો છે. તેઓ એક ટેલિવિઝન પત્રકાર રહી ચૂકેલા યુટ્યુબર છે ઉપરાંત વિવાદિત ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે પણ સંકળાયેલા રહ્યા છે. ન્યૂઝક્લિક પર 2021થી વિદેશી ફંડિંગ ખાસ કરીને ચીનથી ફંડિંગના આરોપો લાગ્યા હતા. 2023માં દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં શર્માના ઘરનો પણ સમાવેશ થતો હતો. તેમનું લેપટોપ અને ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ન્યૂઝક્લિક પર આરોપ હતો કે તેણે ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે લગભગ 38 કરોડનું વિદેશી ફંડિંગ મેળવ્યું હતું.

અભિસાર શર્મા સાથે જોડાયેલા ન્યૂઝક્લિક પર અગાઉ ચીની ફંડિંગના આરોપોને લઈને ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા સંસદમાં પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં આસામમાં નોંધાયેલી FIR મામલે આગળની તપાસ ગુવાહાટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

Share This Article