- માત્ર ૧૨ હજાર રૂપિયાની મૂડી અને રોડ ઉપરથી શરૂ કરાયેલી સુરત ખેતીવાડી માર્કેટે આજે ૩૭૦૦ કરોડના ટર્નઓવર સાથે સેંકડો ખેડૂતો, વેપારીઓનો ભરોસો ફળીભૂત કર્યો
- ખેડૂતો પાસેથી એક રૂપિયો વસૂલવામાં આવતો નથી, બલ્કે વેપારથી શરૂ કરીને રહેવા, જમવાની, બેંક સહિતની સગવડતાઓ માર્કેટ કેમ્પમાં જ સાકાર કરી છે
- એક સમયે ગ્રાહકની શોધમાં રહેતા ખેડૂત પરિવારોને આજે ઉત્પાદનો વેચવાની કે નાણાં ગુમાવવાની ચિંતા નથી
- સંપૂર્ણ સહકારી ધોરણે ચાલતી સુરત ખેતીવાડી બજાર સમિતિમાં સત્તા માટે ક્યારેય સ્પર્ધા થઈ નથી, ૭૫ વર્ષનું લાંબું આયુષ્ય છતાં હોદ્દેદારો ગણીને માત્ર દસ રહ્યા હતા
- પ્રારંભે ૧૯૫૧માં ભાગળ વિસ્તારમાંથી શરૂ કરાયેલી માર્કેટ હાલમાં સુરતના સીમાડાના પૂંણા-કુંભારિયા વિસ્તારમાં ૧.૫૦ લાખ ચોરસવારમાં પથરાયેલી છે, જેની ૫૮૨ અત્યાધુનિક દુકાનોમાં દુનિયાભરનો વેપાર થાય છે
- અહીંયા કચરામાંથી પણ ‘કંચન’ પેદા કરવામાં આવે છે, શાકભાજીના કચરામાંથી બાયોગેસ અને ખેતીવાડી માટે ખાતર બનાવવામાં આવે છે
- હવે માત્ર શાકભાજી જ નહીં, કેરી, ચીકુ, સફરજન, દ્રાક્ષ, સંતરા સહિતનાં ફ્રૂટ દેશભરમાંથી વેપાર માટે આવે છે અને ફ્રૂટ પ્રોસેસ કરીને વિશ્વના દેશોમાં નિકાસ કરાય છે
- નવા સુકાની અને થનગનતા યુવાન ધારાસભ્ય સંદીપ દેસાઈની આંખોમાં ખેડૂતોની માર્કેટને અદ્યતન બનાવવા સાથે આકાશની ઊંચાઈએ લઈ જવાનાં સપનાં છે, તેમની રફતાર અને સંજોગો જોતા એક દિવસ સુરત APMC દેશની પ્રથમ હરોળની માર્કેટ હશે
વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતનો સહકારીક્ષેત્ર સાથે સદીઓથી નાતો રહ્યો છે. કાપડના આડા ઊભા દોરાની માફક સમગ્ર સુરતની સામાજિક વ્યવસ્થા પણ ભાગીદારીની અને વહેંચીને ખાવાની રહી છે. સુરતમાં ઉજવાતા લગભગ દરેક તહેવારો પણ સહકારી પ્રવૃત્તિની માફક એકબીજા સાથે વણાયેલા રહ્યાં છે. અહીંયા દરેક તહેવારની બેવડી ઉજવણી કરવામાં આવે છે. કદાચ સુરત એક એવું શહેર હશે કે જ્યાં ઘરમાં બનતી રસોઈ અને વાનગીમાં પડોશીનો હિસ્સો રાખવામાં આવે છે. હોળી, ધૂળેટી, નૂતન વર્ષની અહીંયા દિવસો સુધી ઉજવણી કરવામાં આવે અને શેરીઓમાં, મહોલ્લાઓમાં દિવસો સુધી સાથે બેસીને જયાફત ઉડાવવામાં આવે છે. સુરતને શરાબના નામે બદનામ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં તળસુરતીઓ એક પેગથી વધારે નશો કરતાં નથી!
ખેર, હવે સુરતના સહકારી ક્ષેત્રની વાત કરીએ તો આઝાદી પૂર્વેથી સુરતમાં વેપાર-ઉદ્યોગ, અનાજ-કરિયાણા, ખેતીવાડી સહિત વિવિધ ક્ષેત્રે સહકારી ધોરણે કામકાજ થતા હતા. ક્રમશઃ લગભગ ૧૯૫૧માં સૌપ્રથમ વખત ખેત ઉત્પાદનોના વેપાર માટે સત્તાવાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના થઈ હતી. આ સમિતિને કારણે સુરત શહેર ફરતેનાં ગામડાંઓમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને ખૂબ મોટી રાહત થવા સાથે એક સત્તાવાર બજારનું માળખું મળ્યું હતું અને ગ્રાહકોને પણ ચોક્કસ સ્થળેથી અને પ્રામાણિક ભાવતાલથી શાકભાજી મળતા થયા. ક્રમશઃ આ વ્યવસ્થા એટલી હદે વિશાળ બની કે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ખેડૂત પરિવારો અને જાહેર જીવનનો એક ફરજિયાત હિસ્સો બની ગઈ. આજે સ્થિતિ એવી છે કે, વહેલી સવારથી ચા અને નાસ્તાથી શરૂ કરીને રાત્રે પથારીમાં જતા સુધીમાં ક્યાંક ને ક્યાંક ખેતીવાડી માર્કેટ સાથે સંકળાયેલા રહેવું પડે છે.

સુરતમાં ભૂતકાળમાં ખેડૂતો જાતે શાકભાજીના ટોપલા લઈને રોડ ઉપર બેસતા હતા અને ઘણી વખત વધેલા શાકભાજીનું નુકસાન વેઠવું પડતું હતું. વળી પૂરતી કિંમત પણ મળતી નહોતી. પરંતુ ૧૯૫૧માં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અિસ્તત્વમાં આવી ત્યારથી ખેડૂતો અને ગ્રાહકો બંને ચિંતામુક્ત થઈ ગયા હતા. એક સમયે સુરતના રૂવાળા ટેકરાના નામથી ઓળખાતા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુવિધા વગર રસ્તા ઉપર શાકભાજીનો વેપાર થતો હતો અને આજે વેપારીઓ અને ગ્રાહક બંને એરકન્ડિશન્ડ દુકાનમાં બેસીને વેપાર કરે છે. સહકારી માર્કેટનું આખું દૃશ્ય બદલાઈ ગયું છે.
એક સમય એવો હતો જ્યારે મહિલાઓ વજન ઊંચકીને આવતી હતી અને સાંજના છેડે જે કંઈ વેપાર થાય તેના નાણાં સાડીના છેડે બાંધીને જતી હતી, પરંતુ આજે એવું નથી. આજે ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે અને ઉપજની ૧૦૦ ટકા કિંમત મળે છે. ફળસ્વરૂપે ખેડૂતો આદર્શ અને સુવિધાજનક જીવન જીવતા થયા. આજે ખેડૂતના આંગણામાં પશુઓ બાંધેલા હશે, પરંતુ સાથે આંગણામાં એક આધુનિક મોટરકાર પણ પડી હશે. કારણ, ખેતીવાડી માર્કેટને કારણે ખેડૂત પરિવારના જીવનમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. હવે ખેડૂતે ગ્રાહક શોધવા જવાની જરૂર નથી. ખેતીવાડી માર્કેટમાં ખેત ઉત્પાદન પહોંચાડી દીધું એટલે નિરાંત. સદ્નસીબે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને એક એકથી ચઢિયાતા હોદ્દેદારો મળ્યા હોવાથી ખેતીવાડી માર્કેટનો સતત વિકાસ અને વિસ્તરણ થતાં આવ્યાં છે. વળી, માર્કેટ સમિતિમાં મોટાભાગનાં હોદ્દેદારો સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી તેઓ દિવસ-રાત ખેતરમાં મહેનત-મજૂરી કરતાં પરિવારોની વાસ્તવિકતાને સમજી રહ્યાં છે અને એટલે જ માર્કેટનો સતત વિકાસ અને આધુનિકીરણ થતું આવ્યું છે.
જાણીને નવાઈ લાગશે કે વીતેલાં ૭૫ વર્ષમાં માર્કેટને ગણીને ૧૦ ચેરમેન મળ્યા છે. આ ઘટના જ બતાવે છે કે, સુરત ખેતીવાડી ઉત્પન્ન બજારમાં કોઈ જ વિવાદ નથી અને વખતો વખતના દરેક ચેરમેન અને પદાધિકારીઓનું માર્કેટના વિકાસ માટે મહત્ત્વ રહ્યું છે. વર્ષ ૧૯૫૧માં સૌપ્રથમ ચેરમેન તરીકે લલ્લુભાઈ એચ. પટેલની વરણી કરવામાં આવી હતી અને તેઓ વર્ષ ૧૯૭૨ સુધી એટલે સતત ૨૧ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતા. ત્યારબાદ ત્રિભોવન પટેલ, ભુલાભાઈ પટેલ, કેશવ પટેલ, રણછોડ પટેલ, રમણ જાની, રમણભાઈ અંબાલાલ પટેલ વર્ષ ૨૦૨૨ના અરસામાં ચેરમેન તરીકે રહ્યા હતા. પરંતુ રમણ જાનીના વર્ષ ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૦૩થી ૨૦૨૨ સુધી ચેરમેન પદનો સમયગાળો વધુ નિર્ણાયક રહ્યો હતો અને સુરત APMCએ વર્ષો પુરાણી સહરા દરવાજાની માર્કેટમાંથી સ્થળાંતર કરીને સહરા દરવાજાની બહાર અત્યાધુનિક માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. માણસ પારખુ રમણ જાની તરવરિયા યુવાન સંદીપ દેસાઈને વાઈસ ચેરમેન તરીકે લઈ આવ્યા હતા અને માર્કેટના વિકાસને રોકેટ ગતિ આપી હતી. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને ઉત્સાહથી થનગનતા સંદીપ દેસાઈને માર્કેટના વિકાસ માટે દોડવાની ખુલ્લી છૂટ મળતાં APMC માર્કેટે એક કોર્પોરેટ હાઉસનું રૂપ ધારણ કરી લીધું છે. હવે માર્કેટમાં માત્ર શાકભાજી જ નહીં, ખેતરમાં ઊગી નીકળતા ઘાસથી માંડીને ફ્રૂટ અને ફ્રૂટના ઉત્પાદનોનું વેચાણ અને નિકાસ થાય છે. સુરતથી શરૂ કરી સમગ્ર દિક્ષણ ગુજરાતમાં ઉત્પાદનથી કેરી, ચીકુ જેવા ફ્રૂટની આધુનિક પ્રોસેસ કરીને કરોડોની નિકાસ કરવામાં આવે છે. રમણ જાની અને સંદીપ દેસાઈની બેલડી અને સાથી હોદ્દેદારોએ સુરત ખેતીવાડી ઉત્પન્ન માર્કેટ APMCની કાયાપલટ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. રમણ જાની સતત ૨૭ વર્ષ APMCના ચેરમેન તરીકે રહ્યા હતા આ અઢી દાયકાનો ગાળો APMC માટે ગોલ્ડન સમય રહ્યો હતો. સુરતના જ સીમાડે અને હવે તો સુરતની બરાબર મધ્યમાં ધબકતી APMC માર્કેટ સુરત સહિત સમગ્ર દિક્ષણ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાત માટે એક ગૌરવનું કેન્દ્ર બની ગયું છે.
લગભગ ૩૭૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી અને દોઢ લાખ ચોરસવારમાં પથરાયેલી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદેથી રમણ જાનીની વિદાય બાદ ઉત્સાહ અને યુવાનીથી થનગનતા અને ઉચ્ચ શિક્ષણ તથા ચોર્યાસી વિધાનસભા બેઠકના સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ રમણ જાનીના ઉત્તરાધિકારી બનીને માર્કેટનું ચેરમેન પદ સંભાળી રહ્યા છે.
ત્રીજી મે, ૨૦૨૩ના દિવસથી સંદીપ દેસાઈ ચેરમેન પદ સંભાળતાની સાથે માર્કેટના વિકાસને આકાશની ઊંચાઈએ લઈ જવા થનગની રહ્યા છે. તેમણે ચેરમેન પદ સંભાળ્યાના ગણતરીના સમયમાં માર્કેટને વૈશ્વિક હરોળમાં મૂકવાનું પ્રયાણ કર્યું હતું અને એક િબ્રજ સાથે એલિવેટેડ માર્કેટ બનાવવાનું સપનું સાકાર કર્યું છે. મતલબ હવે ખેડૂતો તો ઠીક, બહારગામથી આવતી ટ્રકો પણ પહેલા માળે આવેલી માર્કેટમાં સીધી દાખલ થઈ શકશે. આના કારણે મજૂર વર્ગને યાંત્રિક બળ મળવા સાથે ખેત ઉત્પાદનોની હેરાફેરીમાં બગાડ થવાની શક્યતાઓ નામશેષ થઈ જશે.
મતલબ હવે લોકો પણ પોતાનું વાહન લઈને સીધા દુકાનમાંથી ખરીદી કરી શકશે. માર્કેટમાં હયાત ૪૭૪ દુકાનોમાં નવી ૧૦૮ દુકાનોનો ઉમેરો થવાથી દુકાનોની સંખ્યા વધીને ૫૮૨ ઉપર પહોંચી જશે અને શનિવાર તા.૧૩ ડિસેમ્બરના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાિટલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો ગુજરાતની સૌપ્રથમ એિલવેટેડ શાકમાર્કેટને ખુલ્લી મૂકશે. આ ઘટના સુરતના જાહેર માર્ગ ઉપરથી શરૂ થયેલી શાકમાર્કેટ માટે ગૌરવપ્રદ બની રહે છે.
સુરત ખેતીવાડી માર્કેટનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, માર્કેટના ખેડૂત સભાસદ પાસેથી એક રૂપિયો પણ વસૂલ કરવામાં આવતો નથી. બલ્કે માર્કેટમાં પોતીકા ઘર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માર્કેટમાં વેપાર કરતાં એટલે કે ખેડૂતો પાસેથી ખેતઉત્પાદનો ખરીદ કરતા વેપારીઓ પાસેથી માત્ર એક ટકો ‘સેસ’ વસૂલવામાં આવે છે. પરંતુ આ એક ટકો ‘સેસ’ એટલી મોટી રકમ થાય છે કે, જેમાંથી વર્ષોવર્ષ માર્કેટમાં નવા આયામ સાકાર કરવામાં આવે છે. હાલમાં રોજના ૪૦૦૦ ટન શાકભાજીનો વેપાર થાય છે.
સુરત ખેતીવાડી માર્કેટ એક એવી માર્કેટ છે કે, અહીંયા કચરાનો પણ સદુઉપયોગ કરીને બાયોગેસ અને ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. જેને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ એ કચરામાંથી સુરત ખેતીવાડી માર્કેટના કર્ણધારો ‘કંચન’ એટલે કે સોનુ પેદા કરે છે. સુરત ખેતીવાડી માર્કેટ હવે વેપારના સીમાડા પાર કરી ચૂકી છે. અહીંયા પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉપરાંત દિક્ષણ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોના ખેડૂતો પણ માલ વેચવા આવે છે. અહીંયા કાશ્મીરી સફરજનથી માંડીને દિક્ષણ ભારતના ખેત ઉત્પાદનોનો વેપાર થાય છે અને વિશ્વના દેશોમાં બદલાયેલા સ્વરૂપમાં વેલ્યુ એડિશન કરીને નિકાસ પણ કરવામાં આવે છે.
માર્કેટના વિકાસ માટે ચેરમેન સંદીપ દેસાઈ હજુ ઘણું કરવાના આંખોમાં સપનાં આંજીને ફરી રહ્યા છે અને માર્કેટમાં વિકાસની રફતાર જોતા આવનારાં વર્ષોમાં સુરત ખેતીવાડી માર્કેટ APMC કદાચ દેશની સર્વશ્રેષ્ઠ આધુનિક માર્કેટ હશે.