છત્તીસગઢના બાલોદાબજારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 કામદારોના મોત થયા છે અને 10 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના ભાટાપારા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્ટીલ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં બની હતી. આજે (ગુરુવારે) સવારે લગભગ 10 વાગ્યે ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના પછી ફેક્ટરીમાં આગની જ્વાળાઓ વધવા લાગી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી અને આ આગમાં ઘણા કામદારો બળી ગયા હતા.
ફેક્ટરીના સ્પોન્જ આયર્ન પ્લાન્ટના કોલસાના ભઠ્ઠામાં વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ એટલો વિનાશક હતો કે નજીકમાં કામ કરતા લોકોને બચવા માટેનો ટાઈમ પણ નહોતો મળ્યો.
ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઇટર, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત નાજુક છે.
પોલીસે કેસ નોંધીને સત્તાવાર તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં એવું જણાય છે કે વિસ્ફોટ ફેક્ટરીમાં ટેકનિકલ ખામી અથવા મશીનરીમાં દબાણ વધવાને કારણે થયો હતો. અધિકારીઓએ મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવાનું વચન આપ્યું છે.