લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. દેશમાં ૧ જૂન,૨૦૨૪થી એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. IOCLની વેબસાઈટ અનુસાર, ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરીને તેને ઘટાડી દેવામાં આવી છે.
આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ ૭૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરાયેલા નવીનતમ ફેરફારો બાદ, ૧ જૂનથી દિલ્હીમાં ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૬૯.૫૦ રૂપિયા, કોલકાતામાં ૭૨ રૂપિયા, મુંબઈમાં ૬૯.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૦.૫૦ રૂપિયા સસ્તો થયો છે.
અગાઉ ગયા મહિને પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અનેક વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ એપ્રિલથી ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧ મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા, સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.
જોકે, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધઘટ, ટેક્સ પોલિસીમાં ફેરફાર અને માંગ આના મુખ્ય કારણો હોવાનું કહેવાય છે. કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ દિવસે થાય છે.
આ પણ વાંચો :-