સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા હતા. જયારે એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બે સગા ભાઇ બહેનોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉ.વ.48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ) ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે સોમવારે ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34, રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોપ્યો હતો. કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.