વડોદરા શહેર નજીક આવેલા ભાયલીના એક ફ્લેટમાં દુબઈથી ચાલતા હાઈટેક ઓનલાઇન જુગારનો ધંધો પકડાયો છે. જિલ્લા પોલીસે આ કેસમાં એક યુવતી સહિત પાંચ શખ્સની ધરપકડ કરી. દુબઈના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ હેલ્પ લાઇનને ભાયલી ગામે સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટના એક ઘરમાં ગેરકાયદેસર પ્રવ્રુતિ થતી હોવાની માહિતી મળી હતી. પોલીસે ફ્લેટમાં દરોડો પાડી તપાસ કરતા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેરકાનૂની ઓનલાઇન સટ્ટો રમાડાતો હોવાનું જણાવા મળ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા પાંચ શખ્સો હર્ષિત ઉર્ફે બ્રહ્મા જે મૂળ રાયપુર છત્તિસગઢનો રહેવાસી છે અને હાલ તે દુબઇમાં રહે છે. જેના કહેવા મુજબ નાગરિકોના બેંક ખાતા ખોલાવી તેના દ્વારા આપવામાં આવતી ગેમિંગ વેબસાઈટો તથા એપ્લિકેશન દ્વારા તીનપત્તી, રોલેટ, અંદર બહાર, રમી જેવી પ્રતિબંધિત જુગાર લગતી ગેમનું ટેલીગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવી તેઓને તેની પાસે રહેલી માસ્ટર આઇ.ડી.થી ગ્રાહકોને આઇ.ડી.પાસવર્ડ આપી તેઓને આ પ્રતિબંધિત જુગારને લગતી ગેમો રમવા માટે એક્સેસ આપ્યું હતું.
પકડાયેલા આરોપીઓમાં દર્શન દિલીપ, જોકિમ મેકવાન, શેખર પ્રદિપ, ધ્રુતિ મેકવાન તેમજ મોહમ્મદ આરિફ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓના કબ્જામાંથી ઓનલાઇન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી મળી આવી. જેમાં 2 લેપટોપ તથા 16 મોબાઇલ મળી કુલ રૂ.1.51 લાખનો કુલ મુદ્દામાલ અને સ્કીન શોટના ડોક્યુમેન્ટ તથા બે પાસપોર્ટ, અલગ અલગ બેંકના 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ, જીઓ કંપનીના 2 વાઇફાઇ બોક્ષ, અલગ અલગ ચાર્જર તથા 9 એક્સટેન્સન મળી આવેલ. કુલ રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.