અમદાવાદમાં એર ઈન્ડિયાની એઆઈ ૧૭૧ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરત જિલ્લાનાં કોસંબા તરસાડીનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે આ દંપત્તિ લંડન ખાતે સ્થાયી તેમની પુત્રી અને જમાઈને ત્યાં જઈ રહ્યાં હતાં હોવાની માહિતી સાંપડી રહી છે.વધુમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં આશરે ૨૪૨ જેટલાં પેસેન્જરો સવાર હોય જેમાં મોટાભાગનાં લોકો મોત થયા હોવાની માહિતી સાંપડી રહી છે.જોકે હજુ સુધી મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયું નથી.
અત્રે પ્રાપ્ત માહિતીને અનુસાર અમદાવાદથી લંડન જતું એઆઈ ૧૭૧ પ્લેન ટેક ઓફ કરતી વેળાએ અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની હોસ્ટેલનાં બિલ્ડીંગનાં ભાગ સાથે પ્લેન ટકરાતાં ભયાનક દુર્ઘટના સર્જાતાં આખેઆખું પ્લેન આગની લપેટમાં આવી જતાં લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં.અત્રે આ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં કોસંબા તરસાડીનાં અર્જુનસિંહ ઉદયસિંહ વાંસદિયા અને તેમનાં ધર્મપત્ની દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયાનું અવસાન થયું હતું.
આ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનામાં કોસંબાનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી આગેવાન દંપત્તિએ જાન ગુમાવ્યાનાં સાંભળતા જ કોસંબા તરસાડી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.દરમ્યાન આ મૃતક દંપત્તિનાં પરિવારજનો શોકમગ્ન હાલતમાં અમદાવાદ જવાં રવાના થયા હોવાની માહિતી સાંપડી છે.આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જુનાં તરસાડી ગામનાં ક્ષત્રિય સમાજનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં સર્વત્ર શોકનો માહોલ સર્જાયો છે.