ઉત્તરાયણ નિમિત્તે દોરીથી કપાવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે હવે સુરતમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની દોરીએ એક 8 વર્ષના બાળકોનું ગળું ચીરી નાખ્યું હતું. જે બાદ તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો દીકરો રેહાન આ અકસ્માતને ભોગ બન્યો છે. રેહાન તેમના પરિવારનો એકનો એક દીકરો હતો અને તે ધોરણ 3માં ભણતો હતો.
રેહાન્સ સોસાયટીમાં બાળકો સાથે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યાં સોસાયટીની દિવાલ અને તાર ફેન્સિંગ પાસે પતંગની દોરી લટકી રહી હતી. રેહાન્સ જેવો સાયકલ લઇને આવ્યો કે આ લટકતી દોરી તેના ગળામાં ભરાઇ અને તે કશું સમજે તે પહેલા તો ગળું કપાઇ ગયું. રેહાન્સને લોહીલુહાણ જોઇ બીજા બાળકો આ ઘટના વિશે કહેવા માટે પરિવારને દોડી ગયા હતા. પરંતુ માત્ર 15 સેકન્ડમાં તો રેહાન્સના શરીરમાંથી ખૂબ જ લોહી વહી ગયું અને હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.