ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ ઘૂસાડવાનું સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાતના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતું રહે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે વધુ એક મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી 1800 કરોડ રૂપિાયનું ડ્રગ્સ ઝડપાયું હતું.
મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરમિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની બોટની તપાસ હાથ ધરી હતી. જેમાંથી 300 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 1800 કરોડ રૂપિયા માનવામાં આવે છે.
ICG જહાજને જોતાં, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રીને દરિયામાં ફેંકી દીધી અને IMBL પાર કરી ભાગી ગયા. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું અને વધુ તપાસ માટે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યું હતું. ડ્રગ્સના આટલા મોટા જથ્થાની જપ્તી એ ડ્રગ્સની હેરાફેરી સામે સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલનનો પુરાવો છે. ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સમાં આ મોટી સફળતાનો ખુલાસો કરશે. અગાઉ પણ ગુજરાતમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપ્યું હતું.
એક વર્ષ પહેલાં એપ્રિલ 2024માં પણ કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને પણ ઝડપ્યા હતા.