Wednesday, Nov 5, 2025

સુરતમાં ગેંગરેપ અને લૂંટ કેસમાં 26 દિવસમાં 2053 પાનાની દળદાર ચાર્જશીટ રજુ કરાઇ

1 Min Read

સુરતના પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને મહિલા સાથે ગેંગરેપની ઘટનામાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં આરોપી સામે 26 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને 2053 પાનાની દળદાર ચાર્જશીટ રજુ કરાઇ છે.

મળતી માહિતી મુજબ સુરતના પુણા પોલીસ મથકની હદમાં આ ચકચારી બનાવ બન્યો હતો. 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રીના સમયે ત્રણ યુવકો આવ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા દંપતીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. જે બાદ આ યુવકો ઘરમાં ઘુસી ગયા હતા અને પેહલા પતિને બંધક બનાવીને મહિલાને અગાસી પરની રૂમમાં લઇ જઈ બે આરોપીઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં 59 હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી.

આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાવનગરથી આરોપી દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવ અને નીલેશ ઉર્ફે ગફફર ઉર્ફે બુલેટ ચ્કુરભાઈ ભીંગરાડીયા જયારે અમિત ઉર્ફે રઘુ રોકડા નરસીભાઈ વાળાને અમરેલીથી પકડી પાડ્યો હતો. આ ચકચારી કેસમાં પોલીસે માત્ર 26 દિવસમાં જ ત્રણેય આરોપીઓની સામે સીસીટીવી ફૂટેજ, ગેઇટ એનાલીસીસ રીપોર્ટ, સાયબર ફોરેન્સિક રીપોર્ટ,મેડીકલ પુરાવા, ફિંગરપ્રિન્ટ અભિપ્રાય, મોબાઈલ લોકેશન તથા સાંયોગિક પુરાવાના આધારે 2053 પાનાની ચાર્જશીટ રજુ કરાઇ છે.

Share This Article