Home Blog

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

0

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના નામે વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. પુરુષોની કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 40-34થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

ફાઇનલ મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી. ઈરાનની ટીમે પણ જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ મહત્વની ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ પોતાના પક્ષમાં કરી લીધી.

આ જીત સાથે ભારતીય પુરુષ કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં પોતાની મજબૂત હાજરી ફરી એકવાર સાબિત કરી છે. ઈરાન સામેની જીત બાદ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ સાથે દેશનું ગૌરવ વધાર્યું છે.

બીજી તરફ ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે બીજા હાફમાં શાનદાર વાપસી કરી, ઈરાનને 37-34થી હરાવ્યું હતું. ભારતીય ટીમે અગાઉ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ત્રીજી વખત હતું જ્યારે ભારત અને ઈરાન એશિયન ગેમ્સના ફાઇનલમાં મળ્યા હતા, અને ભારતીય ટીમે બે વાર જીત મેળવી છે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું, અજેય રહી અને સફળતાપૂર્વક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

0

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે, જે કદાચ ઘણા હૃદયના ધબકારા વધારી દેશે.કરોડો દિલોની ધડકન સમાન વિરાટ કોહલીએ 2027ના વનડે વર્લ્ડ કપ અંગે એક મોટો અને ઐતિહાસિક ખુલાસો કર્યો છે. વિરાટે સ્પષ્ટ કરી દીધું છે કે દક્ષિણ આફ્રિકામાં યોજાનારો 2027નો વનડે વર્લ્ડ કપ ભારતીય જર્સીમાં તેનો અંતિમ વર્લ્ડ કપ હશે, અને આ ખિતાબ જીતવા માટે તે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેવા તૈયાર છે. આ સાથે જ ભારતીય કપ્તાન રોહિત શર્માએ પણ પોતાના ભવિષ્ય અને લક્ષ્ય વિશે મહત્વની વાત કરી છે, જે દર્શાવે છે કે આ બંને દિગ્ગજોની નજર હવે માત્ર ને માત્ર 2027ના મહાસંગ્રામ પર છે.

ભારતીય ક્રિકેટના આ બંને આધારસ્તંભો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર એક જ ફોર્મેટ (વનડે ક્રિકેટ) પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 50-ઓવરના વર્લ્ડ કપના પ્રચંડ દબાણ અંગે વાત કરતા કોહલીએ જણાવ્યું હતું કે, “વનડે વર્લ્ડ કપની તીવ્રતા અન્ય કોઈપણ ટૂર્નામેન્ટ કરતા ઘણી વધારે હોય છે. તેમાં તમારે ટી20 જેવી ઉચ્ચ ઊર્જા સાથે 10 મેચો રમવાની હોય છે, જે શારીરિક અને માનસિક રીતે તમારી આકરી કસોટી કરે છે.” વિદેશી ધરતી પર રમાનારી આ ટુર્નામેન્ટના પડકારોને સ્વીકારતા તેણે ઉમેર્યું કે, ભારત માટે આ તેનો અંતિમ વર્લ્ડ કપ છે અને આ જ તેની સૌથી મોટી પ્રેરણા છે. કોહલીએ દ્રઢ નિશ્ચય સાથે કહ્યું કે તે મેદાન પર પોતાનું બધું જ ન્યોછાવર કરવા અને દેશ માટે ટ્રોફી જીતવા સંપૂર્ણપણે તૈયાર છે.

વિરાટ કોહલીનો વર્લ્ડ કપ અને વનડે ક્રિકેટનો રેકોર્ડ તેની મહાનતાની સાક્ષી પૂરે છે:
  • વનડે વર્લ્ડ કપ: 37 મેચોમાં 59.83ની શાનદાર સરેરાશથી 1,795 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 12 અર્ધસદી સામેલ છે.
  • ઓવરઓલ વનડે કરિયર: 302 ઇનિંગ્સમાં 58.59ની એવરેજથી અત્યાર સુધીમાં 14,941 રન ફટકાર્યા છે. તેના નામે 54 સદી અને 79 અર્ધસદી છે.
  • ટી20 વર્લ્ડ કપ: 35 મેચોમાં 58.73ની સરેરાશથી 1,292 રન અને 15 અર્ધસદી સાથે તે બે વાર (2014, 2016) ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ રહી ચૂક્યો છે.

બીજી તરફ, ‘હિટમેન’ રોહિત શર્માએ પણ પોતાની વર્લ્ડ કપની મહત્વાકાંક્ષા અંગે ખુલીને વાત કરી છે. તેના મતે ક્રિકેટમાં કોઈ લક્ષ્ય ‘અધૂરું કામ’ નથી હોતું જેને પૂરું કરીને ભૂલી જવાય. તેણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તે રમી રહ્યો છે, ત્યાં સુધી દરરોજ એક નવો પડકાર તેની સામે હોય છે. આઈસીસી ટુર્નામેન્ટ્સમાં અલગ-અલગ વિરોધી ટીમો અને અજાણ્યા મેદાનો પર રમવાનો જે રોમાંચ છે, તે જ રોહિત માટે નવી રણનીતિઓ ઘડવાની પ્રેરણા છે.

રવિવારથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી વનડે શ્રેણી સાથે ભારતની 2027ના વર્લ્ડ કપની તૈયારીઓનું બ્યુગલ ફૂંકાઈ જશે. બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચ માત્ર એક દ્વિપક્ષીય મુકાબલો નથી, પરંતુ તે 2027માં વિશ્વવિજેતા બનવાના ભારતના સપનાનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ પડાવ છે. કોહલી અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓ માટે હવે દરેક મેચ આગામી વર્લ્ડ કપની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની તક સમાન બની રહેશે.

ચારધામ યાત્રા વચ્ચે મોટો નિર્ણય! રેડ અલર્ટ બાદ ગંગોત્રી-યમુનોત્રી જતાં યાત્રિકોને રોકાયા

0

ઉત્તરાખંડમાં મેઘરાજાએ ફરી રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે ચારધામ યાત્રા પર પણ અસર પડી છે અને ગંગોત્રી-યમુનોત્રી ધામ તરફ જતા શ્રદ્ધાળુઓને સુરક્ષાના કારણોસર રોકી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી જિલ્લા પ્રશાસને હીના અને ડોબાટા હોલ્ડિંગ પોઈન્ટ્સ પર યાત્રિકોની આગળની અવરજવર અસ્થાયી રીતે અટકાવવાના નિર્દેશ આપ્યા છે.

ભારતીય હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરે ઉત્તરાખંડના બાગેશ્વર, નૈનીતાલ, પિથોરાગઢ, ચંપાવત અને ઉધમસિંહનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેહરાદૂન, પૌડી, ચમોલી, રુદ્રપ્રયાગ અને અલ્મોડા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ગાજવીજ અને આકાશીય વીજળી સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તથા ઝાપટામાં 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ પહોંચવાની ચેતવણી આપી છે. રાજ્યના 4,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા પણ છે.

પિથોરાગઢમાં ખરાબ હવામાનને કારણે આદિ કૈલાસ યાત્રા માટે 26 સપ્ટેમ્બરે ઇનર લાઇન પરમિટ જારી કરવાની પ્રક્રિયા રોકવામાં આવી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાને કારણે યાત્રિકોને સાવચેતી રાખવા જણાવાયું છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 26 અને 27 સપ્ટેમ્બરના હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સલાહનું પાલન કરવા અપીલ કરી છે.

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

0

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજ્યમાં ગણેશોત્સવના છેલ્લા 10 દિવસ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં 13 લોકોનાં મોત અને 26 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી તેલંગાણા DGP સી.વી. આનંદે આપી છે. મૃતકોમાં વિસર્જન ડ્યૂટી પર તહેનાત એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.

DGPના જણાવ્યા અનુસાર, કોથાગુડેમ ટુ ટાઉન પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કે. વેંકન્ના હૈદરાબાદના NTR માર્ગ પર ગણેશ વિસર્જન બંદોબસ્ત દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. એક અજાણી મોટરસાઇકલની ટક્કર બાદ તેઓ રસ્તા પર પડી ગયા હતા. શરૂઆતમાં ઇજા સામાન્ય લાગી હતી, પરંતુ બાદમાં તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે હિટ-એન્ડ-રન કેસની તપાસ હાથ ધરી છે.

DGPએ જણાવ્યું કે પટાનચેરુમાં છ લોકોનાં મોત, જ્યારે ખૈરતાબાદ અને નિર્મલમાં પણ એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. કેટલાક બનાવોમાં ઊંચા અવાજવાળા DJ સાઉન્ડને કારણે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિની માહિતી પણ સામે આવી છે. જોકે, તમામ 13 મોત પાછળની ચોક્કસ પરિસ્થિતિઓ અલગ-અલગ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ વર્ષે તેલંગાણામાં રાજ્યના ગણેશ પોર્ટલ પર 1.24 લાખ પ્રતિમાઓનું રજીસ્ટ્રેશન થયું હતું, જે ગયા વર્ષની 1.15 લાખની સંખ્યા કરતાં વધુ છે. ઘરો, એપાર્ટમેન્ટ અને અન્ય ખાનગી સ્થળોની મૂર્તિઓ ઉમેરવામાં આવે તો કુલ સંખ્યા 3.5થી 4 લાખ સુધી હોવાનો અંદાજ છે. 25 સપ્ટેમ્બર સુધીમાં લગભગ **88 હજાર મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું હતું. હૈદરાબાદમાં સુરક્ષા વ્યવસ્થા માટે 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.

આંકડાઓ દર્શાવે છે કે વિશાળ પાયે યોજાયેલા ગણેશોત્સવ દરમિયાન ભીડ, ટ્રાફિક અને વિસર્જન વ્યવસ્થામાં સુરક્ષા કેટલી મહત્વની બની જાય છે.

સુરતના નાનપુરા શાકભાજી માર્કેટમાં અચાનક તૂટી પડ્યું વિશાળ ઝાડ! વેપારી સહિત આટલા લોકો ઘાયલ

સુરતના નાનપુરા શાકભાજી માર્કેટ પાસે આજે સવારે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધોતીવાલા બેકરી નજીકની આ ઘટનામાં વૃક્ષની નીચે લોકો અને વાહનો દબાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વેપારી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે દુકાનો અને અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાનો કથિત લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો જીવ બચાવવા દોડતા નજરે પડે છે.

પ્રત્યક્ષ માહિતી મુજબ, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ કોઈ બાહ્ય કારણ વિના વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. ઘટનામાં અસરગ્રસ્ત ત્રણ લોકોને સ્થાનિકોએ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અન્ય કોઈ વ્યક્તિ વૃક્ષ નીચે ફસાઈ ન હોવાનું નિશ્ચિત કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ફાયર વિભાગે કટર મશીનની મદદથી વૃક્ષના ભારે ભાગોને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો અને દબાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા.

સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં કેટલાક વૃક્ષો અગાઉથી જ જોખમી સ્થિતિમાં હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, 2025માં જોખમી વૃક્ષ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી થઈ નહોતી. હવે સ્થાનિકોએ વિસ્તારમાં આવેલા અન્ય નબળા વૃક્ષોનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

ડ્રોન વૉરફેરના આરોપ છતાં 7 વિદેશીઓને ભારત છોડવાની મંજૂરી કેમ?

ડ્રોન વૉરફેર અને મ્યાનમારના સશસ્ત્ર જૂથોને તાલીમ આપવાના ગંભીર આરોપો વચ્ચે અમેરિકી નાગરિક મેથ્યુ એરોન વૅનડાઇક સહિત 6 યુક્રેની નાગરિકોને એક મહિના માટે પોતાના દેશમાં જવાની દિલ્હીની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે મંજૂરી આપતાં હવે કાનૂની અને રાજકીય સવાલો ઊભા થયા છે. જોકે, કોર્ટનો આદેશ કેટલાક ચોક્કસ કાનૂની કારણો અને શરતો સાથે આવ્યો છે.

વૅનડાઇક અને છ યુક્રેની નાગરિકો સામે NIAએ શરૂઆતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધ્યો હતો. NIAના આરોપ મુજબ તેઓ મિઝોરમ મારફતે મ્યાનમારમાં ગયા હતા અને ત્યાં Ethnic Armed Groups માટે ડ્રોન વૉરફેર, ડ્રોન ઓપરેશન, એસેમ્બલી તથા જામિંગ ટેક્નોલોજી સંબંધિત તાલીમમાં સામેલ હતા. જોકે, 8 સપ્ટેમ્બરે દાખલ કરાયેલી ચાર્જશીટમાં UAPAની કલમો સામેલ કરવામાં આવી નહોતી. એ ચાર્જશીટમાં Immigration and Foreigners Act હેઠળના ગુનાઓનો ઉલ્લેખ હતો, જ્યારે UAPA સંબંધિત તપાસ હજુ ચાલુ હોવાનું NIAએ કોર્ટને જણાવ્યું હતું.

કોર્ટે બાદમાં તમામ સાતને ડિફોલ્ટ જામીન આપ્યા હતા. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના આદેશમાં તેમને એક મહિના માટે અમેરિકા અને યુક્રેન જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમને એક મહિના બાદ ભારતમાં પરત ફરવું પડશે અને NIAની માંગ મુજબ વીડિયો કોન્ફરન્સિંગ અથવા જરૂર પડે તો શારીરિક રીતે તપાસમાં જોડાવું પડશે. તેમના સરનામા, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી વિગતો પણ NIAને આપવાની રહેશે. NIA તરફથી પણ કોર્ટમાં જણાવાયું હતું કે હાલ તેમની તાત્કાલિક ભૌતિક હાજરી જરૂરી નથી. આ નિર્ણય બાદ કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યા છે.

હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી બહાર! જાણો શું છે કારણ અને ક્યારે કરશે કમબેક?

0

ક્રિકેટ ચાહકો માટે એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો મેચ-વિનર ખેલાડી હાર્દિક પંડ્યા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. તેના જમણા પગની પિંડીમાં (કાફ મસલ) નવી ઈજા થતાં તે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ માટે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેશે. આ ઈજાના કારણે માત્ર ચાહકો જ નહીં, પરંતુ પસંદગીકારોની યોજનાઓ પર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે તે હવે આગામી ન્યુઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ લિમિટેડ ઓવર્સની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

હાર્દિક લાંબા સમયથી મેદાન પર પરત ફરવા માટે આકરી મહેનત કરી રહ્યો હતો. તબીબી નિષ્ણાતો દ્વારા તેની ‘રિટર્ન ટુ પ્લે’ તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ જ કારણસર તેને 6 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા-A સામેની વનડે સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમમાં સામેલ કરાયો હતો. પરંતુ હવે તે આ સિરીઝ રમી શકશે નહીં. આ ઉપરાંત, 22 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ટી-20 અને ત્યારબાદની વનડે સિરીઝમાં પણ તેની વાપસીની કોઈ સંભાવના બચી નથી. નોંધનીય છે કે, BCCI ઈચ્છતું હતું કે હાર્દિક આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ સાથે જાપાન જાય, જેના વિઝાના કામ માટે બોર્ડની ઓપરેશન્સ ટીમે તેનો પાસપોર્ટ પણ જમા લીધો હતો, પરંતુ હવે આ તમામ યોજનાઓ પર બ્રેક લાગી ગઈ છે.

હાર્દિકની ઈજાની આ સમસ્યા અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ શરૂ થતા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. ફિલ્ડિંગ ડ્રિલ દરમિયાન તેના ઘૂંટણની આસપાસ સખત દુખાવો થયો હતો. થોડો બ્રેક લીધા પછી જ્યારે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે દુખાવો ફરીથી ઉપડ્યો અને સ્કેનિંગમાં ઈજાની પુષ્ટિ થઈ. 32 વર્ષીય હાર્દિક IPL પૂરી થયા બાદથી બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’માં ટ્રેનિંગ લઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે તેને ઈજાનો સામનો કરવો પડ્યો છે. અગાઉ અફઘાનિસ્તાન વનડે અને ઈંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં પણ ઈજાએ તેની વાપસીનો રસ્તો રોક્યો હતો.

હવે મોટો સવાલ એ છે કે હાર્દિકની વાપસી ક્યારે થશે? ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી બહાર થયા બાદ હવે હાર્દિકને ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ સુધી રાહ જોવી પડી શકે છે. જો તે સમય સુધીમાં તે સંપૂર્ણ ફિટ થઈ જશે, તો ત્યાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે. આ ઉપરાંત, પોતાની મેચ-ફિટનેસ સાબિત કરવા માટે તેની પાસે વિજય હઝારે ટ્રોફી અથવા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.

એશિયન ગેમ્સ 2026માં ભારતનો સોનેરી શનિવાર: મહિલા કબડ્ડી ચેમ્પિયન, સ્ક્વૉશમાં ડબલ ફાઇનલ

0

એશિયન ગેમ્સ 2026માં 26 સપ્ટેમ્બરનો શનિવાર ભારત માટે સુવર્ણ અક્ષરે લખાયો છે. એક તરફ જ્યાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે મેટ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરીને ઈરાનને ધૂળ ચટાડી રોમાંચક સુવર્ણ ચંદ્રક જીત્યો, તો બીજી તરફ સ્ક્વૉશ કોર્ટમાં યુવા ખેલાડીઓએ અશક્ય લાગતી વાપસી કરી વિરોધીઓને પછાડ્યા છે. જાપાનમાં રમાઈ રહેલા આ એશિયાડમાં ભારતીય રમતવીરોનો એવો ડંકો વાગી રહ્યો છે, જેણે દેશવાસીઓના હૃદય ગર્વથી છલકાવી દીધા છે. આગળ વાંચો કેવી રીતે ભારતે આ ઐતિહાસિક મેડલ્સ પોતાના નામે કર્યા!

મહિલા કબડ્ડીની હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈરાનને 37-34થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે આક્રમક રમત દાખવી હતી અને હાફ ટાઇમ સુધીમાં 22-16ની મજબૂત લીડ મેળવી લીધી હતી. જોકે, બીજા હાફમાં ઈરાને જોરદાર વાપસીનો પ્રયાસ કરી મેચને અત્યંત રસાકસીભરી બનાવી દીધી હતી. પરંતુ અંતિમ ક્ષણોમાં ભારતીય ખેલાડીઓએ અદભૂત સંયમ જાળવી રાખી ત્રણ પોઈન્ટના રોમાંચક અંતરથી વિજય સુનિશ્ચિત કર્યો. આ જીત સાથે ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને અગાઉનો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો છે. આ અગાઉ મહિલા ક્રિકેટ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જેનાથી ચાલુ એશિયાડમાં ભારતના કુલ ગોલ્ડની સંખ્યા ત્રણ થઈ છે.

સ્ક્વૉશના મેદાન પરથી પણ દેશ માટે અત્યંત રોમાંચક સમાચાર સામે આવ્યા છે. 18 વર્ષીય યુવા સેન્સેશન અનાહત સિંહે જાપાનની વર્લ્ડ નંબર 6 સતોમી વતાનાબે સામે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બે ગેમ હાર્યા બાદ, અનાહતે ત્રીજી ગેમમાં બે મેચ પોઈન્ટ બચાવી અકલ્પનીય વાપસી કરી અને 9-11, 11-13, 12-10, 11-6, 11-3થી મુકાબલો જીતીને મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યારે પુરુષ સિંગલ્સમાં અભય સિંહે પાકિસ્તાનના મુહમ્મદ ઈરફાનને 3-0 (11-3, 12-10, 11-6)થી સજ્જડ માત આપી ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી છે. આ ઉપરાંત, મિક્સ્ડ ડબલ્સમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્ટિલકુમારની જોડીએ શાનદાર પ્રદર્શન કરી ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે.

આ શાનદાર સફળતાઓ ઉપરાંત શનિવારે અન્ય ઈવેન્ટ્સમાં પણ ભારતે સિલ્વરની ચમક વિખેરી છે. સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં ઐતિહાસિક પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યુ, જ્યારે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતીય ટીમે પણ સિલ્વર પર સચોટ નિશાન સાધ્યું છે. હવે સમગ્ર દેશની નજર પુરુષ કબડ્ડી ટીમ પર ટકેલી છે, જેની ફાઇનલ મેચ પણ કટ્ટર હરીફ ઈરાન સામે જ રમાવાની છે. જો ભારતીય પુરુષ ટીમ આ મુકાબલો જીતશે, તો કબડ્ડીમાં ‘સુવર્ણ ડબલ’ પૂર્ણ કરવાનો ગૌરવશાળી ઈતિહાસ રચાશે.

સુરતમાં ગણેશ વિસર્જન બાદ કરુણ ઘટના: ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું કરુણ મોત

સુરત શહેરના આંગણે ગણેશ વિસર્જનની ઉમંગભેર ઉજવણી વચ્ચે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બાપ્પાને હર્ષોલ્લાસ સાથે વિદાય આપીને ઘરે પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવકનું ચાલુ ટ્રેક્ટરેથી નીચે પટકાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગણતરીની પળોમાં જ મિત્રો સાથે હસતો-રમતો યુવક કાળનો કોળિયો બની જતાં ગણેશોત્સવનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય અશ્વિન મેસુરીયા તેના મિત્રો અને સ્થાનિક લોકો સાથે ડુમ્મસના દરિયાકિનારે ગણપતિ બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે ગયો હતો. આસ્થાભેર ધાર્મિક વિધિ અને વિસર્જન પૂર્ણ કર્યા બાદ આ તમામ લોકો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન માર્ગમાં અચાનક સંતુલન ગુમાવતાં અથવા પગ લપસી જવાના કારણે અશ્વિન ચાલુ ટ્રેક્ટર પરથી સીધો રસ્તા પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં તેને કમર તથા શરીરના આંતરિક અને નાજુક હિસ્સાઓમાં ભારે ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તરફડતા અશ્વિનને તેના મિત્રો અને આસપાસના લોકોએ તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ફરજ પરના તબીબોએ સઘન સારવાર શરૂ કરી હોવા છતાં, શારીરિક ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી યુવકની સ્થિતિ નાજુક બની હતી અને ટૂંકી સારવાર બાદ વહેલી સવારે તેણે જીવ છોડી દીધો હતો.

માત્ર 18 વર્ષના જુવાન દીકરાની અચાનક વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ ડુમ્મસ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

કાશી પહોંચવું શક્ય નથી? હવે વિદેશ બેઠા જ થશે પિતૃઓનું શ્રાદ્ધ, જાણો ‘ઈ-તર્પણ’ની સંપૂર્ણ રીત

ટેકનોલોજી અને સનાતન ધર્મનો આ અનોખો સંગમ હવે આસ્થાની નવી વ્યાખ્યા રચી રહ્યો છે! સમયનો અભાવ કે વીઝાની અડચણોને કારણે જે પ્રવાસી ભારતીયો (NRI) પિતૃપક્ષમાં કાશી, ગયા કે હરિદ્વાર નથી આવી શકતા, તેમના માટે હવે પવિત્ર ગંગા કિનારેથી વિધિવત શ્રાદ્ધ પૂજા સીધી સ્માર્ટફોનની સ્ક્રીન પર પહોંચી ગઈ છે. કાશીના કર્મકાંડી બ્રાહ્મણો હવે હાથમાં દર્ભ, તલ અને ગંગાજળ સાથે ટ્રાયપોડ અને વિડિયો કોલના માધ્યમથી વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને ઘરેબેઠા જ પિતૃઓનું ‘ઈ-તર્પણ’ કરાવી રહ્યા છે.

આ હાઈટેક શ્રાદ્ધ વિધિ માટે કર્મકાંડી બ્રાહ્મણો અને ધાર્મિક સ્ટાર્ટઅપ્સ દ્વારા ₹5,100થી લઈને ₹51,000 સુધીના ખાસ ડિજિટલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યા છે. અમેરિકા, જાપાન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સ્પેનમાં વસતા ભારતીયો આ સુવિધાનો લાભ લેવા બુકિંગ કરાવી રહ્યા છે. ગુરુગ્રામ, નોઈડા અને બેંગલુરુની કંપનીઓ પણ ઓનલાઈન એપ અને સોશિયલ મીડિયા દ્વારા આ સેવાઓ પૂરી પાડી રહી છે, જેમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સેંકડો બુકિંગમાં લગભગ 20 ટકા હિસ્સો NRI પરિવારનો છે.

વિધિ દરમિયાન બ્રાહ્મણો કાશી કે ગયાના પવિત્ર ઘાટ પર પૂજા કરશે, જ્યારે યજમાન વિદેશમાં બેઠા ગુગલ મીટ કે વોટ્સએપ વિડિયો કોલ દ્વારા લાઈવ જોડાઈને સંકલ્પ લેશે. ધાર્મિક વિદ્વાનો અને કાશી વિદ્વાન પરિષદ અનુસાર, જો કોઈ શ્રદ્ધાળુ ભૌતિક રીતે ઉપસ્થિત થવામાં અસમર્થ હોય, તો પૂર્ણ પવિત્રતા અને શુદ્ધ મનથી ઓનલાઈન લેવાયેલો સંકલ્પ પણ શાસ્ત્રસંમત અને તેટલો જ ફળદાયી નીવડે છે. વિદેશમાં વસીને પણ પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા જાળવી રાખવાનો આ ડિજિટલ માર્ગ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.