તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજ્યમાં ગણેશોત્સવના છેલ્લા 10 દિવસ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં 13 લોકોનાં મોત અને 26 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી તેલંગાણા DGP સી.વી. આનંદે આપી છે. મૃતકોમાં વિસર્જન ડ્યૂટી પર તહેનાત એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.
DGPના જણાવ્યા અનુસાર, કોથાગુડેમ ટુ ટાઉન પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કે. વેંકન્ના હૈદરાબાદના NTR માર્ગ પર ગણેશ વિસર્જન બંદોબસ્ત દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. એક અજાણી મોટરસાઇકલની ટક્કર બાદ તેઓ રસ્તા પર પડી ગયા હતા. શરૂઆતમાં ઇજા સામાન્ય લાગી હતી, પરંતુ બાદમાં તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે હિટ-એન્ડ-રન કેસની તપાસ હાથ ધરી છે.
Telangana Ganesh immersions leave 13 dead: DGP
Thirteen people, including a sub-inspector, died during Ganesh idol immersion-related incidents across Telangana, while 26 others were injured, Director General of Police C V Anand said.
DGPએ જણાવ્યું કે પટાનચેરુમાં છ લોકોનાં મોત, જ્યારે ખૈરતાબાદ અને નિર્મલમાં પણ એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. કેટલાક બનાવોમાં ઊંચા અવાજવાળા DJ સાઉન્ડને કારણે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિની માહિતી પણ સામે આવી છે. જોકે, તમામ 13 મોત પાછળની ચોક્કસ પરિસ્થિતિઓ અલગ-અલગ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ વર્ષે તેલંગાણામાં રાજ્યના ગણેશ પોર્ટલ પર 1.24 લાખ પ્રતિમાઓનું રજીસ્ટ્રેશન થયું હતું, જે ગયા વર્ષની 1.15 લાખની સંખ્યા કરતાં વધુ છે. ઘરો, એપાર્ટમેન્ટ અને અન્ય ખાનગી સ્થળોની મૂર્તિઓ ઉમેરવામાં આવે તો કુલ સંખ્યા 3.5થી 4 લાખ સુધી હોવાનો અંદાજ છે. 25 સપ્ટેમ્બર સુધીમાં લગભગ **88 હજાર મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું હતું. હૈદરાબાદમાં સુરક્ષા વ્યવસ્થા માટે 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
આંકડાઓ દર્શાવે છે કે વિશાળ પાયે યોજાયેલા ગણેશોત્સવ દરમિયાન ભીડ, ટ્રાફિક અને વિસર્જન વ્યવસ્થામાં સુરક્ષા કેટલી મહત્વની બની જાય છે.
સુરતના નાનપુરા શાકભાજી માર્કેટ પાસે આજે સવારે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધોતીવાલા બેકરી નજીકની આ ઘટનામાં વૃક્ષની નીચે લોકો અને વાહનો દબાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વેપારી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે દુકાનો અને અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાનો કથિત લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો જીવ બચાવવા દોડતા નજરે પડે છે.
પ્રત્યક્ષ માહિતી મુજબ, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ કોઈ બાહ્ય કારણ વિના વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. ઘટનામાં અસરગ્રસ્ત ત્રણ લોકોને સ્થાનિકોએ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અન્ય કોઈ વ્યક્તિ વૃક્ષ નીચે ફસાઈ ન હોવાનું નિશ્ચિત કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયર વિભાગે કટર મશીનની મદદથી વૃક્ષના ભારે ભાગોને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો અને દબાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા.
સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં કેટલાક વૃક્ષો અગાઉથી જ જોખમી સ્થિતિમાં હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, 2025માં જોખમી વૃક્ષ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી થઈ નહોતી. હવે સ્થાનિકોએ વિસ્તારમાં આવેલા અન્ય નબળા વૃક્ષોનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ડ્રોન વૉરફેર અને મ્યાનમારના સશસ્ત્ર જૂથોને તાલીમ આપવાના ગંભીર આરોપો વચ્ચે અમેરિકી નાગરિક મેથ્યુ એરોન વૅનડાઇક સહિત 6 યુક્રેની નાગરિકોને એક મહિના માટે પોતાના દેશમાં જવાની દિલ્હીની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે મંજૂરી આપતાં હવે કાનૂની અને રાજકીય સવાલો ઊભા થયા છે. જોકે, કોર્ટનો આદેશ કેટલાક ચોક્કસ કાનૂની કારણો અને શરતો સાથે આવ્યો છે.
વૅનડાઇક અને છ યુક્રેની નાગરિકો સામે NIAએ શરૂઆતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધ્યો હતો. NIAના આરોપ મુજબ તેઓ મિઝોરમ મારફતે મ્યાનમારમાં ગયા હતા અને ત્યાં Ethnic Armed Groups માટે ડ્રોન વૉરફેર, ડ્રોન ઓપરેશન, એસેમ્બલી તથા જામિંગ ટેક્નોલોજી સંબંધિત તાલીમમાં સામેલ હતા. જોકે, 8 સપ્ટેમ્બરે દાખલ કરાયેલી ચાર્જશીટમાં UAPAની કલમો સામેલ કરવામાં આવી નહોતી. એ ચાર્જશીટમાં Immigration and Foreigners Act હેઠળના ગુનાઓનો ઉલ્લેખ હતો, જ્યારે UAPA સંબંધિત તપાસ હજુ ચાલુ હોવાનું NIAએ કોર્ટને જણાવ્યું હતું.
કોર્ટે બાદમાં તમામ સાતને ડિફોલ્ટ જામીન આપ્યા હતા. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના આદેશમાં તેમને એક મહિના માટે અમેરિકા અને યુક્રેન જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમને એક મહિના બાદ ભારતમાં પરત ફરવું પડશે અને NIAની માંગ મુજબ વીડિયો કોન્ફરન્સિંગ અથવા જરૂર પડે તો શારીરિક રીતે તપાસમાં જોડાવું પડશે. તેમના સરનામા, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી વિગતો પણ NIAને આપવાની રહેશે. NIA તરફથી પણ કોર્ટમાં જણાવાયું હતું કે હાલ તેમની તાત્કાલિક ભૌતિક હાજરી જરૂરી નથી. આ નિર્ણય બાદ કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યા છે.
ક્રિકેટ ચાહકો માટે એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો મેચ-વિનર ખેલાડી હાર્દિક પંડ્યા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. તેના જમણા પગની પિંડીમાં (કાફ મસલ) નવી ઈજા થતાં તે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ માટે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેશે. આ ઈજાના કારણે માત્ર ચાહકો જ નહીં, પરંતુ પસંદગીકારોની યોજનાઓ પર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે તે હવે આગામી ન્યુઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ લિમિટેડ ઓવર્સની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
હાર્દિક લાંબા સમયથી મેદાન પર પરત ફરવા માટે આકરી મહેનત કરી રહ્યો હતો. તબીબી નિષ્ણાતો દ્વારા તેની ‘રિટર્ન ટુ પ્લે’ તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ જ કારણસર તેને 6 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા-A સામેની વનડે સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમમાં સામેલ કરાયો હતો. પરંતુ હવે તે આ સિરીઝ રમી શકશે નહીં. આ ઉપરાંત, 22 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ટી-20 અને ત્યારબાદની વનડે સિરીઝમાં પણ તેની વાપસીની કોઈ સંભાવના બચી નથી. નોંધનીય છે કે, BCCI ઈચ્છતું હતું કે હાર્દિક આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ સાથે જાપાન જાય, જેના વિઝાના કામ માટે બોર્ડની ઓપરેશન્સ ટીમે તેનો પાસપોર્ટ પણ જમા લીધો હતો, પરંતુ હવે આ તમામ યોજનાઓ પર બ્રેક લાગી ગઈ છે.
હાર્દિકની ઈજાની આ સમસ્યા અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ શરૂ થતા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. ફિલ્ડિંગ ડ્રિલ દરમિયાન તેના ઘૂંટણની આસપાસ સખત દુખાવો થયો હતો. થોડો બ્રેક લીધા પછી જ્યારે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે દુખાવો ફરીથી ઉપડ્યો અને સ્કેનિંગમાં ઈજાની પુષ્ટિ થઈ. 32 વર્ષીય હાર્દિક IPL પૂરી થયા બાદથી બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’માં ટ્રેનિંગ લઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે તેને ઈજાનો સામનો કરવો પડ્યો છે. અગાઉ અફઘાનિસ્તાન વનડે અને ઈંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં પણ ઈજાએ તેની વાપસીનો રસ્તો રોક્યો હતો.
હવે મોટો સવાલ એ છે કે હાર્દિકની વાપસી ક્યારે થશે? ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી બહાર થયા બાદ હવે હાર્દિકને ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ સુધી રાહ જોવી પડી શકે છે. જો તે સમય સુધીમાં તે સંપૂર્ણ ફિટ થઈ જશે, તો ત્યાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે. આ ઉપરાંત, પોતાની મેચ-ફિટનેસ સાબિત કરવા માટે તેની પાસે વિજય હઝારે ટ્રોફી અથવા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.
એશિયન ગેમ્સ 2026માં 26 સપ્ટેમ્બરનો શનિવાર ભારત માટે સુવર્ણ અક્ષરે લખાયો છે. એક તરફ જ્યાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે મેટ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરીને ઈરાનને ધૂળ ચટાડી રોમાંચક સુવર્ણ ચંદ્રક જીત્યો, તો બીજી તરફ સ્ક્વૉશ કોર્ટમાં યુવા ખેલાડીઓએ અશક્ય લાગતી વાપસી કરી વિરોધીઓને પછાડ્યા છે. જાપાનમાં રમાઈ રહેલા આ એશિયાડમાં ભારતીય રમતવીરોનો એવો ડંકો વાગી રહ્યો છે, જેણે દેશવાસીઓના હૃદય ગર્વથી છલકાવી દીધા છે. આગળ વાંચો કેવી રીતે ભારતે આ ઐતિહાસિક મેડલ્સ પોતાના નામે કર્યા!
મહિલા કબડ્ડીની હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈરાનને 37-34થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે આક્રમક રમત દાખવી હતી અને હાફ ટાઇમ સુધીમાં 22-16ની મજબૂત લીડ મેળવી લીધી હતી. જોકે, બીજા હાફમાં ઈરાને જોરદાર વાપસીનો પ્રયાસ કરી મેચને અત્યંત રસાકસીભરી બનાવી દીધી હતી. પરંતુ અંતિમ ક્ષણોમાં ભારતીય ખેલાડીઓએ અદભૂત સંયમ જાળવી રાખી ત્રણ પોઈન્ટના રોમાંચક અંતરથી વિજય સુનિશ્ચિત કર્યો. આ જીત સાથે ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને અગાઉનો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો છે. આ અગાઉ મહિલા ક્રિકેટ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જેનાથી ચાલુ એશિયાડમાં ભારતના કુલ ગોલ્ડની સંખ્યા ત્રણ થઈ છે.
સ્ક્વૉશના મેદાન પરથી પણ દેશ માટે અત્યંત રોમાંચક સમાચાર સામે આવ્યા છે. 18 વર્ષીય યુવા સેન્સેશન અનાહત સિંહે જાપાનની વર્લ્ડ નંબર 6 સતોમી વતાનાબે સામે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બે ગેમ હાર્યા બાદ, અનાહતે ત્રીજી ગેમમાં બે મેચ પોઈન્ટ બચાવી અકલ્પનીય વાપસી કરી અને 9-11, 11-13, 12-10, 11-6, 11-3થી મુકાબલો જીતીને મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યારે પુરુષ સિંગલ્સમાં અભય સિંહે પાકિસ્તાનના મુહમ્મદ ઈરફાનને 3-0 (11-3, 12-10, 11-6)થી સજ્જડ માત આપી ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી છે. આ ઉપરાંત, મિક્સ્ડ ડબલ્સમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્ટિલકુમારની જોડીએ શાનદાર પ્રદર્શન કરી ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે.
આ શાનદાર સફળતાઓ ઉપરાંત શનિવારે અન્ય ઈવેન્ટ્સમાં પણ ભારતે સિલ્વરની ચમક વિખેરી છે. સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં ઐતિહાસિક પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યુ, જ્યારે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતીય ટીમે પણ સિલ્વર પર સચોટ નિશાન સાધ્યું છે. હવે સમગ્ર દેશની નજર પુરુષ કબડ્ડી ટીમ પર ટકેલી છે, જેની ફાઇનલ મેચ પણ કટ્ટર હરીફ ઈરાન સામે જ રમાવાની છે. જો ભારતીય પુરુષ ટીમ આ મુકાબલો જીતશે, તો કબડ્ડીમાં ‘સુવર્ણ ડબલ’ પૂર્ણ કરવાનો ગૌરવશાળી ઈતિહાસ રચાશે.
સુરત શહેરના આંગણે ગણેશ વિસર્જનની ઉમંગભેર ઉજવણી વચ્ચે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બાપ્પાને હર્ષોલ્લાસ સાથે વિદાય આપીને ઘરે પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવકનું ચાલુ ટ્રેક્ટરેથી નીચે પટકાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગણતરીની પળોમાં જ મિત્રો સાથે હસતો-રમતો યુવક કાળનો કોળિયો બની જતાં ગણેશોત્સવનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય અશ્વિન મેસુરીયા તેના મિત્રો અને સ્થાનિક લોકો સાથે ડુમ્મસના દરિયાકિનારે ગણપતિ બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે ગયો હતો. આસ્થાભેર ધાર્મિક વિધિ અને વિસર્જન પૂર્ણ કર્યા બાદ આ તમામ લોકો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન માર્ગમાં અચાનક સંતુલન ગુમાવતાં અથવા પગ લપસી જવાના કારણે અશ્વિન ચાલુ ટ્રેક્ટર પરથી સીધો રસ્તા પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં તેને કમર તથા શરીરના આંતરિક અને નાજુક હિસ્સાઓમાં ભારે ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તરફડતા અશ્વિનને તેના મિત્રો અને આસપાસના લોકોએ તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ફરજ પરના તબીબોએ સઘન સારવાર શરૂ કરી હોવા છતાં, શારીરિક ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી યુવકની સ્થિતિ નાજુક બની હતી અને ટૂંકી સારવાર બાદ વહેલી સવારે તેણે જીવ છોડી દીધો હતો.
માત્ર 18 વર્ષના જુવાન દીકરાની અચાનક વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ ડુમ્મસ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
ટેકનોલોજી અને સનાતન ધર્મનો આ અનોખો સંગમ હવે આસ્થાની નવી વ્યાખ્યા રચી રહ્યો છે! સમયનો અભાવ કે વીઝાની અડચણોને કારણે જે પ્રવાસી ભારતીયો (NRI) પિતૃપક્ષમાં કાશી, ગયા કે હરિદ્વાર નથી આવી શકતા, તેમના માટે હવે પવિત્ર ગંગા કિનારેથી વિધિવત શ્રાદ્ધ પૂજા સીધી સ્માર્ટફોનની સ્ક્રીન પર પહોંચી ગઈ છે. કાશીના કર્મકાંડી બ્રાહ્મણો હવે હાથમાં દર્ભ, તલ અને ગંગાજળ સાથે ટ્રાયપોડ અને વિડિયો કોલના માધ્યમથી વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને ઘરેબેઠા જ પિતૃઓનું ‘ઈ-તર્પણ’ કરાવી રહ્યા છે.
આ હાઈટેક શ્રાદ્ધ વિધિ માટે કર્મકાંડી બ્રાહ્મણો અને ધાર્મિક સ્ટાર્ટઅપ્સ દ્વારા ₹5,100થી લઈને ₹51,000 સુધીના ખાસ ડિજિટલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યા છે. અમેરિકા, જાપાન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સ્પેનમાં વસતા ભારતીયો આ સુવિધાનો લાભ લેવા બુકિંગ કરાવી રહ્યા છે. ગુરુગ્રામ, નોઈડા અને બેંગલુરુની કંપનીઓ પણ ઓનલાઈન એપ અને સોશિયલ મીડિયા દ્વારા આ સેવાઓ પૂરી પાડી રહી છે, જેમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સેંકડો બુકિંગમાં લગભગ 20 ટકા હિસ્સો NRI પરિવારનો છે.
વિધિ દરમિયાન બ્રાહ્મણો કાશી કે ગયાના પવિત્ર ઘાટ પર પૂજા કરશે, જ્યારે યજમાન વિદેશમાં બેઠા ગુગલ મીટ કે વોટ્સએપ વિડિયો કોલ દ્વારા લાઈવ જોડાઈને સંકલ્પ લેશે. ધાર્મિક વિદ્વાનો અને કાશી વિદ્વાન પરિષદ અનુસાર, જો કોઈ શ્રદ્ધાળુ ભૌતિક રીતે ઉપસ્થિત થવામાં અસમર્થ હોય, તો પૂર્ણ પવિત્રતા અને શુદ્ધ મનથી ઓનલાઈન લેવાયેલો સંકલ્પ પણ શાસ્ત્રસંમત અને તેટલો જ ફળદાયી નીવડે છે. વિદેશમાં વસીને પણ પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા જાળવી રાખવાનો આ ડિજિટલ માર્ગ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.
શ્રમિક પરિવારના બાળકનું ડોક્ટર બનવાનું સપનું હવે મોંઘી ખાનગી મેડિકલ ફીની મર્યાદામાં અટકવું જરૂરી નથી. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની ખાસ વ્યવસ્થા હેઠળ વીમિત કર્મચારીઓના સંતાનો માટે MBBS, BDS અને નર્સિંગની વિશેષ બેઠકો ફાળવવામાં આવે છે. 2026-27ની સત્તાવાર પ્રવેશ સૂચના મુજબ દેશભરમાં 695 MBBS, 28 BDS અને 60 B.Sc. નર્સિંગ બેઠકો ‘Ward of Insured Persons’ માટે ઉપલબ્ધ છે.
ગુજરાત માટે પણ આ યોજના મહત્વની છે. અમદાવાદના નરોડા સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) મેડિકલ કોલેજમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે MBBSની 25 બેઠકો ફાળવવામાં આવી છે. આ બેઠકો ઓલ ઇન્ડિયા ધોરણે પૂલ કરીને ઉમેદવારોની મેરિટ અને પસંદગીના આધારે કેન્દ્રીય કાઉન્સેલિંગથી ફાળવાય છે.
આ યોજનાની મોટી ખાસિયત ઓછી ફી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની 2026-27ની સૂચના મુજબ MBBS અને BDS માટે વાર્ષિક ટ્યુશન ફી રૂ.24,000 છે, જ્યારે B.Sc. નર્સિંગ માટે વાર્ષિક ફી રૂ.10,000 છે. સાથે જ કેપિટેશન ફી અથવા પ્રોફિટ કમાવાની મંજૂરી નથી.
લાભ લેવા માટે ઉમેદવારે NEET-UGની પાત્રતા પૂર્ણ કરવી અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)નું માન્ય ‘Ward of IP Certificate’ મેળવવું ફરજિયાત છે. ત્યારબાદ MCC/DGHSના પોર્ટલ મારફતે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકાય છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સત્તાનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. એક તરફ સત્તાધારી ભાજપે વર્તમાન અને પૂર્વ મેયરની ટિકિટ કાપીને મોટા માથાઓને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ‘ઘરવાપસી’ કરનારા નેતાઓ અને જ્ઞાતિગત સમીકરણોના આધારે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી કાઢી છે. પાટનગરના આ રાજકીય સંગ્રામમાં કોના ઉમેદવારો કેટલા મજબૂત છે અને પડદા પાછળની રમત શું છે? ચાલો જાણીએ બંને પક્ષોના માસ્ટરપ્લાનની સંપૂર્ણ વિગતો.
ગાંધીનગર મનપા પર કબજો જમાવવા ભાજપના મોવડી મંડળે ગહન મંથન બાદ ૮ વોર્ડના ૩૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. ભાજપે આ વખતે સ્થાનિક જાતિગત સમીકરણો અને ‘રિપીટ તથા નો-રિપીટ’ થિયરીનો સુમેળ સાધ્યો છે. સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર વોર્ડ-૧૦માં જોવા મળ્યો છે, જ્યાં વર્તમાન મેયર મીરાબેન પટેલની ટિકિટ જ કાપી નાખવામાં આવી છે. તેમની જગ્યાએ (Sardar Patel Group)SPG ગ્રુપના પ્રમુખ ગૌરાંગ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના પુત્રવધુ તન્વીબેન પટેલને મેદાને ઉતારીને પાટીદાર વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત વોર્ડ-૫માં અઢી વર્ષ મેયર રહેલા હિતેશ મકવાણાનું પત્તું પણ કપાયું છે.
વોર્ડ-૩માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અંકિત બારોટને રિપીટ કર્યા છે, જેઓ આ વખતે આગામી મેયર પદ (OBC ક્વોટા) માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ જ વોર્ડમાં ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા ઉમેશ જ્હાને ટિકિટ અપાઈ છે. જોકે, ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં આંતરિક રોષ પણ ફાટી નીકળ્યો છે. વોર્ડ-૯માંથી બેન્કના ચેરમેન મહેન્દ્ર પટેલ (દાસ)ને ઉમેદવાર બનાવતા સ્થાનિક કાર્યકરોએ કાર્યાલય પર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. વોર્ડ ૨, ૪ અને ૬માં હજુ પણ ઉમેદવારોને લઈને ભાજપમાં અસમંજસનો માહોલ છે.
સામે પક્ષે, કોંગ્રેસે પણ પાટનગરમાં પોતાનો ગુમાવેલો જનાધાર પાછો મેળવવા કમર કસી છે. કોંગ્રેસે વધુ ૧૬ નામો સાથે અત્યાર સુધીમાં કુલ ૪૪માંથી ૩૫ બેઠકો પર પોતાના ઉમેદવારો ફાઇનલ કરી દીધા છે. કોંગ્રેસની યાદીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર નામ વોર્ડ-૨ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભીનું છે. ડાભી અગાઉ કોંગ્રેસમાં જ હતા, પરંતુ નારાજ થઈને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા અને ત્યાં પ્રદેશ મંત્રી બન્યા હતા. જોકે, ત્યાંથી છેડો ફાડીને તેમણે ફરી કોંગ્રેસમાં ‘ઘરવાપસી’ કરી છે, જેને પક્ષે ટિકિટ આપીને વધાવી લીધી છે.
કોંગ્રેસની રણનીતિ સ્પષ્ટપણે OBC, મહિલાઓ, દલિત અને પાટીદાર મતદારો પર કેન્દ્રિત છે. જલ્પાબેન અને ચિરાગકુમાર જેવા નામો થકી ઠાકોર સમાજને, તો સુનિતાબેન અને નંદુભાઈ પટેલ થકી શહેરી પાટીદારોને સાધવાનો પ્રયાસ થયો છે. ડેમેજ કંટ્રોલથી બચવા કોંગ્રેસ બાકીના વોર્ડ (૪ અને ૫)માં સીધા મેન્ડેટ આપીને ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.
ટૂંકમાં, ભાજપ પોતાના સંગઠન, યુવા અને અનુભવી ચહેરાઓના સમન્વય થકી સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ સત્તા વિરોધી લહેર અને સામાજિક સમીકરણો થકી પરિવર્તન લાવવાની આશા રાખે છે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ વધુ તીવ્ર બનશે ત્યારે ગાંધીનગરના મતદારો કયા પક્ષ પર વિશ્વાસ મૂકે છે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.
કલ્પસર પરિયોજના સાકાર થવાથી વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાને પણ કલ્પના બહારના ફાયદા થશે, ઉજ્જડ ગણાતા પ્રદેશમાં પાણીના તળ ઉપર આવવા ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના માર્ગો ટુંકા અને સરળ બનશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.અનિલ કાણેએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ખંભાતની ખાડીમાં એક મહાકાય બ્રિજ બનાવવા સાથે નર્મદા, મહી, સાબરમતી અને ધાધર નદીના પાણીને દરિયામાં વહી જતા રોકીને મીઠા પાણીનું વિરાટ જળ સરોવર બનાવવાની યોજનાનું જોયેલું સપનું બીજા કોઈના કારણે નહીં, પરંતુ ભાજપ શાસકોના આંતરિક મતભેદને કારણે માત્ર આયોજનોની ફાઇલોમાં દફન થઈ ગયું હતું, પરંતુ વિચાર જીવતો હતો. કેશુબાપા અને ડૉ.કાણે હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેમણે જોયેલું સપનું કદાચ આવનારા નજીકનાં વર્ષોમાં સાકાર થવાના સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે.
તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાિટલની આગેવાની હેઠળ જળસંચય સહિતના પાણી બચાવવાના, સંગ્રહ કરવાના અને પુનઃ ઉપયોગમાં લેવાના હેતુ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ‘વૉટર વીક’નું આયોજન કરવામાં આવ્યંુ અને સપ્તાહની ઉજવણીના અંતિમ પડાવમાં ગુજરાતની ભુલાઈ ગયેલી કલ્પસર યોજના ફરી તાજી કરી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને નેધરલેન્ડની કંપની વચ્ચે કલ્પસર યોજના સાકાર કરવા એમઓયુ કરાયા હતા. સમગ્ર ‘વોટર વીક’ની ઉજવણી દરમિયાન કલ્પસર યોજનાના કરાયેલા કરારોએ ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું અને મરી પરવારેલી આશા ફરી જીવંત થવા પામી હતી. કેશુબાપા ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા, ત્યારે ખંભાતના અખાતના દરિયા વચ્ચે બહુહેતુક ડેમ, રોડ અને રેલમાર્ગ, જળાશય બનાવવા માટે ભરૂચથી શરૂ કરીને સામે પાર ભાવનગરને જોડતો બ્રિજ બનાવવાની મૂળભૂત યોજના હતી. આ યોજના સાકાર થવાથી માત્ર રોડ, રેલ માર્ગ અને માત્ર ડેમ નહીં, પરંતુ મીઠા પાણીનું વિરાટ સરોવર સર્જાવાથી સૌરાષ્ટ્રની ખેતીવાડી માટેની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું આયોજન હતું. આ ઉપરાંત પાણીના મોજામાંથી વીજળી પેદા કરવાનું પણ આયોજન હતું. પરંતુ ગુજરાતના રાજકારણમાં બદલાયેલી સ્થિતિ, સંજોગો અને વિચારધારાને પગલે આખી યોજના ઉપર વર્ષો સુધી પડદો પડી ગયો હતો. પરંતુ સુરતના સાંસદ સી.આર. પાિટલ કેન્દ્ર સરકારમાં જળશક્તિમંત્રી બન્યા બાદ તેમના ભાગે મહત્ત્વની જવાબદારીઓ આવી હતી. દેશભરમાં પીવાના પાણીથી શરૂ કરીને ખેતીવાડી અને ઉદ્યોગો માટેના પાણીની ખેંચ અનુભવાઈ રહી છે. ત્યારે જળશક્તિ મંત્રી તરીકે પોતાની તાકાત પુરવાર કરવા સી.આર. પાિટલે બીડું ઝડપી લીધું છે અને ભૂગર્ભજળના તળ ઉપર લાવવા ઉપરાંત દેશની મોટી નદીઓને જોડીને આકાશમાંથી ભગીરથીને ઉતારવા જેવો મહાપરિશ્રમ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મધ્યસ્થીમાં કરારો કર્યા હતા. સી.આર. પાિટલ માટે આ સૌથી મોટી સિદ્ધિ હતી. અલબત્ત નદીઓને જોડવાની મૂળભૂત યોજના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હતી. તેમના કાર્યકાળ દરમિયાન નદીઓને જોડવાના પ્રારંભિક પ્રયાસો પણ શરૂ કરી દેવાયા હતા.
સી.આર. પાિટલ લક્ષ્ય પાર પાડવામાં અને પથ્થર જેવો નિર્ણય કરવામાં માહિર છે. કારણ કે આ બધું તેમને પોલીસદળની ટ્રેનિંગ દરમિયાન વારસામાં મળ્યું છે. એક વખત કરેલા નિર્ણયને સાકાર કરવા તેઓ છેવટ સુધી લડી લેવા માટે તૈયાર હોય છે. આ ઉપરાંત જરૂર પડે તો સામા પ્રવાહે તરવાની સી.આર.પાિટલની તૈયારી હોય છે. ખેર, સી.આર.પાિટલને જેઓ નજીકથી ઓળખે છે. તેઓ તેમની અડગ નિર્ણય શક્તિથી વાકેફ છે. હવે નસીબજોગે કલ્પસર યોજના સાકાર કરવાની જવાબદારી તેમના ભાગે આવી છે અને ગુજરાતની પ્રજાના સ્વપ્ન સમાન કલ્પસર યોજના સાકાર કરવા માટે ફરી વખત પહેલો પથ્થર ગુરૂવાર તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે ચાલી રહેલા ‘વોટર વીક’માં મુકાયો હતો. વળી, આ વખતે આગળ વધીને નેધરલેન્ડની કંપની સાથે કલ્પસર સરોવર સાકાર કરવા એમઓયુ કરવામાં આવ્યા હતા. મતલબ, આવનારા સમયમાં કલ્પસર યોજનાની શરૂઆત કરવામાં આવશે. કલ્પસર યોજના ગુજરાત માટે ખરેખર અમૃત સરોવર જેવી પુરવાર થશે આ યોજના સાકાર થવાથી ગુજરાતમાં ભૌગોલિક અને સામાજિક ઔદ્યોગિક, ખેતીવાડી ક્ષેત્રે, અકલ્પનીય પરિવર્તનો આવવાની સંભાવના છે. બલ્કે સૌરાષ્ટ્રમાંથી થઈ રહેલું સ્થળાંતર અને ખાલી થઈ રહેલા ગામડાઓ ખેતરો ફરી નવપલ્લવિત બનવાની આશા રાખી શકાય, સૌરાષ્ટ્રમાંથી લોકોના સ્થળાંતર પાછળનું મૂળ કારણ પાણીની તંગી અને વર્ષોવર્ષ દુષ્કાળ કારણભૂત રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપાએ સૌરાષ્ટ્રનો કાળઝાળ દુષ્કાળ વેઠ્યો હોવાથી તેમના મનમા કલ્પસરનું વિચારબીજ સ્વ. ડૉ. કાણેએ રોપ્યું હતું. વળી, નર્મદા ડેમથી શરૂ કરીને છેક સૌરાષ્ટ્ર સુધી ૫૦૦ કિ.મી. લાંબી પાણીની પાઇપલાઇન કેશુબાપાના કાર્યકાળ દરમિયાન નાંખીને નર્મદાના ધસમસતા પાણી સૌરાષ્ટ્રના ગામડે-ગામડે પહોંચાડ્યા હતા. અલબત્ત, કોઠાસૂઝવાળા કેશુબાપા પોતીકા લોકોને ઓળખી શક્યા નહોતા અને િજંદગીના અંતિમ પડાવમાં સાવ એકલા પડી ગયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રની નર્મદાના પાણીથી તરસ િછપાવનાર કેશુબાપાના અંતિમ દિવસોમાં તેમના નજીકના સંબંધીઓ અને થોડા ઘણા પરિચિતો સિવાય એક પણ ચહેરો હાજર નહોતો. કેશુબાપાએ ખેતીની જમીન ખરીદવા સાત કિ.મી.ની મર્યાદા અને જમીન ટોચ મર્યાદા દૂર કરીને સેંકડો લોકોને રાતોરાત કરોડપતિ અને મોટા ગજાના જમીનદાર બનાવી દીધા હતા. પરંતુ આ પૈકીના મોટાભાગના લોકો સ્વાર્થી નીકળ્યા હતા.
ખેર, વાત જરા આડા પાટે ચઢી ગઈ, પરંતુ કલ્પસર યોજનાની વાત આવે એટલે કેશુબાપાને યાદ કરવા પડે જ. અને હવે જ્યારે ફરી કલ્પસર યોજનાના અમલીકરણની વાત નીકળી છે ત્યારે કેશુબાપાની સરકારમાં વડોદરાની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને જીઆઇડીસીના ચેરમેન તરીકેનો અખત્યાર ભોગવી ચૂકેલા અને હાલના કેન્દ્રીય મંત્રી સી.આર. પાિટલ યોગાનુયોગ કલ્પસર યોજનાના હિસ્સેદાર બની રહ્યા છે. સી.આર. પાિટલે એક કદમ આગળ વધીને કલ્પસર સાકાર કરવા નેધરલેન્ડની કંપની સાથે કરાર કર્યા છે. ત્યારે એવી ચોક્કસ આશા રાખી શકાય કે આકાશમાંથી ભાગીરથી ઉતારવા જેવું કાર્ય આવનારાં વર્ષોમાં ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવતું હશે. જો બુલેટ ટ્રેન સાકાર થઈ શકતી હોય તો કલ્પસર યોજના કેમ સાકાર થઈ શકે નહીં! સવાલ માત્ર નિયત અને નિર્ણયનો છે અને નિર્ણય થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં કલ્પસર પ્રકલ્પને કારણે હરિયાળા ખેતરો લહેરાવા સાથે ગુજરાતનું ભૌગોલિક અંતર ઘટી ગયું હશે. કલ્પસર યોજનાની મૂળ ડિઝાઇનની પ્રાથમિક વિગતો મુજબ આ યોજના ગુજરાતની સૌથી મોટી લાંબી અને બહુહેતુક યોજના છે. ખંભાતના અખાતમાં લગભગ ૬૦ કિ.મી. લાંબો બ્રિજ એટલે કે ડેમ બંધ બનાવવામાં આવશે. આ બંધ ઉપર રેલવે અને મોટરમાર્ગનું પણ આયોજન છે. ખંભાતના કુદરતી અખાતનો એક મોટો ભાગ મીઠા પાણીનું વિરાટ સરોવર બની જશે અને દરિયામાં વહી જતી નદીઓના મીઠા પાણી આ સરોવરમાં સંગ્રિહત કરાશે. આ પાણી પીવા માટે ઉપરાંત ખેતીવાડી, ઉદ્યોગો, ભૂગર્ભજળ સુધારવા અને દરિયાની ખારાશ મટાડવાના ઉપયોગમાં લેવામાં આવશે. સાથે સૌરાષ્ટ્ર અને દિક્ષણ ગુજરાતનું અંતર ઘટીને લગભગ માત્ર ૧૭૭ કિ.મી. થઈ જશે. મતલબ સુરતથી નીકળેલી વ્યક્તિ ગણતરીના કલાકોમાં ભાવનગર અને ત્યાંથી આગળના વિસ્તારોમાં પહોંચી જશે. હાલમાં સુરત અને ભાવનગર વચ્ચેનું અંતર લગભગ ૩૬૦ કિ.મી. જેટલું છે. મધ્ય, દિક્ષણ ગુજરાત ઉપરાંત ભાવનગર પંથકના ‘ભાલ’ તરીકે ઓળખાતા ખારપાટને કલ્પસર યોજનાનો ખૂબ મોટો અને ચમત્કાિરક ફાયદો થશે. તળના પાણી મીઠા થવા સાથે ઉજ્જડ પડેલી જમીન નવપલ્લવિત થઈ શકશે. જ્યારે વડાપ્રધાન મોદીના સપના સમાન ‘ધોલેરા’ પંથકની પાણીની સમસ્યાનો સૌથી ઝડપી અને હાથવેંતમાં ઉકેલ લાવી શકાશે. કલ્પસર યોજનાને કારણે આવા તો અનેક ફાયદા થવાની શક્યાતાઓ જોવાઈ રહી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે ગુજરાતના વિકાસને વધુ બળ મળવા સાથે ભાવિ પેઢીનું ભવિષ્ય સુરિક્ષત કરવામાં સફળતા મળશે. એક અંદાજ મુજબ કલ્પસર યોજના સાકાર કરવા માટે હાલમાં ૧.૩૩ લાખ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. પરંતુ યોજના સાકાર થતા સામે થનારા ફાયદા અને સુવિધાઓનો અંદાજ મૂકવામાં આવે તો ૧.૩૩ લાખ કરોડનો ખર્ચ સાવ નગણ્ય ગણાશે. અલબત્ત, હવે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ માટે એક નવો પડકાર ઊભો થશે. નવી ચેલેન્જ ઉપાડી લેવામાં માહિર ગણાતા સી.આર. પાટીલને કલ્પસરના પડકારનો ચોક્કસ અંદાજ હશે. હમણાં થોડા દિવસ પહેલા જ સુરતના ઉદ્યોગ અગ્રણી ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલ (ઉગામેડી)એ ઉજ્જડ થઇ રહેલા સૌરાષ્ટ્રને ફરી જીવંત બનાવવા સૌરાષ્ટ્રમાં હાલમાં બીજાના ભરોસે પડેલા ખેતરોમાં ફાર્મહાઉસ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. અલબત્ત, લાલજીભાઇ પટેલે વ્યક્ત કરેલો વિચાર જોગાનુજોગ હતો પરંતુ કલ્પસર યોજના ફળીભૂત થાય તો સૌરાષ્ટ્રના ખેતરો આધુનિક ફાર્મહાઉસ સાથે હરિયાળી ખેતીથી લહેરાતા જોવા મળશે.