Home Blog

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની પ્રેસેસ હાઉસની તત્કાલીન પરિસ્થિતી પર ચર્ચા કરવા માટે સભા મળી હતી, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે પ્રેસેસ હાઉસના સભ્યોની સર્વાનુમતે માંગણી હતી કે પ્રોસેસર્સના જોબ ચાર્જમાં ૧૦ થી ૧૫ ટકા નો ભાવ વધારો કરવો તેમ નક્કી કરવામાં આવેલ હતું.

આજરોજ અગાઉ તા.૨૭-૦૮-૨૦૨૬ના રોજ મળેલ સભાના અનુસંધાનમાં ફરી એક મીટીંગનું આયોજન કરવા સભ્યોનું દબાણ આવતા એક મીટીંગ કરવામાં આવી હતી. મીટીંગમાં એકત્રીત તમામ સભ્યોએ માંગ કરી હતી કે તા:૨૭-૦૮-૨૦૨૬ના રોજ કરેલ ભાવ વધારા પછી આજદિન સુધીમાં કોલસા તેમજ કલર કેમીકલ્સના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે, માટે આવતા સપ્તાહમાં ફરી મીટીંગ બોલાવી પ્રોસેસના દરમાં ફરીથી ફેરબદલ કરવા નક્કી કરવા માટે સભા બોલાવવાનો નિર્ણય સર્વાનુંમતે કરવામાં આવ્યો હતો.

આજરોજ મળેલ મીટીંગમાં પ્રમુખશ્રી જીતુભાઈ વખારીઆ ઉપરાંત મુખ્ય વક્તાઓમાં શ્રી પ્રમોદભાઈ ચૌધરી, શ્રી મિતુલ મહેતા, શ્રી કમલવિજય તુલસ્યાન, શ્રી મનીષભાઈ અગ્રવાલ, શ્રી શ્યામજી અગ્રવાલ, શ્રી સુરેશભાઈ અગ્રવાલ હાજર રહ્યા હતા અને પોત-પોતાના વિચારો રજુ કર્યા હતા.

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

0

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધતા કાર્યકરોને ભાજપના કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવા શીખ આપી હતી.


નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવ્યા હતા. દેશનું પહેલું આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આધારિત ભાજપ કાર્યાલય 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ કાર્યાલયનું નિરીક્ષણ કરી તેમાં રહેલી વિવિધ સુવિધાઓ જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એ બાદ જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતીમાં સંબોધન કરવા સાથે સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની અને થૂકવાની કુટેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં સધાયેલા વિકાસની ગાથાનો ઉલ્લેખ કરવા સાથે અનેક વાતો કરી હતી. તેમણે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું હોવાનું જણાવીને દેશના વિકાસના કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.


કાર્યકર્તાઓને મળવું એ પોતાને માટે એક અવસર સમાન હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોની નિષ્ઠાને બિરદાવતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા એ ફક્ત સેવા જ છે.


એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે 7.8 ટકાનો વિકાસ દર પીએમ મોદીના નક્કર નેતૃત્વ અને પ્રગતિશીલ વિકાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
નવસારીના સાંસદ સી.આર.પાટીલે નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારી અને પીએમ સ્વનિધિ યોજનામાં લોન અપાશે એમ જણાવ્યું હતું.


આ પ્રસંગે એક બાળકી જેનિફર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલઘેલી ભાષામાં વાતો કરી હતી. તેમણે પૂછ્યું હતું કે શું તું જેન-ઝી છે ? જો કે જેનિફરે તરત ના પાડતાં કહ્યું કે કે હું તો દુર્ગા માતા છું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીને કહ્યું કે તો પછી ભારતની રક્ષા કરજો.

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું હતું.


10 કરોડના ખર્ચે બનેલા નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે. જ્યારે જિલ્લાભરમાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે. વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું હતું. 1100 બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું હતું. જ્યારે 500 થી વધુ પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું હતું.


નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમો કમલમ’ની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા કાર્યાલયમાં આવેલા અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું હતું. સભાસ્થળે વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

0

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં સુરક્ષામાં મોટો ભંગ થયાની ઘટના નોંધાઈ છે. ઘટનાસ્થળેથી બે શંકાસ્પદોની પીએમઓ ઓફિસના આઈડી તથા બંદૂક સાથે અટકાયત કરવામાં આવી છે.


આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરવાના છે. એ સ્થળેથી બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમાંથી એકે પોતાને વડા પ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખાવ્યા હોવાનો આરોપ છે. અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પારેખ પાસે નકલી PMO ઓળખપત્ર હતું, જે સુરક્ષા કર્મચારીઓએ તપાસ કરતાં નકલી હોવાનું જણાયું હતું.


સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પારેખ સાથે એક બોડીગાર્ડ પણ હતો જે બંદૂકથી સજ્જ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિ 8 થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન મુંબઈમાં યોજાઈ રહી છે. GFF 2026 ની થીમ “પોટેન્શિયલ ટુ ઇમ્પેક્ટ: એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – ટ્રસ્ટેડ, કનેક્ટેડ, ગ્લોબલ સિસ્ટમ્સ ફોર ઇન્ક્લુઝિવ ફાઇનાન્સ” છે.

ગુજરાતીઓ માટે મોટા સમાચાર! અશ્વિની વૈષ્ણવ એ જણાવી બુલેટ ટ્રેન ટ્રાયલની તારીખ

0

વર્ષોથી જે બુલેટ ટ્રેનની રાહ જોવાઈ, હવે તે સપનું સાકાર થવાની દિશામાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે ભારતની બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે અથવા જૂન 2027થી શરૂ થવાની અપેક્ષા છે. ટ્રાયલ સફળ રહ્યા બાદ અંદાજે બે થી ચાર મહિનામાં ઉદ્ઘાટન કરવાની યોજના છે. એટલે 2027નું વર્ષ ભારતની હાઈ-સ્પીડ રેલ વ્યવસ્થા માટે અત્યંત મહત્વનું બની શકે છે.

વડોદરામાં યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનની પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે અને તેને જરૂરી પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. આ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે અને ગુજરાતના અનેક શહેરોને તેનો સીધો લાભ મળશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર વડોદરાથી મુંબઈનો પ્રવાસ આશરે દોઢ કલાકમાં પૂર્ણ થઈ શકશે. ગુજરાત માટે વધુ એક મહત્વની માહિતી એ છે કે સુરત-વાપી વિભાગનું બાંધકામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ પ્રગતિથી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના મહત્વના વિભાગોમાં કામગીરી વધુ ઝડપથી આગળ વધવાની આશા છે.

વૈષ્ણવે ભારતીય રેલવેમાં થઈ રહેલા અન્ય મોટા ફેરફારોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રેલવેની ઓપરેટિંગ અને રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી રહી છે. જૂની બાંધકામ પદ્ધતિઓમાં સુધારા સાથે માલવહન વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ પ્રકારના નવા વેગન ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મીઠાના પરિવહન માટેની વિશેષ ડિઝાઇનનો પણ સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ ચેનાબ બ્રિજ અને મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડતી યોજનાઓ સહિત લાંબા સમયથી પેન્ડિંગ રહેલી કેટલીક મહત્વની યોજનાઓ પૂર્ણ થયાનો પણ ઉલ્લેખ કર્યો. દેશભરમાં 280 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અને 36,000 કિલોમીટર નવી રેલવે લાઇન બિછાવવાના કામની પણ તેમણે માહિતી આપી હતી.

આ સમગ્ર પ્રોજેક્ટને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર 2027ના મે-જૂન પર છે, જ્યારે ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેનનું વાસ્તવિક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.

વડોદરામાં PM મોદીએ હજારો યુવાનો સાથે કર્યો સંવાદ, ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

0

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી તેમને નવી ઊર્જા અને વિકાસની દિશાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. યુવાનોની આશાઓ, જનભાગીદારી અને વિકાસની ગતિને કેન્દ્રમાં રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રાને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિકાસકાર્યોને ગુજરાતના સર્વાંગી વિકાસ અને યુવાનો માટે નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.

આશા ભોસલેનું છેલ્લું ફિલ્મી ગીત તેમની 93મી જન્મ તિથીએ રિલીઝ થયું

આશા ભોસલે હવે દુનિયામાં રહ્યા નથી છતાં પણ તેમના ગીતો આજે પણ લોકોના હૃદય પર એટલા જ રાજ કરે છે અને એમનું આ ગીત ફિલ્મો માટે નું છેલ્લું ગીત હોય ખૂબ મહત્વ ધરાવે છે. તેમની 93મી જન્મજયંતિ નિમિત્તે ‘એ મેરી ઝિંદગી, તૂ છુપી હૈ કહાં’ નામનું તેમનું છેલ્લું ફીચર ફિલ્મ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ‘ઓમ કા હરિ’ ફિલ્મના મ્યુઝિક આલ્બમનો ભાગ છે. મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લોન્ચ દરમિયાન ગીત સાથે આશા ભોસલેના રેકોર્ડિંગ સમયના BTS દૃશ્યો પણ રજૂ કરાયા હતા.

ખાસ વાત એ છે કે આશા ભોસલેએ આ ગીતનું રેકોર્ડિંગ 2023ના અંતમાં કર્યું હતું, જ્યારે તેઓ 90 વર્ષની વયે હતાં. ગીતના વીડિયો અને BTS ફૂટેજમાં તેઓ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, ગીત પસંદ કરતાં જ આશા ભોસલેએ તેને ગાવા માટે સંમતિ આપી હતી અને તેમને તેની ધૂન ખાસ પસંદ આવી હતી.

‘ઓમ કા હરિ’નું દિગ્દર્શન હરીશ વ્યાસે કર્યું છે. ફિલ્મમાં રઘુબીર યાદવ, સોની રાઝદાન, અંશુમન ઝા અને આયેશા કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા પિતા-પુત્રના સંબંધની આસપાસ વણાયેલી છે. સંગીત આલ્બમમાં આશા ભોસલે ઉપરાંત અમિત કુમાર અને પારેશ પાહુજાના ગીતો પણ છે, જ્યારે રઘુબીર યાદવે પણ બે ગીતો ગાયા છે.

‘ઓમ કા હરિ’ 18 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આશા ભોસલેનું આ અંતિમ ફિલ્મી ગીત તેમના ચાહકો માટે તેમની અવિસ્મરણીય સંગીત વારસાની ખાસ ભેટ બની રહ્યું છે.

‘આપકા ઓરા હી અલગ હૈ…’ વડોદરામાં PM મોદીને જોઈ Gen-Zનો જુસ્સો છલકાયો

0

વડોદરામાં આજે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિકાસની સાથે યુવાનોનો ઉત્સાહ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ માટે વડોદરા પહોંચેલા મોદીએ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen-Z યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મોદીના આગમન સમયે મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ કાઢી તેમની તસવીરો અને વીડિયો કેદ કર્યા હતા. ‘બડે સાહબ’ના નારા, હાર્ટ ઇમોજી અને PM મોદીના સ્માઇલિંગ પોઝે વડોદરાના કાર્યક્રમમાં અનોખો માહોલ સર્જ્યો હતો. વડોદરાના આ કાર્યક્રમમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ જોડાયા હોવાનું અગાઉ જાહેર થયું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમને સામાન્ય રાજકીય સભાથી અલગ અંદાજમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મોદીને પ્રેક્ષકોની વધુ નજીક પહોંચાડવા માટે ખાસ Y-આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ માટે 6,000 જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ભારે પ્રતિસાદ મળ્યો હતો.

મોદીના સ્વાગત માટે યુવાનો અને યુવતીઓ વિવિધ ક્રિએટિવ પોસ્ટર્સ સાથે પહોંચ્યા હતા. ‘મોદીજી સ્માઈલ પ્લીઝ… મોટિવેશનલ મિલ જાયેગા…’ અને ‘આપકા ઓરા હી અલગ હૈ…’ જેવા મેસેજથી ભરેલા પોસ્ટર્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક યુવાનોએ મોબાઈલની સ્ક્રીન પર હાર્ટ સિમ્બોલ સાથે ‘MODI’ લખીને પોતાના ઉત્સાહનો અંદાજ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં મોદીને જોવા અને સાંભળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય ઉપસ્થિતોએ મોબાઈલથી પળોને કેદ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ટેક્નોલોજી, લાઇટિંગ અને લાઇવ-પ્રોડક્શનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન વડોદરાને ₹35,000 કરોડથી વધુના વિવિધ રેલ, રોડ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ભેટ મળી છે.

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધના નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની પવિત્ર યાત્રા : શ્રેણિક વિદાણી

0

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધનાના આઠ દિવસ નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની એક પવિત્ર યાત્રા છે. આખું વર્ષ માણસ બહારની દુનિયામાં દોડતો રહે છે. ધન, વ્યવસાય, પ્રતિષ્ઠા, સબંધો અને સુખ, સગવડની પાછળ… પર્યુષણ તેને થોડા સમય માટે થોભવાનું અને પોતાના અંતરમાં જોવાનું આમંત્રણ આપે છે.

પર્યુષણ આત્મશુદ્ધિ, સંયમ, સ્વાધ્યાય, તપ અને પ્રતિક્રમણનું પર્વ છે. આ બધી આરાધનાનો અંતિમ હેતુ પોતાની જાતને વધુ શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. આપણે ઘરની ધૂળ સાફ કરીએ છીએ, શરીરની સ્વચ્છતા રાખીએ છીએ, પરંતુ મનમાં વર્ષોથી જમા થયેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના જાળા સાફ કરીએ છીએ ખરા.. ? પર્યુષણ ભીતરની આ સફાઈ માટેનું પર્વ છે. આ દિવસોમાં જો આપણે પોતાની જાતને પૂછીએ કે મારા વિચાર, વાણી અને વર્તણૂંકથી કોણ દુભાયું છે..? કોને અન્યાય થયો છે..? તો પર્યુષણનું ચિંતન જીવંત બને.

આજના ઝડપી જીવનમાં માણસ પાસે દુનિયા માટે ઘણો સમય છે. પરંતુ પોતાની સાથે બેસવાનો સમય ઓછો છે. પર્યુષણ એ ખાલી જગ્યા પૂરી કરે છે.

આઠ દિવસની આરાધનાના અંતે જો આપણો ક્રોધ થોડો ઓછો, કરૂણા થોડી વધારે અને અહંકાર થોડો નાનો થયો હોય તો સમજવું કે આરાધના સાર્થક થઈ છે.

પર્યુષણ એટલે ઉત્સવ નહીં, પરંતુ આત્માને મળવાનો સોનેરી અવસર છે. આ મહાપર્વના પ્રથમ ત્રણ દિવસ શ્રાવકોના આચાર ઉપરના પ્રવચનો અને પછીના પાંચ દિવસ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ ઉપરના પ્રવચનોની અવિરત ધારા મુનિ ભગવંતોના શ્રીમુખેથી ચાતુર્વિધ શ્રીસંઘ સાંભળશે.

BAPSના સંતોની મુલાકાત દરમિયાન એફિલ ટાવરના મહિલા સ્ટાફને લઈને કેમ થયો વિરોધ?

દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવર પર એવો વિવાદ ઊભો થયો કે સ્ટાફના વિરોધ વચ્ચે તેના કામકાજને અસર પહોંચી હતી. BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની કામગીરીની જગ્યાથી દૂર રાખવામાં આવ્યા હોવાના આરોપ બાદ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. મામલો હવે પેરિસના અધિકારીઓની તપાસ સુધી પહોંચી ગયો છે.

એફિલ ટાવરના યુનિયન પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે, BAPSનું પ્રતિનિધિમંડળ પસાર થતું હતું ત્યારે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટાવી દેવામાં આવી અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા. આ બાબતે સ્ટાફમાં ભારે નારાજગી ફેલાઈ અને 7 સપ્ટેમ્બરે કર્મચારીઓએ બેઠક તથા વિરોધ કર્યો, જેના કારણે સહલાણીઓ માટે એફિલ ટાવર ચાલુ રાખવામાં મુશ્કેલીઓ પડી હતી.

એફિલ ટાવરનું સંચાલન કરતી SETE (Société d’Exploitation de la Tour Eiffel) એ જણાવ્યું કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથેની “ઇન્ટરેક્શન” મર્યાદિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી અને આવી શરતો સ્વીકારવી ન જોઈએ. કંપનીએ સમગ્ર મામલે તપાસ કરવાની વાત કહી છે.

બીજી તરફ, BAPSએ મહિલા કર્મચારીઓને ઈરાદાપૂર્વક હટાવવાનો દાવો સ્વીકાર્યો નથી. સંસ્થાએ કહ્યું કે પ્રતિનિધિમંડળ મોટું હોવાથી એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને મુલાકાત સામાન્ય સમયની શરૂઆતમાં રાખવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને ઓછું વિક્ષેપ થાય. BAPSએ કોઈને ટાવરમાં પ્રવેશથી રોકવામાં આવ્યા હોવાની વાત પણ નકારી અને ઘટનાથી કોઈને દુઃખ કે અસુવિધા થઈ હોય તો ખેદ વ્યક્ત કર્યો હતો.

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોયરે કર્મચારીઓની ફરિયાદને ગંભીર ગણાવી અને તાત્કાલિક તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીની અધ્યક્ષા યેલ બ્રોન-પિવેએ પણ મહિલાઓને તેમના લિંગના આધારે પાછળ હટાવવાની કોઈપણ વ્યવસ્થાની ટીકા કરી હતી.

દરમિયાન, કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક બાદ આયફેલ ટાવર ફરી ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, મહિલા સ્ટાફ સાથે ખરેખર શું થયું અને જવાબદારી કોની હતી તે અંગે તપાસ હજુ ચાલુ છે.