વિયેતનામમાં આજે 5 સપ્ટેમ્બર, શનિવારે મિસ વર્લ્ડ 2026નો ભવ્ય ફિનાલે યોજાઈ રહી છે અને ભારતની નજર ઉજ્જૈનની નિકિતા પોરવાલ પર ટકેલી છે. 111 દેશોની પ્રતિનિધિઓ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નિકિતાએ ‘Dances of the World’માં પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દેવી મીનાક્ષીથી પ્રેરિત તેમના પરંપરાગત લુકમાં ભારતીય સંસ્કૃતિ, રંગો અને કારીગરીની સુંદર ઝલક જોવા મળી હતી.
ઉજ્જૈનથી મિસ વર્લ્ડના મંચ સુધી સફર
નિકિતા પોરવાલ મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી છે. તેનું સ્કૂલિંગ Carmel Convent Senior Secondary Schoolમાંથી થયું હતું અને તેણે Maharaja Sayajirao University of Barodaમાંથી અભ્યાસ કર્યો હતો. Miss Worldની સત્તાવાર પ્રોફાઇલ મુજબ નિકિતા ફેશન મોડલ, અભિનેત્રી, નાટ્યલેખિકા અને થિયેટર કંપની Rangraysની ક્રિએટિવ ડિરેક્ટર છે. તેણે 60થી વધુ થિયેટર પ્રોડક્શનમાં અભિનય કર્યો છે.
2024માં જીત્યો હતો મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ
ઓક્ટોબર 2024માં નિકિતા પોરવાલે Femina Miss India World 2024નો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ તેને મિસ વર્લ્ડના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળીહતી. તે પહેલાં તેણે Femina Miss India Madhya Pradesh 2024નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
અભિનય અને લેખનમાં પણ છે નિપુણ
નિકિતાનો પહેલો પ્રેમ થિયેટર છે. તેણે ‘Krishna Leela’ નામનું 250 પાનાનું નાટક લખ્યું છે અને રંગમંચ પર અનેક ભૂમિકાઓ ભજવી હતી. મીડિયા અહેવાલો અનુસાર તે નાની ઉંમરથી જ અભિનય સાથે જોડાઈ હતી અને 18 વર્ષની ઉંમરે ટીવી હોસ્ટ તરીકે પણ કામ શરૂ કર્યું હતું. રામલીલામાં તેણે માતા સીતાની ભૂમિકા પણ ભજવી હતી.
‘Dances of the World’માં દેખાયો ભારતીય રંગ
મિસ વર્લ્ડ 2026ના ‘Dances of the World’ સેગમેન્ટમાં નિકિતાએ ડિઝાઇનર કરણ ટોરાનીના વિશેષ પરિધાનમાં દેવી મીનાક્ષીથી પ્રેરિત લુક રજૂ કર્યો હતો. સોનાના જ્વેલરી, ભરતકામ અને પરંપરાગત ડ્રેપ સાથેનો આ અવતાર ભારતીય કળા અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરતો હતો.
ભારત માટે સાતમા તાજની આશા
ભારત અત્યાર સુધી છ વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂક્યું છે. છેલ્લે 2017માં માનુષી છિલ્લરે ભારતને આ તાજ અપાવ્યો હતો. 2025માં થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસ્રી મિસ વર્લ્ડ બની હતી. હવે નિકિતા પોરવાલ ભારતને સાતમો મિસ વર્લ્ડ તાજ અપાવીને દેશના બ્યુટી-પેજન્ટ ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

