Home Blog

ન રસોઈની ઝંઝટ, ન ઘરમાં ચૂલો…ગુજરાતના આ ગામમાં વર્ષોથી ચાલે છે સામૂહિક રસોડું

કલ્પના કરો કે આખા ગામના કોઈપણ ઘરમાં રોજ રસોઈ ન બનતી હોય, છતાં કોઈને ભોજનની ચિંતા ન હોય! ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ આ અનોખી વ્યવસ્થાને વર્ષોથી જીવંત રાખી રહ્યું છે. અહીં ગામના લોકો માટે એક જ સામૂહિક રસોડામાં ભોજન તૈયાર થાય છે અને ગ્રામજનો સાથે બેસીને જમે છે. આ અનોખી પરંપરાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો હતો.

ચાંદણકીમાં યુવાનો રોજગાર અને વ્યવસાય માટે શહેરો તથા વિદેશમાં જતા રહ્યા બાદ ગામમાં મોટી સંખ્યામાં વડીલો રહી ગયા હતા. ઉંમર વધતાં તેમના માટે રોજ કરિયાણું અને શાકભાજી લાવીને રસોઈ બનાવવી મુશ્કેલ બનતી હતી. સાથે જ એકલતા પણ અનુભવાતી હતી. આ સમસ્યાના ઉકેલ તરીકે ગામના સરપંચ પૂનમભાઈ પટેલ અને ગ્રામજનોએ સામૂહિક રસોડાની વ્યવસ્થા ઊભી કરી.

આ વ્યવસ્થા કોઈ મફત સેવા નથી. ગામના લોકો વ્યક્તિદીઠ દર મહિને આશરે ₹2,000 ચૂકવે છે અને તેના બદલામાં તેમને દરરોજ બે વખત ભોજન મળે છે. રસોઈ બનાવવા માટે રસોઈયાઓ રાખવામાં આવ્યા છે, જેમને આશરે ₹11,000 માસિક ચૂકવવામાં આવે છે.

ભોજનમાં સામાન્ય રીતે દાળ, ભાત, રોટલી, શાક અને મીઠાઈ જેવી વાનગીઓ હોય છે. રાત્રે ખીચડી-કઢી, ભાખરી-રોટલી-શાક ઉપરાંત ઢોકળા, મેથી ગોટા અને અન્ય વાનગીઓ પણ પીરસાય છે.

જ્યારે આ યુગમાં નાના પરિવારો એકલતાની સમસ્યા વધી રહી છે ત્યારે સામૂહિક રસોડાની બાજુમાં આવેલા હોલમાં દરરોજ અનેક ગ્રામજનો સાથે બેસીને ભોજન કરે છે. આ જગ્યા માત્ર જમવા પૂરતી નથી રહી; અહીં લોકો વાતો કરે છે, સુખ-દુઃખ વહેંચે છે અને એકબીજાની ખબર રાખે છે. બીમાર અથવા ચાલી ન શકતા વડીલો માટે ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ચાંદણકીની આ અનોખી પહેલ બતાવે છે કે ગામની સાચી સમૃદ્ધિ માત્ર સુવિધાઓમાં નહીં, પરંતુ લોકો એકબીજાની સાથે કેટલા જોડાયેલા છે તેમાં પણ હોય છે.

બજેટ માત્ર ₹2 કરોડ અને કમાણી આટલા કરોડ પાર! ‘હનુમાન અંશ’ની સફળતા પડી અન્ય ફિલ્મો પર ભરી

બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોની વચ્ચે ‘હનુમાન અંશ’ પોતાની અલગ જ કહાની લખી રહી છે. શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધેલી આ ફિલ્મે ચોથા અઠવાડિયામાં એવી રફ્તાર પકડી છે કે હવે તેની કમાણી સતત ચર્ચામાં છે. ફિલ્મે ચોથા સોમવારે અંદાજે ₹5.5 કરોડ નેટ કલેક્શન નોંધાવીને મજબૂત પકડ જાળવી રાખી હતી.

ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ચોથા શુક્રવારે ₹6.25 કરોડ, શનિવારે ₹9.25 કરોડ અને રવિવારે ₹12.75 કરોડની કમાણી કરી હતી. સોમવારની ₹5.5 કરોડની આવક સાથે ફિલ્મનું 25 દિવસનું ભારતનું કુલ નેટ કલેક્શન અંદાજે ₹45.63 કરોડ સુધી પહોંચી ગયું છે.

ખાસ વાત એ છે કે ચોથા સોમવારની કમાણીના આંકડામાં ‘હનુમાન અંશ’ અને ‘ધુરંધર 2’ બંને ₹5.5 કરોડ સાથે સંયુક્ત બીજા સ્થાને હોવાનું ટ્રેડ રિપોર્ટ્સમાં જણાવાયું છે.

લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે અત્યાર સુધીનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. સતત દર્શકોનો પ્રતિસાદ મળતો રહે તો ફિલ્મ આગામી દિવસોમાં ₹50 કરોડના આંકડાને પાર કરી શકે છે. જોકે ₹100 કરોડ સુધી પહોંચવાની વાત હાલ ટ્રેડ પ્રોજેક્શન છે.

બોક્સ ઓફિસના આ આંકડા ટ્રેડ અંદાજો છે અને અંતિમ સત્તાવાર હિસાબમાં ફેરફાર થઈ શકે છે.

બાળકોનો ફોન છોડાવવો છે? ધમકી નહીં, આ 5 રીતોથી ધીમે ધીમે ઘટાડો સ્ક્રીન ટાઈમ

બાળક શાંત રહે એટલા માટે હાથમાં મોબાઈલ આપી દેવું શરૂઆતમાં સરળ ઉપાય લાગે છે, પરંતુ ધીમે ધીમે આ જ ટેવ રોજિંદા જીવનનો ભાગ બની શકે છે. પછી જમવાનું હોય, બહાર જવાનું હોય કે સૂવાનો સમય—બાળકને સૌથી પહેલાં ફોન જ યાદ આવે છે. આવી સ્થિતિમાં મોબાઈલ અચાનક છીનવી લેવાથી સમસ્યા ઉકેલાય એવું જરૂરી નથી. બાળકની ટેવ બદલવી હોય તો તેની પાછળનું કારણ સમજવું અને ઘરમાં ડિજિટલ રૂટિન બનાવવું વધુ અસરકારક બની શકે છે.

બાળક સ્ક્રીન તરફ કેમ ખેંચાય છે?

મોબાઈલમાં સતત બદલાતી તસવીરો, વીડિયો અને ગેમ્સ બાળકનું ધ્યાન લાંબા સમય સુધી ખેંચી શકે છે. ઘણા બાળકો માટે સ્ક્રીન મનોરંજન ઉપરાંત બોરડમ દૂર કરવાનો રસ્તો પણ બની જાય છે. તેથી સ્ક્રીનનો સમય ઘટાડતાં પહેલાં બાળક ક્યારે અને શા માટે ફોન માગે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

મોબાઈલ ‘બેબીસિટર’ ન બને તે જુઓ

બાળક રડે, કંટાળે અથવા માતા-પિતા વ્યસ્ત હોય ત્યારે દરેક વખતે ફોન આપી દેવાની ટેવ ટાળવી જોઈએ. તેના બદલે બાળકને પોતે રમે તેવી પ્રવૃત્તિઓ શીખવો. ઉંમર પ્રમાણે પુસ્તકો, પઝલ, રમકડાં, આર્ટ-ક્રાફ્ટ અથવા ઘરની નાની જવાબદારી પણ વિકલ્પ બની શકે છે.

સ્ક્રીન કરતાં પહેલાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પ્રેરિત કરો

કેટલાક સમયે બાળક ખરેખર થાકેલું, ભૂખ્યું અથવા ઊંઘમાં હોય છે અને ત્યારે તે ચીડિયાપણું બતાવે છે. દરેક અસ્વસ્થતા માટે મોબાઈલ આપવાને બદલે પહેલા બાળકને ખોરાક, આરામ, ઊંઘ અથવા તમારી સાથે વાતચીતની જરૂર છે કે નહીં તે સમજો.

માતા-પિતાનો ફોન ઉપયોગ પણ મહત્વનો છે

બાળકો માત્ર કહેવામાં આવેલા નિયમો નથી શીખતા, તેઓ ઘરમાં જે જુએ છે તે પણ અનુસરે છે. માતા-પિતા સતત ફોનમાં વ્યસ્ત રહે અને બાળકને મોબાઈલથી દૂર રહેવાનું કહે તો નિયમ સ્વીકારવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી પરિવાર માટે કેટલાક સમયને સંપૂર્ણપણે સ્ક્રીન-ફ્રી બનાવવો વધુ યોગ્ય છે.

ગુણવત્તા પણ સમય જેટલી જ મહત્વની

દરેક સ્ક્રીન ઉપયોગ એકસરખો નથી. બાળક શું જોઈ રહ્યું છે, કોની સાથે જોઈ રહ્યું છે અને તેનાથી શું શીખી રહ્યું છે તે પણ મહત્વનું છે. ઉંમરને અનુરૂપ, શૈક્ષણિક અથવા સર્જનાત્મક કન્ટેન્ટને પ્રાથમિકતા આપી શકાય છે.

નાના બાળકો માટે સંસ્થાઓ સ્ક્રીન સમય મર્યાદિત રાખવાની સાથે પૂરતી શારીરિક પ્રવૃત્તિ, સારી ઊંઘ અને સક્રિય રમતોને મહત્વ આપે છે.

બાળકને મોબાઈલથી સંપૂર્ણપણે દૂર કરવું હંમેશા વાસ્તવિક ઉકેલ નથી. મુખ્ય વાત એ છે કે સ્ક્રીન બાળકની દિનચર્યા પર હાવી ન થાય. ધીમે ધીમે વિકલ્પો વધારવાથી અને માતા-પિતા પોતે યોગ્ય ઉદાહરણ પૂરું પાડવાથી બાળક સ્ક્રીન વગર પણ સમય પસાર કરવાનું શીખી શકે છે.

ઉંમર પ્રમાણે કેટલો સ્ક્રીન સમય?

અહવાલો પ્રમાણે 2 વર્ષના બાળકો માટે સ્ક્રીન ટીમે મહત્તમ 1 કલાક અને 3થી 4 વર્ષના બાળકો માટે પણ મહત્તમ 1 કલાક હોવો જોઈએ—“ઓછું હોય તો વધુ સારું.”

જ્યારે મોટા બાળકો અને કિશોરો માટે એકસરખી દૈનિક કલાક મર્યાદા નક્કી કરવાની જગ્યાએ બાળકની ઉંમર, ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ, અભ્યાસ, પરિવારના સમય અને સ્ક્રીન પર શું કરવામાં આવે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

એટલે બાળકને મોબાઈલથી એક જ દિવસમાં દૂર કરવાની જગ્યાએ ધીમે ધીમે નિયમિત અને સંતુલિત ડિજિટલ રૂટિન તરફ લઈ જવું વધુ વ્યવહારુ બની શકે છે.

5 સપ્ટેમ્બરે થનારી દિલ્હી માર્ચ CJPએ કેમ પાછી ખેંચી?

0

5 સપ્ટેમ્બરે દિલ્હીના રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરનારી કોકરોચ જનતા પાર્ટી (CJP)એ હવે પોતાની વિરોધ માર્ચ પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ રહ્યો છે, જેમાં 20થી 25 જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થી આંદોલન સંબંધિત FIR સામે દેશવ્યાપી રાહત આપવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ CJPના સહ-સંયોજક સૌરવ દાસે 5 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત માર્ચ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે આ મામલે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 20થી 25 જુલાઈ દરમિયાન વિદ્યાર્થી વિરોધોને લઈને દેશમાં કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયેલી સંબંધિત FIRને આગળ તપાસવી કે ચલાવવી નહીં અને તેને તમામ હેતુઓ માટે બંધ ગણવામાં આવશે.

આદેશ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત રહ્યો નથી. કેન્દ્ર તરફથી દિલ્હી પોલીસ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને અસમ તરફથી રજૂ કરવામાં આવેલી અરજીઓમાં ઉલ્લેખિત FIR પણ કોર્ટની કાર્યવાહી હેઠળ આવી છે. સાથે જ કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળાની વિદ્યાર્થી વિરોધની ઘટનાઓને લઈને ભવિષ્યમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ નવી FIR નોંધશે નહીં.

જોકે, ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને સંપૂર્ણ રાહત આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને જંતર-મંતર પરના વિરોધમાં હાજર રહેલા 2,873 લોકો સામે એક ચોક્કસ FIR આગળ વધારવાની મંજૂરી આપી છે, કારણ કે તેમની સામે ગંભીર ગુનાઓ સાથે જોડાયેલી ગુનાહિત પૃષ્ઠભૂમિ હોવાનું જણાવાયું છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ કાર્યવાહી 25 જુલાઈએ CJP સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીના અનુસંધાનમાં કરવામાં આવી છે. સરકારએ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ માટે નવી FIR નહીં નોંધવાની ખાતરી પણ આપી હતી. તેમણે NEET-UG 2026 પરીક્ષા રદ થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સરકારની પ્રતિબદ્ધતા પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને તેની પ્રક્રિયા નક્કી કરવા ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સૌરવ દાસે કોર્ટ સમક્ષ CJP તરફથી 5 સપ્ટેમ્બરની માર્ચ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે બંને પક્ષોના અભિગમનું સ્વાગત કરતાં કહ્યું કે સદભાવના સાથે આગળ વધવામાં આવે તો મુદ્દાઓ એક પછી એક ઉકેલી શકાય છે અને ખુલ્લા મનથી ચર્ચા થાય તો કોઈ પ્રશ્ન અતિ જટિલ નથી.

આ રીતે 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી યોજાનારી CJPની પ્રસ્તાવિત માર્ચ હવે રદ થઈ ગઈ છે. અગાઉ 24 ઓગસ્ટે CJPએ આ માર્ચની જાહેરાત કરી હતી અને સરકાર પર 25 જુલાઈના વચનો પૂર્ણ ન કરવાનો આરોપ મૂક્યો હતો.

VIDEO: 6 વર્ષના ટેણીયાના મોદી સામે ધરણા!

0

GEN-Z પછી GEN-ALPHA એક્શનમાં! પટનાના ગર્દનીબાગમાં છ વર્ષનો આદિત્ય કુમાર પોતાના માતા-પિતાને ન્યાય અપાવવાની માંગ સાથે ધરણા પર બેઠો અને PM નરેન્દ્ર મોદીને મળવાની જીદ પકડી છે. થોડા દિવસ પહેલાં BPSC સંબંધિત વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી વચ્ચે ચર્ચામાં આવેલો આ બાળક હવે પોતાના પરિવાર સાથે થયેલા કથિત અન્યાયની તપાસની માંગ કરી રહ્યો છે.

આદિત્યના જણાવ્યા પ્રમાણે, 25 ઓગસ્ટે પટનામાં BPSC અને શિક્ષક ભરતી પરીક્ષા TRE-4 સંબંધિત માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું તથા બેરિકેડ હટાવવાના પ્રયાસ બાદ પાણીના ફુવારા અને લાઠીચાર્જની કાર્યવાહી થયાના અહેવાલ છે.

બાળકનો આરોપ છે કે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને આશરે આઠ કલાક સુધી માતા-પિતાથી અલગ રાખવામાં આવ્યો હતો. તેણે પોતાના માતા-પિતા સાથે મારપીટ થયાનો પણ દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ભીડમાં સંભવિત ભાગદોડથી બચાવવા બાળકને સુરક્ષિત સ્થળે લઈ જવાયો હતો અને બાદમાં તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

30 ઓગસ્ટે આદિત્ય પોતાના માતા-પિતા સાથે બિહારના DGP વિનય કુમારને મળ્યો અને ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત ફરિયાદ આપી હતી. બાળકનું કહેવું છે કે તેને DGP પર વિશ્વાસ છે અને ન્યાયની આશા છે. દરમિયાન, 1 સપ્ટેમ્બરે સાંસદ પપ્પુ યાદવની ખાતરી બાદ આદિત્યએ પોતાનું ધરણું સમાપ્ત કર્યું હોવાની PTIએ જાણકારી આપી છે.

VIDEO: રશિયન સેના તરફથી યુદ્ધ કરતાં ભારતીયો કેટલા ભારતીયોના મોત થયા તે જાણો!

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીય નાગરિકોને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભારત સરકારે જણાવ્યું છે કે રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી થયેલા કુલ 227 ભારતીયોમાંથી 51ના મોત થયા છે, જ્યારે 139ને સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે રશિયન સેનામાં રહેલા બાકીના ભારતીયોને પણ વહેલી તકે સેવા મુક્ત કરાવી સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે મોસ્કો સાથે સતત વાતચીત ચાલી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 31 ઓગસ્ટ 2026ના રોજ વિદેશ મંત્રાલયની બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની રશિયન સેનામાં ભરતીનો મુદ્દો ભારતે અનેક પ્રસંગોએ રશિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. ભારત આ મામલે આગળ પણ રશિયા સાથે સતત સંપર્કમાં રહેશે.

મિસરીના જણાવ્યા પ્રમાણે, ભારતને અત્યાર સુધીમાં રશિયન સેનામાં ભરતી થયેલા 227 ભારતીય નાગરિકો અંગે માહિતી મળી છે. તેમાંથી 139ને સેવા મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 51ના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ રીતે 37 ભારતીયોના કેસ હજુ બાકી છે. તેમની સ્થિતિ, ડિસ્ચાર્જ અને ભારત પરત લાવવાની પ્રક્રિયા અંગે રશિયન અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસ પણ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું છે. દૂતાવાસ રશિયન અધિકારીઓ સાથે સંકલન કરીને હજુ પણ સેવામાં રહેલા ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવવા અને તેમના પરિવારજનો પાસે પરત મોકલવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બિશ્કેકમાં થયેલી મુલાકાત વચ્ચે આવ્યું છે. બંને નેતાઓની બેઠક દરમિયાન ભારત-રશિયા સંબંધો ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ સંઘર્ષના ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિના માર્ગ પર ભાર મૂક્યો હતો.

51 ભારતીયોના મોતની પુષ્ટિ બાદ રશિયન સેનામાં ભારતીયોની ભરતીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ભારત હવે બાકીના ભારતીયોને પણ વહેલી તકે રશિયન સેનામાંથી મુક્ત કરાવી દેશમાં પરત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.

નેપાળમાં પ્રિન્સિપાલની સતર્કતાથી 900 વિદ્યાર્થીઓના જીવ બચ્યા

નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક પ્રિન્સિપાલની સમયસૂચકતા અને સતર્કતાને કારણે લગભગ 900 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. કુદરતી આફતનું એલર્ટ મળતાં જ પ્રિન્સિપાલે કોઈ જોખમ લીધા વગર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા.

શાળા ખાલી કરાવ્યાના થોડા જ સમય બાદ સ્થિતિ વધુ વણસી હતી. ભારે પાણીના પ્રવાહને કારણે આખી શાળાની ઈમારત પાણીમાં તણાઈ ગઈ. જો વિદ્યાર્થીઓ તે સમયે ઈમારતમાં હાજર હોત, તો મોટી જાનહાનિ થઈ શકતી હતી.

પ્રિન્સિપાલે સમયસર નિર્ણય લઈને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા પણ પ્રિન્સિપાલની સમજદારી અને ઝડપી નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે.

નેપાળમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. અનેક મકાનો, રસ્તાઓ અને અન્ય ઈમારતોને નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 955 લોકોનાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર ઘટનામાં પ્રિન્સિપાલની સતર્કતા એક ઉદાહરણ બની છે કે આપત્તિ પહેલાં મળેલી ચેતવણીને ગંભીરતાથી લઈને તાત્કાલિક નિર્ણય લેવાથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે.

VIDEO: કેપ ટાઉનમાં સ્ટેડિયમની છતથી માત્ર 12-14 મીટર ઉપરથી પસાર થયા બે પેસેન્જર જેટ!

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. શહેરના DHL સ્ટેડિયમ ખાતે પ્રખ્યાત રગ્બી ટીમો સ્પ્રિંગબોક્સ (Springboks) અને ઓલ બ્લેક્સ (All Blacks) વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટેડિયમની છતથી માત્ર 12થી 14 મીટર જેટલી ઊંચાઈએથી બે પેસેન્જર જેટ વિમાન પસાર થયા હતા.

આ બંને વિમાન Airlink કંપનીના Embraer પેસેન્જર જેટ હતા. વિમાનો સ્ટેડિયમની આટલી નજીકથી પસાર થતાં સ્ટેડિયમમાં હાજર દર્શકોનું પણ ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું.

વિમાનના આ અદ્ભુત નજારાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પેસેન્જર વિમાનો ખૂબ ઊંચાઈએ ઉડાન ભરતા હોય છે, ત્યારે સ્ટેડિયમની છતથી આટલી નજીકથી બે વિમાન પસાર થવાનું દૃશ્ય લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

ખાસ વાત એ હતી કે આ ઘટના રગ્બીની હાઈ-પ્રોફાઇલ મેચ દરમિયાન બની હતી, જેના કારણે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર હતા. આ અનોખા દૃશ્યને જોઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! સુરતમાં માતાના એક ઠપકાથી 13 વર્ષના માસૂમે ભર્યું ચોંકાવનારું પગલું

સુરતના રાંદેર વિસ્તારમાં નાની વાતે એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા માત્ર 13 વર્ષના માસુમે માતાના ઠપકા બાદ આત્યંતિક પગલું ભરતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકો ઘરમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે માતાએ તેમને મસ્તી ન કરવા ઠપકો આપ્યો હતો. આ બાદ કિશોરે મન પર વાત લઈ લીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, કિશોર તેના ભાઈ-બહેન સાથે ઘરે મસ્તી કરી રહ્યો હતો. દરમિયાન માતાએ બંનેને ઠપકો આપી મસ્તી બંધ કરવા કહ્યું હતું. માતાના ઠપકા બાદ કિશોરે આત્યંતિક પગલું ભર્યું હતું. ઘરના દાદરની ગ્રીલ સાથે લટકતી હાલતમાં તે મળી આવ્યો હતો, જેના પગલે પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં પરિવારજનોના નિવેદનો સહિત ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નાની ઉંમરે બનેલી આ કરુણ ઘટનાએ બાળકોની ભાવનાત્મક સંવેદનશીલતા અને તેમની સાથે સતત સંવાદ જાળવવાની જરૂરિયાત તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે.

1 સપ્ટેમ્બરનું રાશિફળ: આ 4 રાશિઓને મળશે જબરદસ્ત લાભ, જાણો કોનું ભાગ્ય ચમકશે

૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
નવા મહિનાની શરૂઆતમાં હનુમાનજીની કૃપાથી સાહસ, ઉર્જા અને આત્મવિશ્વાસમાં મોટો વધારો થશે. કાર્યક્ષેત્રે પડકારોનો મક્કમતાથી સામનો કરીને અટકેલા મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરી શકશો. આર્થિક રીતે લાભદાયી દિવસ રહેશે અને અચાનક ધનલાભના યોગ બનશે. ક્રોધ પર સંયમ રાખવો જરૂરી રહેશે.
​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો હિતાવહ છે. વ્યવસાયમાં નવા રોકાણ કે ભાગીદારી માટે અનુભવીઓની સલાહ લઈને આગળ વધવું. પારિવારિક સંબંધોમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું અને સંતુલિત આહાર લેવો.
​મિથુન (Gemini):
તમારી તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને ઉત્તમ વાણીકળાથી વેપાર તથા કાર્યક્ષેત્રે નવા સોદા સફળ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક બાબતોમાં એકાગ્રતા વધારવાનો ઉત્તમ સમય છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે. નાની યાત્રા લાભદાયી નીવડી શકે છે.
​કર્ક (Cancer):
મનની શાંતિ જાળવી રાખવા માટે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર કરવો લાભદાયક રહેશે. નોકરીમાં તમારી મહેનત અને સમર્પણની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રશંસા થશે. પારિવારિક વાતાવરણ સ્નેહપૂર્ણ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. આહારમાં નિયમિતતા રાખવી.
​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી અટકેલા સરકારી કે વહીવટી કામો પાર પડશે. સામાજિક વર્તુળમાં માન-પ્રતિષ્ઠા વધશે અને મહત્વપૂર્ણ લોકો સાથે નવા સંપર્કો બનશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને આવકમાં વધારો થશે. દાંપત્યજીવન સુખમય રહેશે.
​કન્યા (Virgo):
મહિનાના પ્રથમ દિવસે સમય વ્યવસ્થાપન જાળવવું જરૂરી બનશે જેથી તમામ કામો સમયસર પૂર્ણ થાય. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળે કોઈ મોટો નિર્ણય ન કરવો. પરિવારના સભ્યો તરફથી સારો સહયોગ મળશે. ધ્યાન અને યોગ કરવાથી માનસિક તાજગી મળશે.
​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે અત્યંત ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ છે. કૌટુંબિક જીવનમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે. મન દિવસભર ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહેશે.
​વૃશ્ચિક (Scorpio):
મંગળના શુભ પ્રભાવથી કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. કારકિર્દીમાં નવી ઉત્સાહજનક તકો મળશે જે ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સારું રહેશે.
​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો સરળતાથી પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળશે.
​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ફાયદાકારક રહેશે. નાણાકીય બાબતોમાં આયોજન જાળવવું હિતાવહ છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
​કુંભ (Aquarius):
વેપાર અને ભાગીદારીના ક્ષેત્રે મોટો આર્થિક લાભ થવાની શુભ સંભાવના છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ મળશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. આર્થિક સ્થિરતા જોવા મળશે.
​મીન (Pisces):
કાર્યસ્થળે તમારી મહેનતનું ધાર્યું અને સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. ખર્ચ પર સારો અંકુશ રહેશે અને બચતમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક આત્મસંતોષ મળશે.