Home Blog

ખાલી ભૌગોલિક નહિ પરંતુ આર્થિક બાબતે પણ ભારત પર નેપાળના પૂરની અસર! જાણો સંપૂર્ણ ખબર

નેપાળમાં આવેલા વિનાશક પૂરની અસર હવે સરહદ પાર વેપાર સુધી પહોંચી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ સ્થિત સોનૌલી બોર્ડર પર નેપાળમાં જવા માટે માલવાહક ટ્રકોની આશરે 16 કિમી લાંબી કતાર લાગી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અનેક રસ્તાઓને નુકસાન થતાં કાઠમંડુ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં માલની અવરજવર ભારે પ્રભાવિત થઈ છે.

મળતી માહિતી મુજબ, સોનૌલી બોર્ડર પર ટ્રકોની કતાર નૌતનવા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહારને લઈને પણ ચિંતા વધી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બોર્ડર વિસ્તારમાં નજર રાખી રહી છે અને વાહનોની અવરજવર નિયંત્રિત કરી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે નેપાળમાં માર્ગ કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત નહીં થાય તો માલની સપ્લાયમાં વધુ વિલંબ થઈ શકે છે.

ભારત નેપાળનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતના સત્તાવાર આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચેનો કુલ માલવસ્તુ વેપાર US$9.39 બિલિયન રહ્યો હતો, જે નેપાળના કુલ બાહ્ય માલ વેપારના 60 ટકાથી વધુ છે. ભારતમાંથી નેપાળમાં પેટ્રોલિયમ, લોખંડ-સ્ટીલ, વાહનો, મશીનરી અને અનાજ સહિતની મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની નિકાસ થાય છે.

આ પરિસ્થિતિ લાંબી ચાલે તો સરહદી વેપાર, પરિવહન ખર્ચ અને નેપાળમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર વધુ દબાણ આવી શકે છે. હાલ બંને દેશોની સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

VIDEO: તૈયારીઓ તેજ! કેમ આવી રહ્યા છે 8મી સપ્ટેમ્બરે નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી?

0

આઠમી સપ્ટેમ્બરે નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે અને આ કાર્યક્રમને માટે નવસારીમાં વહીવટી તંત્રથી લઈને ભાજપ સંગઠન સુધી તૈયારીઓ તેજ બની છે.

વડાપ્રધાનના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. સ્થાનિક અહેવાલ મુજબ બંને નેતાઓએ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સંબંધિત પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ‘નમો કમલમ’ સંકુલની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનો પણ તાગ મેળવવામાં આવ્યો હતો.

નવસારીના કબિલપોર નજીક નેશનલ હાઇવે પાસે બનેલું આ નવું ભાજપ કાર્યાલય અંદાજે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યાલયમાં વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, અલગ કેબિન, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સહિતની આધુનિક સુવિધાઓ હોવાનો અહેવાલ છે.

સી.આર. પાટીલના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા સ્તરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. જેને કારણે 8 સપ્ટેમ્બરના કાર્યક્રમને ખાસ મહત્વ મળી રહ્યું છે.

ભારત માટે ગર્વની ક્ષણ! વેલાવન સેંથિલકુમારે બૂડાપેસ્ટ ઓપનમાં રચ્યો વિજયનો ઇતિહાસ

0

ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી વેલાવન સેંથિલકુમારે ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. હંગેરીમાં રમાયેલી બૂડાપેસ્ટ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સેંથિલકુમારે યજમાન દેશના બાલાઝ ફરકાસને સીધી ત્રણ ગેમમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઇનલ મુકાબલામાં સેંથિલકુમારે ફરકાસ સામે શાનદાર નિયંત્રણ અને આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ખેલાડીએ મેચ 11-4, 11-2 અને 11-3થી જીતી હતી. શરૂઆતથી જ સેંથિલકુમારે દબદબો જાળવી રાખ્યો હતો અને ફરકાસને પુનરાગમન કરવાની કોઈ તક આપી નહોતી.

ખિતાબ સુધીની સફરમાં પણ સેંથિલકુમારનો દેખાવ દમદાર રહ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે મલેશિયાના ઈન યો એનજીને હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં ભારતના જ વીર ચોટરાણી સામે પાંચ ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 11-9, 8-11, 11-7, 1-11 અને 12-10થી જીત મેળવી હતી.

ફરકાસ સામે આ સેંથિલકુમારની ત્રીજી ટક્કર હતી. અગાઉ બંને ખેલાડીઓ એક-એક વખત જીત્યા હતા. જોકે બૂડાપેસ્ટ ઓપનની નિર્ણાયક મેચમાં સેંથિલકુમારે સ્પષ્ટ વર્ચસ્વ જમાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.

હવે iPhoneમાં સેકન્ડોમાં તૈયાર થશે Reel! Instagramનું આ નવું ફીચર કેવી રીતે કરશે કામ?

Instagram પર Reel બનાવવી હોય તો વીડિયો ક્લિપ્સ પસંદ કર્યા પછી તેના બિનજરૂરી ભાગ કાપવા, pauses દૂર કરવા અને ક્લિપ્સને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં ઘણો સમય લાગે છે. હવે iPhone યુઝર્સ માટે Instagramએ ‘First Draft’ નામનું નવું ફીચર રજૂ કર્યું છે, જે આ શરૂઆતની એડિટિંગ પ્રક્રિયાને સરળ બનાવશે. ખાસ વાત એ છે કે પસંદ કરેલી ક્લિપ્સમાંથી થોડી જ સેકન્ડોમાં Reelનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થઈ જશે.

શું છે Instagramનું First Draft ફીચર?

First Draft યુઝર દ્વારા પસંદ કરાયેલી એકથી વધુ વીડિયો ક્લિપ્સને આપમેળે કાપીને એક પ્રાથમિક Reel તૈયાર કરે છે. આ દરમિયાન લાંબા pauses અને ઓછા ઉપયોગી ભાગોને દૂર કરવામાં આવે છે અને ક્લિપ્સમાંથી મહત્વપૂર્ણ ભાગોને જોડીને એક શરૂઆતનો વીડિયો તૈયાર કરવામાં આવે છે. Instagram મુજબ આ પ્રક્રિયા 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં થઈ શકે છે.

iPhoneમાં કેવી રીતે ઉપયોગ કરશો?

Instagramમાં Reels બનાવવાના વિકલ્પમાં જઈને ગેલેરીમાંથી એક અથવા વધુ વીડિયો ક્લિપ્સ પસંદ કરવી પડશે. ત્યારબાદ નીચે દેખાતા First Draft બટન પર ટેપ કરવાથી એપ એક પ્રારંભિક એડિટ તૈયાર કરશે. આ ઉપરાંત Instagram કેમેરાથી વીડિયો રેકોર્ડ કર્યા પછી પણ First Draftનો ઉપયોગ કરી શકાય છે. તૈયાર થયેલા ડ્રાફ્ટમાં યુઝર ફરીથી કટ, ક્રમ, મ્યુઝિક અને અન્ય ફેરફાર કરી શકે છે.

સુરતે વધુ એક સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા, નખ‌શિખ સજજન અને સેવાભાવી સંસ્થાઓના કર્ણધાર મહેન્દ્ર કતારગામવાળાનું નિધન

તબીબી, સામાજિક, ઔદ્યોગિક, બેં‌‌િકંગ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા મહેન્દ્ર કતારગામવાળાના નિધનથી અનેક સેવાભાવી સંસ્થાઓ અને સુરતના સમાજજીવને આઘાતની લાગણી અનુભવી

સુરતના પવિત્ર ભારતીમૈયા ટ્રસ્ટ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોસ્પિટલો, ગૌશાળા, ધાર્મિક સહિત અનેક કાર્યોના મહેન્દ્રભાઈ કર્ણધાર હતા. સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરી નર્મદા કિનારાના આશ્રમો અને છેક ઋષિકેશ અને કેદારનાથ સુધી તેઓ પ્રવૃત્ત હતા

સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેન, મહાજન અનાથાશ્રમના કારોબારી સભ્ય, સર્વોદય બેંકના ડિરેક્ટર સહિત અનેક સંસ્થાઓનો તેઓ પડછાયો હતા

રાજકારણ છોડીને સમાજસેવામાં પ્રવૃત્ત થયેલા મહેન્દ્રભાઈનો સનદી અધિકારીઓ સાથે ગજબ નાતો હતો, સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર છેક દિલ્હી સુધી તેમના મીઠા અને વિશ્વાસથી ભરેલા સંબંધો પથરાયેલા હતા

થોડા દિવસ પહેલા નિધન પામેલા સુરતના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ કુલપતિ અને રાજકીય સામાજિક આગેવાન ડૉ. કનુભાઈ માવાણી તેમના પડોશી હતા

સુરતમાં હવે ક્રમશઃ સંસ્કારો અને સમાજસેવાથી ભરેલી પેઢીના લોકો વિદાય લઈ રહ્યા છે સામે પક્ષે જૂની પેઢીની ખાલી જગ્યા ભરી શકે એવા લોકોની ખોટ વર્તાઈ રહી છે. સુરતની વસ્તી વધી અને વિસ્તાર વધ્યો પરંતુ સમાજજીવનને એક તાંતણે બાંધી શકે એવા આગેવાનો હવે બહુ ઓછા રહ્યા છે. સુરત માટે પોતાની મિલકતો અર્પણ કરી દેનાર ગોરધનદાસ પોપાવાળા જેવા અનેક મહાજનોની જગ્યાઓ હજુ પુરાઈ નથી

‘મહેન્દ્ર કતારગામવાળા’ સુરતનું આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેની કોઇ જ ઓળખાણ આપવાની જરૂર રહેતી નહોતી ખૂબ જ શાંત અને મૃદુ સ્વભાવ છતાં કોઇપણ મુદ્દે ચર્ચા કરો તો એવું લાગે કે આ માણસ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. સુરત શહેર ઉપરાંત અન્ય પ્રદેશની જાહેર સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાવાનો અને કામ કરવાનો મહેન્દ્રભાઇને ગજબનો નશો હતો. ખાસ કરીને તબીબી ક્ષેત્રે તેમની જબરદસ્ત હથોટી હતી. જાણે બીમારી અને સારવાર અંગે તેમણે પીએચડી કર્યું હતું. વળી દાયકાઓથી શરીરની એક સરખી કાઠી ધરાવતા ૭૬ વર્ષના મહેન્દ્રભાઇ માટે જાણે સમય થંભી ગયો હતો. જેમણે તેમને એક દાયકા પહેલા જોયેલા મહેન્દ્રભાઇને ફરી મળવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો એની એ જ કાઠી અને એનો એ જ સ્મિત લહેરાવતો ચહેરો જોવા મળે. કોઇએ ભાગ્યે જ મહેન્દ્રભાઇને ગંભીર જોયા હશે.
આઇએએસ, આઇપીએસ અધિકારીઓ સાથે તેમનો નાતો ગજબનો હતો. સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર થઇને દિલ્હી સુધી સનદી અધિકારીઓમાં મહેન્દ્રભાઇ જબરદસ્ત પ્રભાવ ધરાવતા હતા. કોઇના પણ ગૂંચવાયેલાં કામોનો ઉકેલ લાવવાનો તેમને નિઃસ્વાર્થ શોખ હતો. તેમના માટે સમયની કોઇ પાબંધી કે ‘આરામ’ જેવો શબ્દ તેમના શબ્દકોષમાં નહોતા. સુરતનું પવિત્ર તીર્થધામ અઠવા સ્થિત અંબિકા નિકેતનના ટ્રસ્ટી મંડળના તેઓ દાયકાઓથી ટ્રસ્ટી હતા. ટ્રસ્ટ સંચાલિત ભારતીમૈયા હોસ્પિટલ, ભરત કેન્સર હોસ્પિટલ, ગૌશાળા, સ્કુલ, અશક્તાશ્રમ હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો સાથે મહેન્દ્રભાઇનું નામ માત્ર જોડાયેલુ નહોતું તેઓ વિવિધ સંસ્થાઓના અવિભાજ્ય અંગ જેવા હતા.
મહેન્દ્રભાઇને લોકોએ અનેક ભૂમિકામાં જોયા હશે. તેઓ સુરત શહેરના ભૂતપૂર્વ કોર્પોરેટર ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા. બિલ્ડીંગના નિર્માણ, ટેક્સટાઇલ, ખેતીવાડી, સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવા છતાં ભાગ્યે જ તેઓ પાસે સમયનો અભાવ હતો.
થોડા દિવસ પહેલા મહેન્દ્રભાઇને કોઇ ગંભીર બીમારી નહોતી પરંતુ તબીબો સારવારમાં કોઇ કસર છોડવા માંગતા નહોતા અને એટલે જ તેમને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઇની જાણીતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં તેઓ ફરી હરતાફરતા થઇ ગયા હતા કે જાણે તેમને કોઇ જ બીમારી નહોતી. તેમની વાત કરવાની પધ્ધતિ પણ એની એ જ હતી. વાત કરનારને અણસાર પણ આવતો નહોતો કે મહેન્દ્રભાઇ બીમાર પડ્યા હશે.
પરંતુ ચહેરા ઉપર નહીં દેખાતી બીમારીએ ધીમે-ધીમે મહેન્દ્રભાઇને શિકાર બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ હરતાફરતા હતા. લોકોને, મિત્રોને મળતા હતા પરંતુ એક નિઃશબ્દ પડછાયો તેમને ઘેરી રહ્યાે હતો. પાછલા કેટલાક દિવસોથી મહેન્દ્રભાઇના ચહેરા ઉપર થાક અને કોઇક અમંગળ ઘટના બનવાના જાણકારોને નિર્દેશ મળી રહ્યા હતા અને ગત શુક્રવાર તા.૨૮/૦૮/૨૦૨૬ની વહેલી સવારે મહેન્દ્રભાઇ પટેલે અચાનક અનંતની યાત્રાની વાટ પકડી લીધી હતી. કોઇને પણ અણસાર આવવા દીધો નહોતો! કોઇને હેરાન કર્યા નહોતા કે કોઇ તબીબને દોડધામ કરાવી નહોતી. તેમના સ્વાભાવગત ઊંડા શ્વાસ લઇને સમાધીમાં લીન થઇ ગયા હતા.
મહેન્દ્રભાઇ કતારગામવાળાનાં નિધન સાથે સુરતના આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતા. વહેલી સવારનો સૂર્ય પણ ઝાંખો ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. આકાશમાં ઉડતા પંખીઓનો કલરવ શાંત થઇ ગયો હતો. સુરતે એક મહાન સમાજ સેવક, એક શ્રેષ્ઠી મહાજન, ઉદ્યોગપતિ, અને યોગી જેવું જીવન જીવતો ‘ઓ‌‌િલયો’ ગુમાવ્યો હતો. મહેન્દ્રભાઇ સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરીને નર્મદા કિનારાના અનેક આશ્રમો અને સંતો સાથે જોડાયેલા હતા. તેમના નિવાસે બાવા, સાધુ અને સંતોની કાયમી અવરજવર રહેતી હતી. ઘણી વખત તો તેઓ આગ્રહ કરીને મિત્રો, પરિચિતોને સંતોના આશ્રમમાં લઇ જતા હતા. વળી કોઇક દિવસ તેમના ઘરે કોઇ મહેમાન, મુલાકાતી કે સાધુ સંતો આવ્યા ન હોય એ દિવસ મહેન્દ્રભાઇ માટે અધુરો રહેતો હતો.
મહેન્દ્રભાઇ મોટા ગજાના બિલ્ડર અને ઉદ્યોગપતિ હોવા છતાં સામેના માણસને ભાગ્યે જ અંદાજ આવવા દેતા હતા. તેમને અનાયાસે મળવાનું થાય તો વાતો કરતા કરતા કલાકો ક્યારે નીકળી જાય તેનો અંદાજ રહેતો નહોતો. તેઓ અજાતશત્રુ હતા. જાહેર જીવનમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઇ ત્રીજો પક્ષ હોય મહેન્દ્રભાઇની હાજરી બધા જ પક્ષો માટે સ્વીકૃત હતી. બધાને એમ લાગતું હતું કે મહેન્દ્રભાઇ અમારા છે. વળી ક્યારેક આપણા ખભા ઉપર હાથ મૂકીને વાત કરતા હોય ત્યારે એટલા ભાવુક બની જતા હતા કે તેમની આંખોમાંથી વેદના, ચિંતા કે આનંદના ભાવ તરી આવતા હતા અને જ્યારે કોઇના કામમાં મધ્યસ્થી બનવાનું હોય ત્યારે તેઓ બધા જ કામ પડતા મૂકીને પરોપકાર માટે કલાકો ખર્ચી નાંખતા હતા. અલબત તેમને લોકોની ‘કડી’ બનવાનો ગજબનો નશો હતો.
ખેર, સુરતે એક નખશીખ સજ્જન સેવાભાવી સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા છે. થોડા દિવસ પહેલા જ પૂર્વ ધારાસભ્ય સુરતના ભૂતપૂર્વ મેયર, સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ, શિક્ષણશાસ્ત્રી અને સેંકડો સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કનુભાઇ માવાણીને સુરતે ગુમાવ્યા હતા. ડૉ. કનુભાઇ માવાણી પણ મહેન્દ્રભાઇના પડોશી હતા. સુરત ધીમેધીમે પ્રમાણિક, ખાનદાન અને જૂની પેઢીના આગેવાનોથી ખાલી થઇ રહ્યું છે. વર્તમાન સ્થિતિમાં ઉદાહરણ આપી શકાય એવા એકાદ બે ચહેરા સિવાય કોઇ રહ્યું નથી. કારણ ખબર નથી પરંતુ નવી પેઢીમાં કોઇક ઉણપ લાગી રહી છે. સમાજનું નેતૃત્વ કરી શકે એવા પ્રભાવશાળી કોઇ ચહેરા રહ્યા નથી અને થોડાઘણાં જે જીવી રહ્યા છે તેઓ પડદાની પાછળ ધકેલાઇને મૌન બનીને જમાનાની બદલાતી તાસીરને જોઇ રહ્યા છે.
કારણ રાજકીય, સામાજિક સ્તરે ઉભરી રહેલી નવી પેઢીને હવે આવા ‘વૃધ્ધ’ થઇ ગયેલા આગેવાનો, સમાજશ્રેષ્ઠીની પરવા નથી. આ તબક્કે આપણે સુરતના સમાજશ્રેષ્ઠી, દાનવીર, ગોરધનદાસ પોપાવાળાનું ચોક્કસ ઉદાહરણ આપી શકાય. ‘આ મારું સુરત’ કહીને પોતાની મિલકતો સમાજસેવા માટે દાનમાં ધરી દેનારાઓને આજે કોઇ યાદ કરતું નથી કે નવી પેઢીને કોઇ ઇતિહાસની યાદ અપાવતું નથી અને એટલે જ નવી પેઢીમાં જવલ્લે જ કોઇ સમાજશ્રેષ્ઠી પેદા થાય છે. નવી પેઢીના યુવાનો આધુનિક અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા હશે પરંતુ સમાજ માટે, પોતાના શહેર માટે, પડોશી માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકો ખૂબ ઓછા હશે.
મહેન્દ્રભાઇ કતારગામવાળા કડવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. તેઓ જન્મે અને કર્મે પણ પાટીદાર જેવી ખુમારી ધરાવતા હતા. પરંતુ તેઓને પાટીદાર આગેવાન તરીકે ભાગ્યે જ કોઇ ઓળખતું હતું. વળી તેઓ પાટીદાર કરતા ‘કતારગામવાળા’ તરીકે વધુ જાણીતા હોવાથી તેમની મૂળભૂત ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખ ભૂલાઇ ગઇ હતી.
તેમણે જાહેરજીવનની શરૂઆત વરાછા રોડનાં સાધના વિદ્યાલયના સેક્રેટરી તરીકે કરી હતી. ત્યાર પહેલા ૧૯૭૬માં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણ છોડીને અંબિકા નિકેતન ટ્રસ્ટ, મહાજન અનાથાશ્રમ, ચાઇલ્ડ વેલ્ફેર સોસાયટી, ભારતીમૈયા મેમોરિયલ ટ્રસ્ટ, ભારત કેન્સર હોસ્પિટલ, ચેમ્બર ઓફ કોમર્સ, સર્વોદય સહકારી બેંક, ઉપરાંત અનેક નામી અનામી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.
રક્ષાબંધન અને શુક્રવાર તા.૨૮મી ઓગષ્ટ ૨૦૨૬નો દિવસ સમગ્ર સુરત શહેર ઉપરાંત અનેક નામી-અનામી સંસ્થાઓ માટે આઘાતજનક નીવડ્યો હતો. સદ્ગતની અંતિમ યાત્રામાં જાણે આખું સુરત ઉમટી પડ્યું હતું અને અશ્વનીકુમાર સ્મશાનઘાટમાંથી નીકળતી અગ્નિની જવાળાઓનાં માધ્યમથી સદ્ગત મહેન્દ્રભાઇ કતારગામ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા હતા. સ્મશાન ઘાટમા નિરવ શાંતિ હતી સેંકડો લોકો હતા પરંતુ જાણે શબ્દો થીજી ગયા હતા લોકો નિઃશબ્દ થઇને સદ્ગતને અંતિમ વિદાય આપી રહ્યા હતા.

VIDEO: દર્દીઓ સાવધાન! સુરતના આ વિસ્તારમાં ડિગ્રી વગર સારવાર કરતા 4 બોગસ ડૉક્ટર ઝડપાયા

ખાદ્ય પદાર્થો, રેસ્ટોરન્ટના પરદા ફાસ્ટ કાર્ય પછી હવે ડોક્ટરોનો વારો પડ્યો છે. સુરતમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પુણા-ઉમરવાડા વિસ્તારમાં પોલીસના દરોડામાં ચાર બોગસ ડૉક્ટરો ઝડપાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ શખ્સો પાસે માન્ય મેડિકલ ડિગ્રી કે જરૂરી લાઇસન્સ ન હોવા છતાં તેઓ વર્ષોથી એલોપેથિક સારવાર કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે દવાઓ અને મેડિકલ સામાન સહિત રૂ.4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ઝોન-1 એલસીબી અને પુણા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજીવનગર, આશાનગર અને આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. તપાસમાં આરોપીઓ ધોરણ 10, 11 અને 12 સુધી ભણેલા હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમની પાસે MBBS સહિત કોઈ માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં તેઓ દર્દીઓની સારવાર કરતા અને એલોપેથિક દવાઓનો ઉપયોગ કરતા હોવાનો પોલીસનો આક્ષેપ છે.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર અને સુબલ સુનિલ ગાચ્છી તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પૈકી એક છેલ્લા 26 વર્ષથી, જ્યારે અન્ય આરોપીઓ 8થી 10 વર્ષથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, બે આરોપીઓ સામે 2025માં પણ સમાન પ્રકારનો કેસ નોંધાયો હતો.

કેનેડામાં ભારતીય યુવાનો માટે મોટી રાહત! વર્ક પરમિટને લઈને મોટો ફેરફાર,જાણો કોને મળશે લાભ

કેનેડામાં કામ કરી રહેલા ભારતીય યુવાનો માટે વર્ક પરમિટ એક્સટેન્શનની પ્રક્રિયામાં મહત્વનો બદલાવ થયો છે. કેનેડા સરકારે 21 ઓગસ્ટ 2026થી Concurrent Processing હેઠળ LMIA (લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ) અથવા CAQ (ક્યૂબેક સ્વીકૃતિ પ્રમાણપત્ર) જેવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા માટેનો સમય 60 દિવસથી વધારીને 90 દિવસ કર્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને એવા ભારતીય યુવાનોને રાહત મળી શકે છે, જેઓ કેનેડામાં નોકરી કરી રહ્યા છે અને તેમનો વર્ક પરમિટ સમાપ્ત થવાની નજીક છે.

સરકારી નિયમો મુજબ આ સુવિધા દરેક વર્ક પરમિટ ધારક માટે નથી. તેનો લાભ ચોક્કસ પાત્ર અરજદારોને જ મળશે. અરજદારનો વર્તમાન વર્ક પરમિટ બે અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં સમાપ્ત થતો હોવો જોઈએ અને તેમના નોકરીદાતાએ LMIA માટે સંપૂર્ણ અરજી પહેલેથી જ જમા કરેલી હોવી જરૂરી છે. જો LMIAનો નિર્ણય હજુ બાકી હોય, તો પાત્ર અરજદાર વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ 90 દિવસનો નવો વર્ક પરમિટ નથી. આ સમયગાળો જરૂરી LMIA અથવા CAQ દસ્તાવેજ રજૂ કરવા માટે આપવામાં આવે છે. તેથી માત્ર વર્ક પરમિટ સમાપ્ત થવાની તારીખ નજીક હોવાને કારણે 90 દિવસનો લાભ આપમેળે મળતો નથી.

કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરીને નોકરી કરતા ભારતીય યુવાનો માટે આ ફેરફાર મહત્વપૂર્ણ બની શકે છે. જોકે, છેલ્લી ઘડીએ LMIA અરજી કરવી જોખમી બની શકે છે. સમયસર યોગ્ય અરજી કરવી અને પોતાની પાત્રતા ચકાસવી જરૂરી છે.

૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવારનું રાશિફળ: જાણો આજે ૧૨ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
શનિવારના દિવસે શનિ મહારાજના પ્રભાવથી પરિશ્રમનું યોગ્ય અને ઉત્તમ ફળ મળશે. કાર્યક્ષેત્રે અટકેલા કામોમાં ગતિ આવશે અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. પરિવાર સાથે સાંજનો સમય શાંતિપૂર્ણ વિતશે.
​વૃષભ (Taurus):
આજે નાણાકીય બાબતોમાં વિચારપૂર્વક પગલાં ભરવાં અને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે, જેને તમે કુશળતાપૂર્વક નિભાવી શકશો. પારિવારિક સંબંધોમાં સુમેળ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પૂરતો આરામ લેવો હિતાવહ છે.
​મિથુન (Gemini):
તમારી વાતચીત અને બૌદ્ધિક ક્ષમતાથી અટકેલા મહત્વના કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. વેપારમાં નવી ભાગીદારી કે સોદા લાભદાયી સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રસન્ન રહેશે.
​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરવો. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ કામનો બોજ વધુ રહી શકે છે. પરિવારના સભ્યોની લાગણીઓને માન આપવાથી પરસ્પર સ્નેહ વધશે. ખાનપાનમાં કાળજી રાખવી જરૂરી છે.
​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને નેતૃત્વ ક્ષમતાના બળે તમે કાર્યો સરળતાથી પાર પાડશો. વ્યવસાયિક ક્ષેત્રે નવા રોકાણોમાંથી સારો આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. દાંપત્યજીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે.
​કન્યા (Virgo):
આજે કામકાજમાં આળસ છોડીને સમયસર કાર્યો પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને દસ્તાવેજો યોગ્ય રીતે ચકાસવા. પરિવારના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. નિયમિત વ્યાયામ અને યોગથી શારીરિક તાજગી જળવાશે.
​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યવર્ધક અને અત્યંત લાભદાયી સાબિત થશે. આવકના નવા માર્ગો ખુલશે અને વેપાર-ધંધામાં સારો નફો મળવાના યોગ છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે અને જૂની ચિંતાઓ દૂર થશે. મન દિવસભર પ્રફુલ્લિત અને ઉત્સાહિત રહેશે.
​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધુ મજબૂત બનશે. વિરોધીઓ શાંત રહેશે અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સારો ટેકો મળશે. વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો પાર પડી શકશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને ઉત્તમ રહેશે.
​ધન (Sagittarius):
ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગ કે પૂજા-પાઠમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી અગાઉ કરેલા પ્રયાસોનું સારું પરિણામ સામે આવશે. નાની યાત્રા લાભદાયી અને સુખદ નીવડી શકે છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને મન પ્રસન્ન રહેશે.
​મકર (Capricorn):
રાશિ સ્વામી શનિના પ્રભાવથી કાર્યોમાં ધીરજ અને સંયમ રાખવો અત્યંત જરૂરી રહેશે. જોખમી રોકાણોથી દૂર રહેવું અને નકારાત્મક ચર્ચાઓ કે વિવાદોમાં ન પડવું. પરિશ્રમ અનુસાર યોગ્ય પરિણામ મળશે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
​કુંભ (Aquarius):
ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થશે અને મોટા લાભ મળવાની શુભ સંભાવના છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. આર્થિક સ્થિરતા અને લાભ જોવા મળશે.
​મીન (Pisces):
કાર્યસ્થળે તમારી મહેનતનું ધાર્યું અને સંતોષકારક પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધક સમાચાર મળી શકે છે. નાણાકીય બાબતોમાં ખર્ચ પર સારો અંકુશ રહેશે અને બચત વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

Video : સુરતમાં કારનો દરવાજો બન્યો મોતનું કારણ: મહિલાએ દરવાજો ખોલતા મોપેડ સવાર આધેડ ધડાકાભેર અથડાયા, 4 દિવસની સારવાર બાદ મોત

0

સુરતના નાનપુરા વિસ્તારમાં બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતનો હચમચાવી નાખે તેવો CCTV વીડિયો સામે આવ્યો છે. રોડની સાઈડમાં ઉભેલી કારનો પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલતા પાછળથી આવી રહેલું મોપેડ તેની સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ સવાર આધેડ ઉછળીને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખનું ચાર દિવસની સારવાર બાદ આજે, 29 ઓગસ્ટે, મોત થયું છે.

કાર 21 સેકન્ડ સુધી રોડની સાઈડમાં ઊભી રહી

મળતી માહિતી મુજબ, નાનપુરાના રિવરપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ 25 ઓગસ્ટે બપોરના સમયે મોપેડ લઈને દુકાને જઈ રહ્યા હતા. તેઓ રંગઉપવન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની સાઈડમાં એક સફેદ કાર ઊભી હતી.

CCTVમાં જોવા મળે છે કે કાર આશરે 21 સેકન્ડ સુધી રસ્તાની સાઈડમાં ઊભી રહે છે. ત્યારબાદ પાછળની સીટ પર બેઠેલી મહિલા અચાનક કારનો દરવાજો ખોલે છે. એ જ સમયે પાછળથી મોપેડ લઈને આવી રહેલા મોહમ્મદ અમીન ખુલ્લા દરવાજા સાથે જોરદાર રીતે અથડાઈ જાય છે.

ટક્કર બાદ માથામાંથી લોહી વહી નીકળ્યું

કારના દરવાજા સાથે થયેલી ટક્કર બાદ મોહમ્મદ અમીન મોપેડ પરથી ઉછળીને સીધા રસ્તા પર પટકાયા હતા. CCTVમાં તેઓ થોડા સમય સુધી જમીન પરથી ઊભા થઈ શકતા ન હોવાનું જોવા મળે છે. તેમના માથામાં ગંભીર ઈજા થતાં લોહી વહી નીકળ્યું હતું.

કારમાંથી બે લોકો નીચે આવ્યા

અકસ્મત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની લગભગ 10 સેકન્ડ બાદ કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ નીચે ઉતરી ઈજાગ્રસ્ત આધેડની સ્થિતિ જોવા જાય છે. ત્યારબાદ દરવાજો ખોલનાર મહિલા પણ કારમાંથી નીચે ઉતરે છે. બંનેએ થોડીવાર ઘટનાસ્થળે ઉભા રહી સ્થિતિ નિહાળી હતી.

રાહદારીઓએ કરી મદદ, 108થી હોસ્પિટલ ખસેડાયા

મોહમ્મદ અમીન રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા હોવાથી આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. કેટલાક લોકોએ તેમને ઊભા કરીને રસ્તાની સાઈડમાં ખસેડ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત મોહમ્મદ અમીનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ચાર દિવસની સારવાર બાદ જીવનદીપ બુઝાયો

અકસ્મતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોહમ્મદ અમીનની સ્થિતિ નાજુક હતી. ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. જોકે, આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 56 વર્ષીય મોહમ્મદ અમીનના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. કારનો દરવાજો ખોલનાર મહિલા સહિત જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બાલેન શાહની ગુલાંટી : પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારત, ચીન સહિતના વિદેશી બચાવ દળોને મંજૂરી

નેપાળે પૂર અને ભૂસ્ખલન બાદ વિદેશી બચાવ ટીમોને દેશમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય બદલી નાખ્યો છે. પોતાના નાગરિકો હજુ પણ લાપતા હોવાથી વિવિધ દેશોના વધતા રાજદ્વારી દબાણ વચ્ચે નેપાળે હવે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાની વિશેષ ટીમોને મર્યાદિત રીતે મદદ કરવાની મંજૂરી આપી છે. આ ટીમો ખાસ કરીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગોમાં બચાવ કામગીરી, DNA ટેસ્ટિંગ અને ફોરેન્સિક ઓળખ જેવા ટેકનિકલ ક્ષેત્રોમાં મદદ કરશે.

અગાઉ વિદેશી બચાવ ટીમોને મંજૂરી આપવાનો ઇનકાર

બુધવારે નેપાળ સરકારે કહ્યું હતું કે સ્થાનિક બચાવકર્મીઓ શોધ અને બચાવ કામગીરી સંભાળવા સક્ષમ છે અને વિદેશી બચાવ ટીમોને મંજૂરી આપવામાં આવશે નહીં.

પરંતુ એક જ દિવસમાં સરકારના વલણમાં ફેરફાર આવ્યો. આંતરરાષ્ટ્રીય દબાણ અને વિવિધ દેશોના લાપતા નાગરિકોને ધ્યાનમાં રાખીને નેપાળે હવે ચોક્કસ ટેકનિકલ ક્ષેત્રોમાં મર્યાદિત વિદેશી સહાય સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

નેપાળના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી ભારે દબાણ આવ્યું હતું, કારણ કે પૂર દરમિયાન તેમના નાગરિકો પણ લાપતા થયા છે. તેથી ચોક્કસ ક્ષેત્રોમાં મર્યાદિત સંખ્યામાં નિષ્ણાતોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વિદેશ મંત્રી શિશિર ખાનાલે પણ કહ્યું કે હિમાલયની સરહદે આવેલા વિનાશક પૂર બાદ નેપાળને એવા વિશેષ અને ટેકનિકલ ક્ષેત્રોમાં વિદેશી મદદની જરૂર છે જ્યાં દેશ પાસે પૂરતી નિષ્ણાતી નથી. જોકે, સામાન્ય શોધ અને બચાવ કામગીરી માટે વિદેશી મદદની જરૂર નથી.

600થી વધુનાં મોત, લગભગ 2,500 લોકો હજુ લાપતા

ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના કાંઠાના વિસ્તારોમાં આવેલા ફ્લેશ ફ્લડથી ભારે વિનાશ થયો છે. શુક્રવાર સુધીમાં 600થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 2,500 લોકો હજુ લાપતા હોવાનું નેપાળ ડિઝાસ્ટર ઓથોરિટીના અહેવાલમાં જણાવાયું છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડના તાજેતરના આંકડા મુજબ લાપતા વિદેશી નાગરિકોમાં:

288 ભારતીયો
100 ચીની નાગરિકો
65 અમેરિકન નાગરિકો
53 યુક્રેનિયન નાગરિકો
35 ઓસ્ટ્રેલિયન નાગરિકો
33 બ્રિટિશ નાગરિકો

નો સમાવેશ થાય છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના મૂલ્યાંકન બાદ આંતર-મંત્રાલય સમિતિએ ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા પાસેથી વિશેષ સહાય મંજૂર કરી છે. અપર ત્રિશૂલી-1માં 576 લોકોનો હજુ સંપર્ક નથી. સ્થિતિ ખાસ કરીને અપર ત્રિશૂલી-1, જે 216 મેગાવોટનો રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે, ત્યાં અત્યંત ગંભીર છે. શુક્રવારની મોડી રાત સુધી 576 કામદારોનો સંપર્ક થઈ શક્યો નથી. આપત્તિ સમયે આ પ્રોજેક્ટમાં આશરે 1,350 લોકો કામ કરી રહ્યા હતા.

ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ એસોસિએશન, નેપાળના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઉત્તમ ભ્લોમે જણાવ્યું કે 576 લોકોનો કોઈ સંપર્ક નથી અને તેઓ ક્યાં છે તેની સ્પષ્ટ માહિતી પણ ઉપલબ્ધ નથી. જો કેટલાક લોકો સુરંગોમાં ફસાયેલા હોય અને સમયસર તેમના સુધી પહોંચી શકાય, તો તેમને બચાવવાની શક્યતા હજુ છે.

પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે અને મોબાઇલ તથા ટેલિફોન નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. આ કોમ્યુનિકેશન બ્લેકઆઉટને કારણે લાપતા લોકોની સ્થિતિ અને તેમના સ્થળ વિશે માહિતી મેળવવી વધુ મુશ્કેલ બની છે.

અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવા માટે ખાનગી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાની પણ વિચારણા કરી રહ્યા છે. જોકે, મર્યાદિત લેન્ડિંગ સ્પેસ તથા ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત પડકારો હવાઈ બચાવ કામગીરીને મુશ્કેલ બનાવી રહ્યા છે.

ભારતે બચાવ અને તબીબી ટીમ મોકલી

ભારતે નેપાળને સુરંગ બચાવ ટીમ, મેડિકલ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના કર્મચારીઓની મદદની ઓફર કરી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે તેમના નેપાળી સમકક્ષ શિશિર ખાનાલ સાથે વાતચીત કરી અને ભારત તરફથી વિવિધ પ્રકારની મદદની ઓફર કરી હતી. જયશંકરે એ પણ જણાવ્યું કે માનવતાવાદી સહાયનો 10 ટનનો ત્રીજો જથ્થો કાઠમંડુ માટે રવાના થયો છે. તેમાં પોર્ટેબલ જનરેટર, ડિગ્નિટી કિટ્સ, ફૂડ પેકેટ્સ અને પાણી શુદ્ધિકરણની ગોળીઓનો સમાવેશ થાય છે. ભારતની રાહત સામગ્રીના ચોથા જથ્થા સાથે 11 સભ્યોની ડોક્ટરો, પેરામેડિક્સ અને સુરંગ બચાવ નિષ્ણાતોની ટીમ પણ નેપાળ મોકલવામાં આવી છે.

દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશો પણ મદદ માટે આગળ આવ્યા

દક્ષિણ કોરિયાએ પણ મદદની ઓફર કરી છે. તેના 9 નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુને કાઠમંડુને કોરિયન પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટીમને શોધ અને બચાવ કામગીરી સરળતાથી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. સિયોલ તરફથી કોરિયા ડિઝાસ્ટર રિલીફ ટીમ તૈનાત કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. વિદેશી ટીમો મુખ્યત્વે રસુવા અને નુવાકોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પૂરથી આ વિસ્તારોમાં કુલ 14 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે.

DNA ટેસ્ટિંગમાં પણ મળશે વિદેશી મદદ

નેપાળને DNA ટેસ્ટિંગ અને ફોરેન્સિક ઓળખ માટે પણ આંતરરાષ્ટ્રીય સહાય મળશે. નેપાળની લેબોરેટરીઓમાં મર્યાદિત ક્ષમતા હોવાથી મોટી સંખ્યામાં DNA સેમ્પલની પ્રક્રિયા કરવી મુશ્કેલ છે. વિદેશી નિષ્ણાતો મોટી સંખ્યામાં સેમ્પલ ઝડપથી પ્રોસેસ કરવામાં અને મૃતદેહોની ઓળખ કરવામાં મદદ કરશે, જેથી ઓળખ બાદ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી શકાય.

નેપાળે સામાન્ય શોધ અને બચાવ કામગીરીમાં વિદેશી દળોને અગાઉ નકારી કાઢ્યા હતા, પરંતુ હવે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાની વિશેષ ટેકનિકલ ટીમોને મંજૂરી આપી છે. ખાસ કરીને સુરંગોમાં ફસાયેલા લોકોની શોધ, DNA ટેસ્ટ અને મૃતદેહોની ઓળખ હવે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી ઝડપી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.