પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) ફરી એકવાર સાથે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે છ વર્ષ જૂનું રાજકીય અંતર પણ સમાપ્ત થયું છે.
અમિત શાહે જણાવ્યું કે, BJP અને અકાલી દળ પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે. ગઠબંધનમાં અકાલી દળની ભૂમિકા ‘મોટા ભાઈ’ તરીકે રહેશે. મુખ્યમંત્રી પદ અંગે સંકેત આપતા તેમણે કહ્યું કે, જે પક્ષ મોટા ભાઈની ભૂમિકામાં હશે, મુખ્યમંત્રી પણ તે જ પક્ષનો બનશે. આથી પંજાબમાં NDAની સરકાર બનશે તો મુખ્યમંત્રી અકાલી દળમાંથી હોવાની શક્યતા છે.
અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ ગઠબંધનને માત્ર રાજકીય નહીં, પરંતુ ભાવનાત્મક ગઠબંધન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2020માં કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં અકાલી દળે BJP સાથેનું 24 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું.
આ વખતે બંને પક્ષોએ પંજાબમાં નશાની સમસ્યા નાબૂદ કરવા, કાયદો અને વ્યવસ્થા સુધારવા, ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને હિન્દુ-શીખ એકતા મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.








