દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી સામે દિલ્હીની સાકેત કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જાહેર કર્યું છે. વર્ષ 2018ના એક જૂના માનહાનિ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસ વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ મે 2018માં પોતાની યુટ્યુબ ચેનલ પર ‘BJP IT Cell Part II’ નામનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ભાજપના IT સેલ દ્વારા તેમને બદનામ કરવા માટે લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
આ વીડિયો તે સમયે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો. દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ ધ્રુવ રાઠી અને અરવિંદ કેજરીવાલ સામે માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી.
આ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ કોર્ટે ધ્રુવ રાઠી સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. જોકે, વારંવાર સમન્સ અને વોરંટની કાર્યવાહી છતાં તેમની હાજરી સુનિશ્ચિત ન થતાં હવે કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 3 ડિસેમ્બર, 2026ની તારીખ નક્કી કરી છે.








