નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને કથિત તોડફોડને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવી છે.
મળતી માહિતી મુજબ, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવાના વિરોધમાં 20 નવેમ્બરે હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસ બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદની ગચીબાઉલી સ્થિત મેટાની ઓફિસમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા ફૂલદાની તોડવામાં આવી હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. પોલીસે આશરે 20 જેટલા કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, જોકે બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
યુથ કોંગ્રેસે મેટાને આપી 7 દિવસની મહેતલ
યુથ કોંગ્રેસે મેટા પર ભાજપના દબાણ હેઠળ વિપક્ષી નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને પોસ્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવ્યો છે. સંગઠને મેટાને સાત દિવસની અંદર પ્રતિબંધિત એકાઉન્ટ અને પોસ્ટ્સ પુનઃસ્થાપિત કરવાની માગ કરી છે. સાથે જ માગણીઓ નહીં સંતોષાય તો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપી છે.
યુથ કોંગ્રેસનો દાવો છે કે વિરોધ પ્રદર્શન બાદ તેના બંને નેતાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવ્યા હતા.
ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે યુથ કોંગ્રેસના કાર્યકરોએ હૈદરાબાદમાં મેટાની ઓફિસમાં તોડફોડ કરી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
તેમણે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવીને કહ્યું કે ખાનગી કંપનીઓની ઓફિસમાં તોડફોડ કરવી એ કોંગ્રેસની કાર્યશૈલી દર્શાવે છે.
બીજી તરફ, BRS નેતા કે.ટી. રામારાવે પણ આ ઘટનાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હૈદરાબાદે લાંબા સમયની મહેનતથી વૈશ્વિક બિઝનેસ અને ટેક્નોલોજી હબ તરીકે ઓળખ બનાવી છે. આવી ઘટનાઓથી શહેરની છબીને નુકસાન પહોંચી શકે છે.
આ સમગ્ર મામલે મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.








