બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં બુધવારે બપોરે ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. અહીં સુપ્રિયા રોડ પર આવેલા ‘સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ’ શોરૂમમાં આઠ હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને કરોડો રૂપિયાના સોના અને હીરાના દાગીના લૂંટી લીધા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણ બાઇક પર સવાર થઈને આવેલા આઠ લૂંટારુઓએ શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હથિયારોના જોરે કર્મચારીઓને કાબૂમાં લઈ લૂંટ ચલાવી હતી અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
લૂંટાયેલા દાગીનાની કિંમત અંદાજે 30થી 40 કરોડ રૂપિયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શોરૂમના સ્ટોક અને નુકસાનની ગણતરી પૂર્ણ થયા બાદ જ ચોક્કસ આંકડો સામે આવશે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ડીઆઈજી હરકિશોર રાય અને એસપી સહિત પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ શોરૂમની તપાસ કરી કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ શોરૂમ અને આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. લૂંટારુઓ કયા રસ્તે આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની પણ તપાસ ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લૂંટારુઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.








