આસામ: આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક અને મિનિબસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં 23 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત કાઝીરંગા નજીક રોંગાજાન વિસ્તારમાં થયો હતો. બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહેલી મિનિબસને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મિનિબસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અનેક મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વાહનમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ગોલાઘાટ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નનીલ ડેકાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અહેવાલમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોતની માહિતી મળી હતી. જોકે, બસમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે કોહોરા મોડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
એક અહેવાલ મુજબ, આ અકસ્માતમાં 23 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ જાનહાનિનો ચોક્કસ આંકડો સ્પષ્ટ થશે.








