સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બેફામ સ્કોર્પિયોએ રસ્તા પર પાર્ક કરેલાં 10થી વધુ વાહનોને અડફેટે લેતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઓલપાડ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ અને ભાજપ નેતા નીરિક્ષા અતુલ રાઠોડના પુત્ર યશ રાઠોડનું નામ સામે આવ્યું છે. 28 ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બે કાર વચ્ચે જોખમી રેસિંગ ચાલી રહી હતી. આ દરમિયાન બેફામ ઝડપે આવતી કાળી સ્કોર્પિયોએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનોને એક પછી એક ટક્કર મારી હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
પાલનપુર પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત
સુરતના પાલનપુર પાટિયા સ્થિત પુષ્પક સોસાયટી નજીક 28 ઓક્ટોબરની રાત્રે આશરે 10:30થી 11 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારને કારણે વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હતી. તેવામાં બે કાર પૂરઝડપે દોડતી હોવાની પ્રત્યક્ષદર્શીઓએ માહિતી આપી હતી.
પુષ્પક સોસાયટીના પ્રમુખ અને પ્રત્યક્ષદર્શી રણછોડભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, એક સફેદ રંગની વર્ના જેવી કાર અને કાળા કાચવાળી સ્કોર્પિયો એકબીજાની પાછળ દોડતી હતી. આગળ સ્પીડબ્રેકર પાસે ટ્રકે બ્રેક મારતાં એક કાર તેની પાછળ ઘૂસી ગઈ હતી, જ્યારે બીજી કાળી સ્કોર્પિયોએ રસ્તા પર ઊભેલાં અંદાજે 10થી 15 વાહનોને ટક્કર મારી હતી.
પ્રત્યક્ષદર્શીએ બંને કારની ઝડપ આશરે 80થી 100 કિલોમીટર પ્રતિ કલાક હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. વાહનોની ટક્કર બાદ વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઓલપાડથી સુરત આવી મિત્ર સાથે દારૂ પીધો હોવાનો દાવો
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે પોતાના મિત્રને મળવા માટે ઓલપાડથી આશરે 40 કિલોમીટર દૂર સુરત આવ્યો હતો. ત્યારબાદ મિત્રના ઘરે બંનેએ દારૂ પીધો હોવાની વિગતો સામે આવી છે.
આરોપ છે કે દારૂ પીધા બાદ બંને કાર લઈને બહાર નીકળ્યા હતા અને પાલનપુર પાટિયા જેવા ગીચ વિસ્તારમાં જોખમી રીતે વાહન ચલાવતાં અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કરેલાં વાહનોને ભારે નુકસાન થયું હતું.
સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આરોપી યશ રાઠોડને પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઘટનાના CCTV ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે દારૂ સંબંધિત કાયદા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપો હેઠળ ગુનો નોંધી યશ રાઠોડની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાએ શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને દારૂના નશામાં વાહન ચલાવવાના જોખમ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.








