ઓલપાડ તાલુકના કૂડસદ ગામે ગઈ મોડી રાત્રે રેલવે ઓવર બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહેલી એક જ બાઈક પર સવાર 4 યુવકો નીચે પટકાતા અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. કુડસદ ગામના રેલવે ઓવર બ્રિજ પરથી ચાર યુવાનો બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે બ્રિજના એક વળાંક પર બાઈક ચાલકને અંદાજ નહીં આવતાં ઓવર સ્પીડને કારણે અચાનક સ્ટેરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવતાં બાઈક અનિયંત્રિત થઈને સીધી બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી અને ચારેય યુવકો હાઇ-લેવલ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. ઓવર બ્રિજ પરથી નીચે પડતાં ચારેય યુવકોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 3 યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે ચોથા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.








