અમેરિકાના શિકાગો નજીક આવેલા ઓરોરામાં એક હિન્દુ મંદિર પર મોટા પાયે ગોળીબાર કરી નરસંહાર કરવાની કથિત કાવતરું નિષ્ફળ બની હતી. આરોપીની બંદૂક જામ થઈ જતાં હુમલો થઈ શક્યો નહોતો. આ મામલે 19 વર્ષીય આરોપી એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની ઝડપી ધરપકડ કરવા બદલ શિકાગો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે અમેરિકી પોલીસની પ્રશંસા કરી છે.
અમેરિકામાં હિન્દુ ધાર્મિક સ્થળને નિશાન બનાવવાના આ કથિત ષડયંત્રને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે આ મામલે નજર રાખી રહ્યું હોવાનું જણાવ્યું છે અને અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે સતત સંપર્કમાં હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે.
દૂતાવાસે જણાવ્યું હતું કે, ઇલિનોયના ઓરોરામાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે. આ કથિત આતંકી ષડયંત્રના દરેક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
11 ઓક્ટોબરે મોટા પાયે નરસંહાર કરવાની યોજના હોવાનો આરોપ
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપી પાપોરાકિસે 11 ઓક્ટોબરે મોટા પાયે નરસંહાર કરવાની યોજના બનાવી હોવાનો આરોપ છે. તેના નિશાના પર ઓરોરા વિસ્તારમાં આવેલું કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ ગંભીર ષડયંત્રની માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ તંત્રે પોતાના અધિકારક્ષેત્રમાં આવતા હિન્દુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોનો સંપર્ક કરીને સંભવિત જોખમ અંગે સાવચેત રહેવા જણાવ્યું હતું. સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
કેવી રીતે નિષ્ફળ થયું હુમલાનું ષડયંત્ર?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના એક સહકર્મીને જણાવ્યું હતું કે તે શનિવારે શિકાગોથી આશરે 70 કિલોમીટર દૂર આવેલા ઓરોરાના એક હિન્દુ મંદિરમાં ગયો હતો અને ત્યાં ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે બંદૂકનું ટ્રિગર દબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બંદૂક જામ થઈ ગઈ હતી. આ કારણે કથિત હુમલો નિષ્ફળ રહ્યો હતો.
પોતાને શ્વેત વર્ચસ્વવાદી અને નિયો-નાઝી ગણાવતો આરોપી એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની તેના સહકર્મી પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીના ઘરેથી ઓટોમેટિક રાઇફલ, સેંકડો કારતૂસ અને શરીરનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોડી આર્મર પણ જપ્ત કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ ઘટનાને પગલે અમેરિકામાં હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે સતર્કતા જાળવી રાખી છે.








