જો તમારું કોઈ બેંકિંગ કાર્ય બાકી છે અને સપ્ટેમ્બરના અંતમાં સતત પાંચ દિવસ બેંકો ઠપ રહેવાના ડરથી તમે ચિંતિત છો, તો આ સમાચાર તમારા માટે સૌથી મોટા આશ્વાસન સમાન છે! આગામી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બેંક કર્મચારી યુનિયનો દ્વારા જાહેર કરાયેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. આગામી રવિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) સામાન્ય કામકાજના દિવસની જેમ જ સંપૂર્ણ રીતે ખુલ્લી રહેશે. સરકારના આ પગલાથી આમ જનતાને હડતાળ પૂર્વે પોતાના મહત્વના નાણાકીય વ્યવહારો અને શાખા આધારિત કામકાજ આટોપી લેવાનો વધારાનો સમય મળી ગયો છે.
રવિવારે બેંકો ખુલ્લી રાખવા પાછળનું મુખ્ય કારણ
સપ્ટેમ્બરના અંતમાં ૨૬ સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને ૨૭ સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બે દિવસની નિયમિત સપ્તાહાંત રજાઓ હતી. ત્યારબાદ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા ૩ દિવસની કામ રોકો હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. જો રવિવારે પણ બેંકો બંધ રહી હોત, તો ગ્રાહકો માટે સળંગ પાંચ દિવસ સુધી બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ જાત. ગ્રાહકોની સુવિધા અને દેશના આર્થિક વ્યવહારો સળંગ જાળવી રાખવા માટે નાણાકીય સેવા વિભાગ (DFS) ની પહેલ પર RBI એ રવિવારે તમામ શાખાઓ, પ્રશાસનિક કાર્યાલયો, ATM-લિંક્ડ બ્રાન્ચો અને કરન્સી ચેસ્ટ પૂર્ણ ક્ષમતા સાથે ચાલુ રાખવા માટે વિશેષ મંજૂરી આપી છે.
બેંક કર્મચારીઓની મુખ્ય માગણીઓ શું છે?
બેંકિંગ ક્ષેત્રના આશરે ૯૦ ટકા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન UFBU ના નેતૃત્વ હેઠળ કર્મચારીઓ હડતાળ પર જઈ રહ્યા છે. કર્મચારી યુનિયનોની મુખ્ય માગણીઓમાં ૫-ડે બેંકિંગ, પેન્શન અપડેશન, સમાન મોંઘવારી ભથ્થું (DA), OPS નો વિકલ્પ રજૂ કરવામાં આવ્યું છે.
અઠવાડિયામાં ૫ દિવસ કામકાજ (શનિ-રવિ રજા) ની વ્યવસ્થા ત્વરિત લાગુ કરવી. તમામ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શન રકમમાં સુધારો કરવો. બધા પેન્શનરો માટે એકસમાન ડીએ ફોર્મ્યુલા અમલી બનાવવી. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) પસંદ કરવાનો અધિકાર આપવો.
અર્ધવાર્ષિક ક્લોઝિંગ અને ગ્રાહકો માટે જરૂરી સલાહ
૩૦ સપ્ટેમ્બર એ બેંકિંગ ક્ષેત્ર માટે અર્ધવાર્ષિક ક્લોઝિંગ (Half-Yearly Closing) નો અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે બેંકોમાં એકાઉન્ટ રિકન્સિલિએશન, પ્રોવિઝનિંગ અને ટ્રેઝરી ઓપરેશન્સ જેવા જટિલ કામકાજ થાય છે. હડતાળના કારણે આ કામગીરી ખોરવાઈ ન જાય તે માટે બેંકોએ ગ્રાહકોને રોકડ ઉપાડ અને ચેક ક્લિયરિંગ જેવા કામકાજ ૨૭ સપ્ટેમ્બર (રવિવાર) સુધીમાં જ પતાવી લેવા અપીલ કરી છે. આ ઉપરાંત, હડતાળ દરમિયાન રોકડ કે ફંડ ટ્રાન્સફર માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.








