નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત માટે ચિંતા હજુ યથાવત છે. રાજ્યના 30 લોકો, જેમાં NRI ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, હજુ ગુમ અથવા સંપર્કવિહોણા છે. હવે તેમના પરિવારજનોને સ્વજનોની ઓળખ અંગે ચોક્કસ માહિતી મળી શકે તે માટે ગુજરાત સરકારે 29 ગુમ વ્યક્તિઓના નજીકના સગાંઓના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
નેપાળ-તિબેટ સરહદ અને ભોટે કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર બાદ અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતમાંથી પણ અનેક લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. ગુમ થયેલા લોકોમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટ સહિતના જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારનું Non-Resident Gujaratis Foundation (NRGF), સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા વહીવટીતંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહીને ઓળખ અને શોધ કામગીરીમાં સંકલન કરી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને રાજકોટની છ નિર્ધારિત લેબોરેટરીમાં DNA સેમ્પલિંગ અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. NFSUની 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળમાં ઓળખ પ્રક્રિયામાં સહાય કરી રહી છે.
પૂરમાં મળેલા કેટલાક મૃતદેહો અને માનવ અવશેષોની સ્થિતિ ગંભીર હોવાથી પરંપરાગત ઓળખ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં DNA મેચિંગ ગુજરાતના પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





