દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવર પર એવો વિવાદ ઊભો થયો કે સ્ટાફના વિરોધ વચ્ચે તેના કામકાજને અસર પહોંચી હતી. BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની કામગીરીની જગ્યાથી દૂર રાખવામાં આવ્યા હોવાના આરોપ બાદ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. મામલો હવે પેરિસના અધિકારીઓની તપાસ સુધી પહોંચી ગયો છે.
એફિલ ટાવરના યુનિયન પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે, BAPSનું પ્રતિનિધિમંડળ પસાર થતું હતું ત્યારે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટાવી દેવામાં આવી અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા. આ બાબતે સ્ટાફમાં ભારે નારાજગી ફેલાઈ અને 7 સપ્ટેમ્બરે કર્મચારીઓએ બેઠક તથા વિરોધ કર્યો, જેના કારણે સહલાણીઓ માટે એફિલ ટાવર ચાલુ રાખવામાં મુશ્કેલીઓ પડી હતી.
એફિલ ટાવરનું સંચાલન કરતી SETE (Société d’Exploitation de la Tour Eiffel) એ જણાવ્યું કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથેની “ઇન્ટરેક્શન” મર્યાદિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી અને આવી શરતો સ્વીકારવી ન જોઈએ. કંપનીએ સમગ્ર મામલે તપાસ કરવાની વાત કહી છે.
બીજી તરફ, BAPSએ મહિલા કર્મચારીઓને ઈરાદાપૂર્વક હટાવવાનો દાવો સ્વીકાર્યો નથી. સંસ્થાએ કહ્યું કે પ્રતિનિધિમંડળ મોટું હોવાથી એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને મુલાકાત સામાન્ય સમયની શરૂઆતમાં રાખવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને ઓછું વિક્ષેપ થાય. BAPSએ કોઈને ટાવરમાં પ્રવેશથી રોકવામાં આવ્યા હોવાની વાત પણ નકારી અને ઘટનાથી કોઈને દુઃખ કે અસુવિધા થઈ હોય તો ખેદ વ્યક્ત કર્યો હતો.
પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોયરે કર્મચારીઓની ફરિયાદને ગંભીર ગણાવી અને તાત્કાલિક તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીની અધ્યક્ષા યેલ બ્રોન-પિવેએ પણ મહિલાઓને તેમના લિંગના આધારે પાછળ હટાવવાની કોઈપણ વ્યવસ્થાની ટીકા કરી હતી.
દરમિયાન, કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક બાદ આયફેલ ટાવર ફરી ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, મહિલા સ્ટાફ સાથે ખરેખર શું થયું અને જવાબદારી કોની હતી તે અંગે તપાસ હજુ ચાલુ છે.





