ભારતને એશિયન ગેમ્સ 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ભાલાફેંક એથ્લીટ અને બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા હવે 2026ની બાકીની સમગ્ર સિઝનમાં ભાગ નહીં લે. ટખામાં થયેલા લિગામેન્ટ ટિયર બાદ નીરજે 29 ઓગસ્ટે સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત કરી હતી. આ નિર્ણયના કારણે તેઓ આગામી ડાયમંડ લીગ ફાઇનલ અને એશિયન ગેમ્સ 2026માંથી પણ બહાર થઈ ગયા છે.
નીરજના જણાવ્યા પ્રમાણે, લોઝાન ડાયમંડ લીગ બાદ ટ્રેનિંગ દરમિયાન તેમના ટખામાં લિગામેન્ટમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ડૉક્ટર અને પોતાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે બાકીની સમગ્ર સિઝનમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો. નીરજે આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો હતો, ખાસ કરીને કારણ કે તેમને લાગતું હતું કે તેઓ ફરી પોતાની શ્રેષ્ઠ લય તરફ આગળ વધી રહ્યા હતા. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન યોગ્ય રીતે રિકવરી કરીને વધુ મજબૂત વાપસી કરવા પર રહેશે.
આ ઈજા એવા સમયે થઈ છે જ્યારે નીરજની ફોર્મમાં સુધારો જોવા મળી રહ્યો હતો. 21 ઓગસ્ટે લોઝાન ડાયમંડ લીગમાં તેમણે 88.05 મીટરનો સીઝન-બેસ્ટ થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન સાથે તેઓ ડાયમંડ લીગ ફાઇનલ માટે પણ ક્વોલિફાય થયા હતા. હવે 4 અને 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ જોવા નહીં મળે.
2026ની સિઝનમાં નીરજે લાંબા ઈજા વિરામ બાદ વાપસી કરી હતી. જૂનમાં દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરનો થ્રો કરીને તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 85.83 મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. લોઝાનમાં 88.05 મીટર સુધી પહોંચતા તેમની ફોર્મમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો હતો.
નીરજની ગેરહાજરી ભારત માટે ખાસ કરીને એશિયન ગેમ્સમાં મોટો ફટકો છે. Aichi-Nagoya Asian Games 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 સુધી જાપાનમાં યોજાશે. નીરજની ગેરહાજરીમાં ભારતની ભાલાફેંકની મેડલની આશાઓ પર અસર પડી શકે છે.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલાફેંકનું ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2026ની બાકીની સિઝનમાંથી બહાર થયા બાદ તેમની સામે સૌથી મોટો પડકાર સંપૂર્ણ ફિટનેસ સાથે ટ્રેક પર પરત ફરવાનો રહેશે.


