રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીનું એક નિવેદન માત્ર રાજકીય નહીં, પરંતુ અત્યંત વ્યક્તિગત લાગણીથી ભરેલું હતું. માતા સોનિયા ગાંધીની આવનારી આત્મકથાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પિતાના અવસાન બાદ તેમની માતાએ જે સંઘર્ષ કર્યો છે, તેની સાચી સાક્ષી તેઓ અને પ્રિયંકા જ છે. તેમણે કલ્પના વ્યક્ત કરી કે રાજીવ ગાંધી આજે ઉપરથી પોતાની ‘સુંદર સોનિયા’ને ગર્વથી જોઈ રહ્યા હશે.
સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ અલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત થવાની છે. પુસ્તકમાં સોનિયા ગાંધી પોતાના ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત, લગ્ન બાદ નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો બનવા સુધીની સફર અને જીવનમાં આવેલા મોટા આઘાતોની વાત કરશે.
રાહુલ ગાંધીએ લખ્યું કે તેમણે માતા-પિતાને છેલ્લે 35 વર્ષથી વધુ સમય પહેલાં સાથે જોયા હતા. રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને ગૌરવ સાથે કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમની માતા જેવી અંગત જીવનને મહત્વ આપતી વ્યક્તિ માટે પોતાની જીવનકથા દુનિયા સામે મૂકવી સરળ ન રહી હશે.
આ આત્મકથામાં 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું વડાપ્રધાન બનવું, 1991માં રાજીવ ગાંધીની હત્યા, ત્યારબાદ સોનિયા ગાંધીનું જાહેર જીવનમાં પ્રવેશવું અને 2004માં કોંગ્રેસની આગેવાની હેઠળ ગઠબંધનને જીત મળ્યા બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોનો પણ સમાવેશ થશે.
સોનિયા ગાંધીએ પુસ્તક વિશે કહ્યું છે કે આ માત્ર રાજકીય સફર નહીં, પરંતુ પ્રેમ, વફાદારી, પરિવાર અને છ દાયકામાં તેમણે જોયેલા ભારતના સામાજિક-રાજકીય પરિવર્તનોની વ્યક્તિગત કહાની છે.