સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું, પરંતુ અંતિમ દિવસે પણ ચર્ચા કરતાં વિરોધના નારા વધુ ગુંજ્યા હતા. આજે લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ ગઈ, જ્યારે રાજ્યસભામાં વિરોધ અને નારાબાજી વચ્ચે કાર્યવાહી ચાલી રહી છે. સત્રના અંતિમ તબક્કામાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને લાંબા સમયથી ચાલી રહેલો ગતિરોધ તૂટ્યો નહીં.
સંસદ પરિસરમાં મકર દ્વાર પાસે આજે સત્તાધારી NDA અને INDIA બ્લોકના સાંસદો આમને-સામને જોવા મળ્યા. બંને પક્ષોએ અલગ-અલગ વિરોધ પ્રદર્શન કર્યા અને એકબીજા સામે નારાબાજી કરી હતી. ભાજપના સાંસદોએ ઝારખંડના વિદ્યાર્થી આંદોલનના મુદ્દે રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા અને તેમના પર ચર્ચાથી દૂર ભાગવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, વિપક્ષી સાંસદોએ 20 જુલાઈના વિદ્યાર્થી વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ મકર દ્વાર પાસે વિરોધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતું વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કર્યું હતું. TMC સાંસદ સૌગત રોયે આરોપ લગાવ્યો કે સરકારની જવાબદારી સદન ચલાવવાની છે અને વિરોધ પક્ષનું કામ સરકારને પ્રશ્નો પૂછવાનું છે. તેમનું કહેવું હતું કે વિપક્ષ અમિત શાહનું લાંબું ભાષણ સાંભળવા કરતાં વિદ્યાર્થીઓ સામે કથિત પેલેટ ગનના ઉપયોગ અંગે સ્પષ્ટ જવાબ ઇચ્છે છે.
કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ પણ સરકાર પર સત્ર બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે, ગૃહમંત્રી છેલ્લા દિવસે ચર્ચા માટે તૈયાર હોવાની વાત કરી રહ્યા છે, તો અગાઉના દિવસોમાં સદનમાં કેમ આવ્યા નહીં તે મોટો પ્રશ્ન છે.
આ તરફ સત્તા પક્ષે વિપક્ષ પર જ સદનની કાર્યવાહી અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. આમ, સત્રનો અંત પણ રાજકીય ટકરાવ અને વિરોધ-પ્રતિરોધ વચ્ચે થયો હતો.