Thursday, Jun 18, 2026

સુરતના અડાજણ વિસ્તારની એપોલો ફાર્મસીમાં ભીષણ આગ

2 Min Read

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આજે સવારે મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. અડાજણ ચાર રસ્તા નજીક BAPS હોસ્પિટલ પાસે આવેલી એપોલો ફાર્મસીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસની દુકાનો તેમજ શોરૂમ સુધી પ્રસરી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આગ એપોલો ફાર્મસીમાંથી શરૂ થઈ હતી અને બાદમાં નજીક આવેલા બાઈકના શોરુમ તેમજ રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી. દુકાનોની બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો પણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનામાં 15થી વધુ બાઈક, મોપેડ અને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

આગની જાણ થતાં જ ફાયર વિભાગ તરત જ એક્શનમાં આવ્યો હતો. શહેરના પાંચથી વધુ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગને કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયર વિભાગ દ્વારા સતત કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

Share This Article