પટના સ્થિત તેમના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાન ગ્લોબલ સ્ટડીઝમાં થયેલી તોડફોડ અને કથિત ફાયરિંગના મામલે એફઆઈઆર નોંધાયા બાદ, પ્રખ્યાત શિક્ષક ફૈસલ ખાન (ખાન સર)એ કાનૂની માર્ગ અપનાવ્યો છે. તેઓ પટના સિવિલ કોર્ટ પહોંચ્યા છે.
ફૈસલ ખાન કોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કોઈએ જોયા નહોતા, કારણ કે કોર્ટ પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિવિલ કોર્ટમાં અનુરાગ વર્માની અદાલતમાં ખાન સર આગોતરા જામીન (Anticipatory Bail) માટે અરજી દાખલ કરી શકે છે.
આ પગલું તેમના કોચિંગ સંસ્થાનમાં થયેલી તોડફોડ અને ત્યારબાદ પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર (FIR)ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, આ સમગ્ર વિવાદ મંગળવાર (2 જૂન)ની રાત્રે શરૂ થયો હતો, જ્યારે 15થી 20 લોકોના એક અજાણ્યા જૂથે પટના સ્થિત ખાન સરના કોચિંગ સંસ્થાન ખાન ગ્લોબલ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સંસ્થાના પરિસરમાં ભારે તોડફોડ કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોચિંગ સંસ્થાના બે ગાર્ડ કથિત રીતે હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. આ મામલે કાર્યવાહી કરતાં પટના પોલીસે ગુરુવારે બંને ગાર્ડને કસ્ટડીમાં લીધા હતા.
પટનાના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) કાર્તિકેય શર્માએ શુક્રવારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી કે તોડફોડ અને હિંસાના સંદર્ભમાં શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર) ના નામ પર FIR દાખલ કરવામાં આવી છે. SSP એ સ્પષ્ટતા કરી હતી કે ખાન સરની ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં પૂછપરછ કરશે, જોકે, તેમણે એફઆઈઆરમાં કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તેની વિગતો જાહેર કરી નહોતી.
પ્રતિસ્પર્ધી સંસ્થાઓ પર આરોપ અને કોર્ટમાં આત્મસમર્પણ
આ ઘટનાએ પટનાના કોચિંગ ક્ષેત્રમાં પણ તણાવ પેદા કર્યો છે. ખાન સરે શરૂઆતમાં આરોપ લગાવ્યો હતો કે ફાયરિંગ અને તોડફોડની આ ઘટનામાં તેમના પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાન સાથે જોડાયેલા લોકોનો હાથ છે. બીજી તરફ, પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાના સભ્યોએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી દાવો કર્યો હતો કે ખાન સરે જ પબ્લિસિટી અથવા અન્ય કોઈ કારણસર આ સમગ્ર ઘટનાને પ્રાયોજિત કરાવી હતી. આ આરોપો બાદ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો અને હવે તે કાનૂની પ્રક્રિયામાં આગળ વધી રહ્યો છે.