ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં જાણીતી બ્લિસ જીવીએસ ફાર્મા (Bliss GVS Pharma Ltd) કંપનીનો 74.2 ટકા હિસ્સો ખરીદીને સુરતની અગ્રણી અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ ( Anupam Rasayan India Ltd) એ ફોર્મ્યુલેશન વ્યવસાયમાં પગલું માંડીને વૈશ્વિક ફાર્મા વેલ્યુ ચેઈનમાં મજબૂત બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આફ્રિકા-લેટિન અમેરિકામાં નિયમિત અને અર્ધ-નિયમિત બજારોમાં મજબૂત સ્થાન ધરાવતી ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની તરીકે જાણીતી બ્લિસ GVS ફાર્મા કંપનીની સ્થાપના 1984 માં થઈ હતી. ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ક્ષેત્રે બ્લિસ જીવીએસ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના બજારોમાં કંપનીની સારી પકડ છે. કંપની સપોઝિટરી અને પેસરીઝ સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને US FDA, WHO-GMP અને EU-GMP જેવી આંતરરાષ્ટ્રીય મંજૂરી પ્રાપ્ત છે.
આફ્રિકા તથા લેટિન અમેરિકામાં ટોચનું સ્થાન ભોગવતી બ્લિસ જીવીએસ ફાર્મા કંપની સાથેના 1369 કરોડના સોદા સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ કંપની હવે સ્પેશિયાલિટી કેમિકલ્સ સાથે ફિનિશ્ડ ડોઝેજ ફોર્મ્યુલેશન બિઝનેસમાં આગળ વધશે. કંપનીએ કરેલી જાહેરાત મુજબ પ્રથમ તબક્કામાં બ્લિસ GVS ફાર્માના 299 રૂપિયાના ભાવે શેર ખરીદી 43.3 ટકા ઇક્વિટી હિસ્સેદારી કરશે. એ માટે અનુપમ રસાયણ કંપની 1369 કરોડ રૂપિયાનું રોકાણ કરીને હિસ્સો લેશે. સેબી નિયમો મુજબ જાહેર શેરહોલ્ડરો પાસેથી વધારાના 26 ટકા હિસ્સા માટે પણ ઓપન ઓફર લાવવામાં આવશે.
અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડની લાંબા ગાળાની ઇન્ટિગ્રેટેડ લાઇફ સાયન્સ અને સ્પેશિયાલિટી ફાર્મા પ્લેટફોર્મ બનાવવાની વ્યૂહરચનાનો ભાગરૂપે આ સોદો કરવામાં આવ્યો છે. કંપનીના વિઝન મુજબ બ્લિસ સાથેના સોદાથી કંપનીની હાજરી કી સ્ટાર્ટિંગ મટીરિયલ્સથી લઈને ફિનિશ્ડ ડોઝેજ ફોર્મ્યુલેશન સુધી સમગ્ર ફાર્મા વેલ્યુ ચેઇનમાં અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડનો પ્રભાવ વધશે.
અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈના જણાવ્યા પ્રમાણે આ સોદાથી વધુ વ્યાપક અને ઇન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી થશે. સાથે જ બેકવર્ડ ઇન્ટિગ્રેશન મજબૂત બનશે અને વૈશ્વિક ગ્રાહકો સાથે કંપનીની પહોંચ વધશે. આ સોદા સાથે જ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના યુરોપ અને અમેરિકામાં વિસ્તરણની વધુ સારી તક ઊભી થશે. આ સોદાથી બંને કંપનીઓના સંયોજનથી પ્રોડક્ટ ઓફરિંગમાં વધારો, રેગ્યુલેટેડ માર્કેટમાં વધુ મજબૂત હાજરી અને નવીનતાને ગતિ મળશે, તેને પગલે યુરોપ અને અમેરિકા જેવા બજારોમાં કંપનીના બિઝનેસના વિકાસ માટે આ સોદો મહત્વપૂર્ણ સાબિત થશે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ સોદા માટેના નાણાં 300 કરોડની ટર્મ લોન લેવામાં આવશે, જ્યારે બાકીના નાણાં નોન કંટ્રોલિંગ નોન વોટીંગ ઈક્વિટી ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઊભા કરાશે.