Wednesday, Jun 17, 2026

પીએમ મોદીને ઝાલમુરી ખવડાવનાર વિક્રમને પાકિસ્તાન-બાંગ્લાદેશથી ધમકી, ‘જાનથી મારી નાખીશું’

2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન ઝારગ્રામમાં ઝાલમુરી ખાધી હતી. હવે તે દુકાનદારને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 એપ્રિલે ઝાલમુરી ખાધી હતી. ત્યારબાદ બિહારના રહેવાસી વિક્રમ સાવ ચર્ચામાં આવ્યા હતા. બંગાળમાં TMC સરકાર જતાં અને ભાજપ સત્તામાં આવ્યાં બાદ હવે વિક્રમને ફોન કોલ દ્વારા ધમકીઓ મળી છે. તેમાં તેમને જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી છે.

આખા દેશમાં છવાઈ ગયા હતા વિક્રમ
ઝારગ્રામમાં પીએમ મોદીએ ઝાલમુરી ખાધા બાદ આ ચટપટી ડિશ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. સાથે જ ઝારગ્રામમાં ઝાલમુરી વેચતા વિક્રમ દેશ-વિદેશમાં ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે ભાજપને બંગાળમાં જીત મળી હતી, ત્યારબાદ અનેક જગ્યાએ ઉજવણી દરમિયાન ઝાલમુરી ખવાઈ હતી. ભાજપે પ્રથમ વખત બંગાળમાં સરકાર બનાવી છે. ઝાલમુરી વેચનારને ધમકી મળ્યાના ખુલાસા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે વિક્રમ પાસેથી માહિતી મેળવી તપાસ શરૂ કરી છે. વિક્રમ મૂળ બિહારના ગયા જિલ્લાના રહેવાસી છે.

આ દરમિયાન પીએમ મોદીએ કરી હતી વાતચીત
પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે વિક્રમ સાવની દુકાન પર ઝાલમુરી ખાધી હતી ત્યારે તેમણે દુકાનદારને 10 રૂપિયા પણ આપ્યા હતા. પીએમ મોદીની નાની વાતચીત ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. ત્યારબાદ તેના પર અનેક મીમ્સ અને રીલ્સ પણ બન્યા હતા, પરંતુ પીએમ મોદીની સ્ટાઇલ ચર્ચાનો વિષય બની રહી હતી. આ દરમિયાન ઝાલમુરી અને વિક્રમ સાવની ખૂબ ચર્ચા થઈ હતી. વિક્રમ સાવે પૂછ્યું હતું કે “ડુંગળી નાખું? તમે ખાઓ છો?” ત્યારે પીએમએ જવાબ આપ્યો હતો કે “હા જી, હું દિમાગ નથી ખાતો.” પીએમ મોદી પાસેથી 10 રૂપિયાની નોટ મેળવનાર વિક્રમે ત્યારે કહ્યું હતું કે “આ નોટ હું સાચવીને રાખીશ.”

Share This Article