HomeNagar Charyaભાજપે પહેલેથી જ કોંગ્રેસ, ‘આપ’ને મરણપથારીએ પહોંચાડી દીધા હતા, હવે લડવાવાળુ કોઈ...

ભાજપે પહેલેથી જ કોંગ્રેસ, ‘આપ’ને મરણપથારીએ પહોંચાડી દીધા હતા, હવે લડવાવાળુ કોઈ બાકી રહ્યું નથી

Date:

Related stories

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત...

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા...

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...
spot_img
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ દિવસે જ ‘કોંગ્રેસમુક્ત ભારત’નો નારો આપી દીધો હતો અને લોકોની નજર સામે કોંગ્રેસ સાફ થઈ ગઈ
  • સ્થાનિક સ્વરાજ્યની મેગા ચૂંટણી છતાં કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નહીં અને જે મળ્યા એમાંથી ઘણા બેસી ગયા, ઘણાએ ઉમેદવારી નોંધાવીને ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં!
  • જાહેરમાં માતાના દૂધના સોંગદખાનારા ‘આપ’ના અનેક ઊભરતા નેતાઓ ભાજપમાં આવી ગયા હતા, છેલ્લે ખમતીધર અને ઝનૂની ગણાતા ખેડૂત નેતા રાજુ કપરાડાએ પણ ભાજપનો કેસરિયો પહેરી લેતા ‘આપ’માં શૂન્યાવકાશ સર્જાયો હતો
  • પાટીદાર આંદોલનના બીજા સ્વરૂપમાં ગુજરાતમાં ઊભરી રહેલી ‘આમ આદમી પાર્ટી’ની ઘણા સમય પહેલાં ભાજપે આયોજનબદ્ધ હવા કાઢી નાંખી હતી
  • વીતેલા વર્ષોમાં સી.આર. પાટીલે ‘આપ’ના ઘણા યુવા ચહેરાઓના ગળામાં ભાજપની કંઠી બાંધીને ‘આપ’ની છાવણી ખાલી કરવાનું કામ કર્યું હતું, હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ‘આપ’ના બહુ બોલકા નેતાઓ સાથે બાથ ભીડીને બાકીનું કામ પૂરું કરી દેશે; હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રાજુ કરપડા જેવા ઘણા ચહેરા ‘આપ’ છોડીને ભાજપમાં આવી ગયા; હવે જાહેરમંચ ઉપરથી પડકાર ફેંકી શકે એવું ‘આપ’ પાસે કોઈ રહ્યું નથી

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની એટલે કે મહાપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છેક છેવાડાના ગામડાંઓને સ્પર્શતી હોવા છતાં રાજકીય ગરમાટો આવતો નથી. મહાનગરો અને નગરપાલિકાઓમાં ચૂંટણી હોય એવા માહોલનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોઈક અકળ કારણોસર રાજકીય પક્ષોના ટોચના ચહેરાઓ ચૂંટણીપ્રચારથી અલિપ્‍ત છે અથવા તો દૂર ભાગી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો સ્થાનિક ચૂંટણીઓનું મહત્ત્વ વધી જાય છે. હજારો ઉમેદવારો જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય ત્યારે સ્વાભાવિક રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી રાજકીય અસરો પહોંચવાની જ; પરંતુ આ વખતની ચૂંટણીમાં આમાનું કંઈ જ નથી. જાણે લોકોને ચૂંટણીમાં રસ નથી.

આમ થવા પાછળ એટલું ચોક્કસ માની શકાય કે વર્ષો સુધી શાસન કરનાર રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસનું ગુજરાતનું નેતૃત્વ લગભગ મરી પરવાર્યું છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે, જે કોંગ્રેસની વિચારધારાને માને છે અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે કે ન જીતે તોપણ કોંગ્રેસને મત આપતા આવ્યા છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસની નેતાગીરી પરવારી ચૂકી છે. જાણે કોંગ્રેસની આખી જમાતને ઊધઈનો ભરડો લાગી ગયો છે. આમ થવા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ ખુદ કોંગ્રેસનું નેતૃત્વ જવાબદાર છે. બદલાતી પેઢી, બદલાતા સંજોગો અને લોકોની બદલાતી માનસિકતાની કોંગ્રેસ નેતાગીરીએ ક્યારેય પણ પરવા કરી નહોતી. ફળશ્રુતિરૂપે કોંગ્રેસ હવે ખોખલી થઈ ચૂકી હોવાથી લોકોની નજરમાંથી કોંગ્રેસનો ચહેરો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે. કદાચ એવું પણ બને કે આવનારી પેઢી કોંગ્રેસને ઓળખતી પણ નહીં હોય. કદાચ ઇતિહાસમાં ભણાવાતું હશે કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો.

દૂર જવાની જરૂર નથી. આ વખતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તરીકે ઊભા રાખવા ચહેરા પણ મળતા નહોતા અને એટલે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકાય નહોતી. આનાથી પણ આગળ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પણ પાણીમાં બેસી ગયા હતા. ઘણા લોકોએ તો ઉમેદવારી કર્યા પછી ફોર્મ પરત ખેંચી લીધાં હતાં! બલ્કે કોંગ્રેસ કરતા ‘આપ’વાળા વધુ મજબૂત નીકળ્યા હતા. પરંતુ આ વખતે ‘આપ’વાળા માટે ‘ખાટલે મોટી ખોડ’ છે કે આપ પાસે એક પણ મજબૂત નેતા રહ્યો નથી. ચૂંટણી પૂર્વે જ સુરતમાં મજબૂત ગણાતા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા જેવા યુવા અને ખમતીધર નેતાઓએ ‘આપ’ને રામ-રામ કરીને ભાજપની કંઠી પહેરી લીધી હોવાથી ભાજપના પ્રચાર સામે જડબાતોડ જવાબ આપી શકે એવો એક પણ નેતા ‘આપ’ પાસે બચ્યો નથી. સુરત મનપાની ગત ચૂંટણીમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા હતા, પરંતુ આમાથી દસે ભાજપની વાટ પકડી લીધી હતી.

ગત ચૂંટણી વખતે સી.આર. પાટીલ ભાજપના પ્રદેશપ્રમુખ હતા અને તેમણે આમ આદમી પાર્ટીની કમ્મર તોડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. આ વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી સાથે સીધી જ બાથ ભીડી છે અને જેવા સાથે તેવો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને ‘આપ’ પ્રભાવિત વિસ્તારોમાં ભાજપનો પ્રભાવક પ્રચાર કરી રહ્યા છે. હર્ષ સંઘવી યુવાન છે. ચૂંટણી જંગ જીતવાનું ઝનૂન પણ છે. વળી ભાજપે પણ હર્ષ સંઘવીને ચૂંટણીના મેદાનમાં ઉતારીને ‘આપ’ને પરાસ્ત કરવાનું બીડું સોંપ્યું છે.સામે પક્ષે ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મેદાનમાં છે. ગોપાલ ઈટાલિયા ભૂતપૂર્વ પોલીસમેન તેમજ સરકારી ક્લાર્ક તરીકેનો અનુભવ ધરાવે છે અને હવે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. મતલબ કાયદાના અને સરકારની રાજરમતના માહિતગાર છે. પરંતુ પાર્ટીના નેતૃત્વના સબળ પીઠબળના અભાવે ગોપાલ ઈટાલિયા ચૂંટણીનો આખો ભાર પોતાના ખભે લઈને ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

ગોપાલ ઈટાલિયાની ભાષા વાગી પડે એવી છે. પોતે કાયદાનો જાણકાર છે એટલે મર્યાદા નહીં ઓળંગે. પરંતુ ખાસ કરીને હર્ષ સંઘવી માટે કરવામાં આવતા શબ્દપ્રયોગ એક રાજનેતાને છાજે એવા નથી. ભૂતકાળમાં હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા જ્યારે પાટીદાર અનામત આંદોલન ‘પાસ’ના લડાયક ચહેરા હતા ત્યારે વાતવાતમાં ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાની ધમકીઓ આપતા ફરતા હતા. પરંતુ રાજકીય લડાઈને જનેતાના છઠ્ઠીના ધાવણને શું લેવા-દેવા છે? અને તેમ છતાં આ બહુ બોલકા યુવા નેતાઓ વાતવાતમાં ‘છઠ્ઠીના ધાવણ’ની વાત કરીને પડકાર ફેંકતા હતા અને લોકો પણ તળપદી ભાષાના પ્રયોગથી અંજાઈને આ યુવા નેતાઓની પાછળ દોટ મૂકતા હતા. પરંતુ પરિણામ શું આવ્યું કહેવાની જરૂર નથી.

ભાજપ અને કોંગ્રેસ નેતાગીરીને પેટ ભરીને ગાળો ભાંડનારા આ એના એ જ લોકો કોંગ્રેસ અને ભાજપમાં ભરાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને હવે પક્ષપલટો કરીને ભાજપની છાવણીમાં ભરાઈ ગયો છે. હાર્દિક જેવા ઘણા યુવા ચહેરાઓ પાટીદાર અનામત આંદોલનને કારણે પેદા થયા હતા. પરંતુ આ યુવા ચહેરાઓને એ ખબર નહોતી કે તેમના ઝનૂનને કોણ વાપરી રહ્યું છે!

પાટીદાર અનામતનો પ્રશ્ન હતો જ કારણ કે, સામાન્ય વર્ગમાં આવતા પાટીદાર સમાજના સંતાનોને પૂરતા પ્રમાણમાં ટકાવારી હોવા છતાં મેડિકલ, ઈજનેરી કોલેજોમાં એડમિશન મળતા નહોતા. આ જ કારણોસર પાટીદાર યુવાનોને ‘અનામત’ના ચશ્માં પહેરાવી દેવાયાં હતાં. પરંતુ હકીકતમાં ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓ એક કાંકરે બે પક્ષી મારવા માંગતા હતા. ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓના મનમાં મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હતી અને તેઓ યેનકેન પ્રકારે આનંદીબેન પટેલને ઉથલાવવા માંગતા હતા. આ કામ પાટીદાર અનામત આંદોલનની આડમાં પાર પાડવામાં સફળતા મળી હતી અને આનંદીબેન શાસનનો ‘કસમયે’ અંત આવ્યો હતો.

ખેર, ભાજપની આંતરિક લડાઈની પરાકાષ્‍ઠાની ઘણી બધી વાર્તાઓ છે. પરંતુ પાટીદાર આંદોલનને કારણે હાર્દિક, અલ્પેશ, ધાર્મિક જેવા ઘણા ચહેરાઓ સાંપ્રત રાજકારણમાં આવી ગયા હતા અને મંત્રી બનવાની ઇચ્છાઓ પ્રબળ બની હતી. સૌપ્રથમ હાર્દિક પટેલે કોંગ્રેસની કંઠી બાંધી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રચારકોમાં સ્થાન મેળવી લીધું હતું! ખરેખર હાર્દિકમાં કેટલું ‘હીર’ છે એ પરખવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી હતી. કેન્દ્રીય નેતાગીરી કાગળના વાઘને અસલી વાઘ માની બેઠી હતી અને કનૈયાની હરોળનો નેતા બનાવી દીધો હતો. પરંતુ પોતાનું ‘હીર’ પુરવાર કરવામાં અલ્પજીવી નીવડેલો હાર્દિક ઉઘાડો પડી ગયો હતો. આ તરફ ‘રાજદ્રોહ’ સહિતના ગુનાઓનો સામનો કરી રહેલા હાર્દિકે ચુપચાપ ભાજપમાં જોડાવું વધુ મુના‌િસબ માન્યું હતું. આમ કરવાથી હાર્દિક ગુનાઓમાંથી દોષમુક્ત થઈ જવા સાથે શાસક પક્ષનો ધારાસભ્ય બની ગયો હતો. ભાજપની છાવણીમાં હાર્દિકનું હાલમાં કેટલું વર્ચસ્વ છે એ કહેવાની જરૂર નથી. પરંતુ ભાજપની છત્રછાયામાં નિરાંતના દિવસો પસાર કરી રહ્યો છે. મંત્રીપદુ મળે કે ન મળે, પરંતુ ભાજપનું ધારાસભ્યપદ મળવાથી સંતોષ માનવા સિવાય હાર્દિક માટે કોઈ કિનારો કે વિકલ્પ નથી.

ખેર, મૂળ વાત ઉપર આવીએ તો હાર્દિક પટેલ પછી પણ અનેક જાણીતા ચહેરાઓએ કોંગ્રેસ અને ‘આપ’નો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસને ધુરંધર અને ટોચના નેતા અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, ઈન્દ્રજીત ઠાકોર, કુંવરજી બાવળિયા, ડૉ.વિપુલ પટેલ, સી.જે. ચાવડા જેવા પક્ષના સર્વોપ‌િર નેતાઓએ રામ-રામ કરી ભાજપનો ભગવો પહેરી લીધો હતો. આમ કરવા પાછળ ઘસાતી જતી કોંગ્રેસ અને સત્તામાં રહેવાની લાલસાએ પક્ષાંતર કરવા મજબૂર કર્યા હતા. મતલબ રાજકીય પક્ષના મૂલ્યની અહીંયા કોઈ જ કિંમત નહોતી.

સામે પક્ષે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવાની ભાજપની યોજના લગભગ સફળ પુરવાર થતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસે તેમણે ‘કોંગ્રેસમુક્ત’ ભારતનો નારો આપ્યો હતો અને કોંગ્રેસને કોઈપણ ભોગે નૈતિક કે અનૈતિક રીતે પણ નેસ્તનાબૂદ કરવાનું મિશન હાથમાં લીધું હતું અને સફળતા મળી હતી.ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ભાજપને કોંગ્રેસનો કોઈ જ ભય નથી. કારણ, કોંગ્રેસની નેતાગીરી જ નહીં, પરંતુ કોંગ્રેસને કમિટેડ ગણાતા મતદારોની વિચારધારા બદલવામાં ભાજપને ધારી સફળતા મળી છે. સાથે એક રાજકીય પક્ષ તરીકે કોઈ હરીફ પેદા થતો રોકવો એ પણ એટલું જ મહત્ત્વનું હોવાથી આ વખતની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’નો સફાયો બોલાવવાનું ભાજપનું લક્ષ છે. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના બહુ બોલકા ગણાતા અને લોકોના પ્રશ્નો લઈને ચાલતા યુવા ચહેરાઓને ભાજપે પહેલા પોતાના પક્ષમાં કરી લેવાની વ્યૂહરચના સફળતાપૂર્વક પાર પાડી છે.

સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પક્ષમાં લઈ લીધા બાદ બોટાદની ખેતીવાડી માર્કેટના ‘કડદાકાંડ’માં ખેડૂતોનું જબરજસ્ત નેતૃત્વ કરનાર રાજુ કપરાડાને યેનકેન પ્રકારે ભાજપમાં સમાવી લેવા ઉપરાંત તાલુકા પંચાયતમાં ટિકિટ આપીને ભાજપે સૌરાષ્ટ્રમાં ઊભા થઈ રહેલા ‘આમ આદમી પાર્ટી’ના નેતૃત્વને શરૂઆતના તબક્કામાં જ ડામી દીધું હતું. વળી, રાજુ કપરાડાની ધરપકડ અને જેલવાસ દરમિયાન ‘આપ’ના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અસરકારક પુરવાર થયા નહોતા. આમ પણ ઈસુદાન ગઢવી પત્રકાર મટીને રાજકારણી બન્યા હોવાથી એક રીઢા રાજકારણી જેવી તેમની પાસે અપેક્ષા રાખી શકાય નહીં. એક પત્રકાર તરીકે રાજનેતાઓને સવાલ પુછનારને રાજનેતાની ખુરશીમાં બેસાડી દેવામાં આવે તો સ્વાભાવિક અપે‌િક્ષત પરિણામ મળી શકે નહીં.‘આપ’ની વર્તમાન હાલત જોવામાં આવે તો એકમાત્ર ગોપાલ ઈટાલિયા બોલકા નેતા ગણી શકાય. બીજા ચૈતર વસાવા છે, પરંતુ તેઓ માત્ર આ‌િદવાસીપટ્ટીમાં પ્રભાવ ઊભો કરી શકે. હમણાં થોડા દિવસ પહેલા જ ગોપાલ ઈટાલિયાએ માતાના ધાવણની વાત કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે પડકાર ફેંક્યો હતો અને તાકાત હોય તો ધરપકડ કરવાની વાત કરી હતી. સામે પક્ષે હર્ષ સંઘવીએ પણ પહેલા રીઢા ગુનેગારોને સાફ કર્યા. હવે રીઢા નેતાઓને સાફ કરવાની વાત કરીને વળતો પડકાર ફેંક્યો હતો.સરેરાશ જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં તક હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુમાવવાનું જ રહેશે. કારણ, બંને પક્ષોમાં મૂલ્યોનું ધોવાણ થવા સાથે કાયદાકીય સામનો કરવાનો ભય હોવાથી હજુ ઘણા નેતાઓ કોંગ્રેસ અને ‘આપ’ છોડીને ભાજપમાં જોડાઈ જશે અથવા રાજકારણનો રસ્તો ભૂલી જશે. કારણ, આ વખતે ચૂંટણી પહેલા જ ભાજપના સંખ્યાબંધ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ઘટનાઓ પુરવાર કરે છે કે, ભાજપની વ્યૂહરચના જ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને વિજય અપાવશે. પછી જીત પાછળના ગણિત ભલે ગમે તે હોય. ચૂંટણીના રાજકારણમાં જીત હાંસલ કરવી એજ સર્વોપરિ મુદ્દો છે.

Subscribe

Latest stories

spot_img