બીસીએ કાલાહારી મહિલા ટી20માં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. આ મેચમાં એક ટીમ માત્ર 13 રનમાં આઉટ થઈ ગઈ. જેનું કારણ એક 21 વર્ષની બોલર બની હતી. આ બોલરે મેચમાં કુલ 9 બેટરને આઉટ કર્યા અને ક્રિકેટની દુનિયામાં એક એવું કામ કરી બતાવ્યું, જે આ પહેલા કોઈ કરી શક્યું નહોતું. આ બોલરે મેચ દરમિયાન પાંચ બોલ પર સતત પાંચ વિકેટ લીધી, આવું ક્રિકેટમાં ખૂબ જ ઓછું જોવા મળે છે.
બીસીએ કાલાહારી મહિલા ટી20 ટૂર્નામેન્ટની 14મી મેચમાં બ્રાઝિલ અને લેસોથોની ટીમો સામસામે રમી રહી હતી. આ મેચમાં બ્રાઝિલની ફાસ્ટ બોલર લૌરા કાર્ડોસોએ T20I ક્રિકેટમાં અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે એક જ ઇનિંગમાં 9 વિકેટ લીધી, જે પુરુષ અને મહિલા બંને T20I ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યું છે. આ પહેલા પુરુષ T20Iમાં ભૂટાનના સોમન યેશે 8 વિકેટ લીધી હતી. જ્યારે મહિલા T20Iમાં ઇન્ડોનેશિયાની રોહમાલિયાના નામે 7 વિકેટનો રેકોર્ડ હતો. લૌરાએ આ બંનેને પાછળ છોડી દીધા છે.

મેચમાં બ્રાઝિલે પહેલા બેટિંગ કરતા 202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લેસોથોની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી અને માત્ર 13 રનમાં સંકેલાઈ ગઈ. આખી ઇનિંગ માત્ર 6.2 ઓવરમાં પૂરી થઈ ગઈ. આ દરમિયાન લૌરા કાર્ડોસોની ઘાતક બોલિંગ જોવા મળી. તેણે પોતાની ઓવરના છેલ્લા 3 બોલમાં વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી અને પોતાની બીજી ઓવરની પહેલી બે બોલમાં વિકેટ લઈને સતત પાંચ બોલમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે પોતાની બીજી ઓવરમાં કુલ 4 વિકેટ ઝડપી. ત્રીજી ઓવરમાં વધુ બે વિકેટ લઈને તેણે નવ વિકેટ પૂરી કરી. જેના કારણે તે બ્રાઝિલે આ મેચમાં 189 રને જીત નોંધાવી.
આ પ્રદર્શન બ્રાઝિલ મહિલા ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. લૌરાએ આ પહેલા પણ 2021માં 16 વર્ષની ઉંમરમાં બ્રાઝિલ માટે T20Iમાં હેટ્રિક લેનાર પહેલી ખેલાડી બની ચૂકી છે. હવે એક ઇનિંગમાં 9 વિકેટ લઈને તેણે વર્લ્ડ ક્રિકેટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટમાં તમામ એસોસિએટ ટીમો છે.