લોરેન્સ બિશ્નોઈ ગેંગ અત્યારસુધી ઘણી જાણીતી ફિલ્મી સેલિબ્રિટીને ધમકી આપી ચૂકી છે. આ ગેંગે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું તો એન્કાઉન્ટર જ કરાવી નાખ્યું હતું. ત્યારે હવે વધુ એક સિંગર પર આ ગેંગની નજર પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે જાણીતા ગાયક બી પ્રાકને ધમકી આપી છે.
સિંગર દિલનૂરને આવ્યો ધમકીભર્યો વોઈસ મેસેજ
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સિંગર બી પ્રાક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જો આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક મેંમ્બરે બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને કહ્યું હતું કે, “10 કરોડ રૂપિયા આપ, નહીંતર માટીમાં ભેળવી દઈશું.” ધમકી આપનારે પોતાની ઓળખ આરજુ બિશ્નોઈ તરીકે આપી હતી અને એક અઠવાડિયાની અંદર આ રકમ ચૂકવવા કહ્યું હતું.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીને લઈને મોહાલી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંજાબી સિંગર દિલનૂરે SSP મોહાલી પાસે ફરિયાદમાં લખાવ્યું છે કે, “કોલ કરવા વાળાએ પોતાને આરજુ બિશ્નોઈ ગણાવીને કહ્યું કે, તારા મિત્ર, બોલીવૂડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહીં દે કે તે 10 કરોડ રૂપિયાની ખંડણઈ આપી દે, નહીંતર એક અઠવાડિયામાં તેનું ખરાબ પરિણામ આવશે.”
મળતી માહિતી મુજબ, 5 જાન્યુઆરીના રોજ એક ફોરેન નંબરથી દિલનૂરને બે મિસ્ડ કોલ આવ્યા હતા. જેનો દિલનૂરે કોઈ જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીએ બીજા ફોરેન નંબરથી કોલ આવ્યો હતો. જેને રિસિવ કરતા દિલનૂરને સામેવાળી વ્યક્તિની વાતચીત શંકાસ્પદ લાગી હતી. જેથી તેણે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તરત તેને એક વોઈસ મેસેજ આવ્યો હતો. જેમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી હતી.