એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે.
વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ અને ડિમોલિશન કચરાનું વૈજ્ઞાનિક રીતે એકત્રીકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવા માટે કાર્યરત કરાયેલા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે. આ પ્રોજેક્ટ શહેરની સાફસફાઈ સાથે પર્યાવરણનું રક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા પણ યોગદાન આપી રહ્યો છે.
બાંધકામના કચરાનું 100 ટકા રિસાયક્લિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ CO₂ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટાડે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. જેથી કુદરતી સંસાધનો (જેમ કે પથ્થર અને રેતી) ના ખનન પરનું ભારણ ઘટ્યું છે.
સ્વચ્છ સર્વેક્ષણ-2025માં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુણ મેળવી સુરતે દેશમા ફરી એકવાર સ્વચ્છતામાં આગવી ઓળખ ઉભી કરી છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ દૃઢ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કચરાને વૈજ્ઞાનિક રીતે રિસાઈકલ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના ઘન કચરામાંથી બેસ્ટ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
સુરતના કોસાડ ખાતે 300 મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ જનભાગીદારી (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજિત 80 મેટ્રિક ટન ડિમોલીશન વેસ્ટ રિસાયકલ થાય છે. આમ C&D વેસ્ટથી પેવર બ્લોક્સ, વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે.
ક્લિન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં, પણ વેલ્થ બની રહ્યો છે. સુરત મનપા દ્વારા ક્લિન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવી છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો ઘરબેઠાં જ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. સુરત મનપાએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા પ્લાન્ટમાં નિકળતી રિસાયકલ સામગ્રીને સરકારી ટેન્ડરોમાં પણ 20 ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી રિસાયકલ થયેલી ચીજવસ્તુઓના માર્કેટને વેગ મળશે અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે.
સુરત મનપા દ્વારા અમલી ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન શહેરના હવા પ્રદૂષણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્માર્ટ મોનિટરિંગને કારણે નાગરિકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બાંધકામ સ્થળોએ પતરા, શેડ્સ, ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ અને ગ્રીન નેટનો ફરજિયાત ઉપયોગ આ બધું મળીને સુરતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવાસિત બનાવે છે.
કોસાડ સ્થિત પ્લાન્ટ વર્ષ 2018થી કાર્યરત થયો ત્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્શન સિસ્ટમ મજબૂત બનાવતા ક્રમશ: બાંધકામ અને ડિમોલીશનના ઘનકચરાનું કલેક્શન વધ્યું છે, જેમાં વર્ષ 2018-19માં 65,746 મેટ્રિક ટન વેસ્ટ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 37457 મેટ્રિક ટન, વર્ષ 2020-21માં 10614 મેટ્રિક ટન, વર્ષ 2021-22માં 23315 મેટ્રિક ટન, વર્ષ 2022-23 માં 41451 મેટ્રિક ટન, 2023-24 માં 49381 મેટ્રિક ટન અને 2024-25 માં 58106 મેટ્રિક ટન બાંધકામ-ડિમોલીશન વેસ્ટ કલેક્શન કરીને ડમ્પિંગ સાઈટ પર જવાને બદલે રિસાયક્લિંગ કરવામાં આવે છે.
આ પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડા વગેરે એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી ફરી ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં Crushed Aggregates, રિસાયકલ કરેલી રેતી, પેવર બ્લૉક અને કોંક્રીટ ઇંટો જેવી ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવામાં આવે છે.