Wednesday, Jan 28, 2026

અજિત પવાર સાથે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી પિંકી માળી કોણ હતી? જાણો સંપૂર્ણ વિગત

2 Min Read

મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બારામતી નજીક પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCPપી)ના પ્રમુખ અજિત પવારનું નિધન થયું છે. અજિત પવારની સાથે પ્લેનમાં સવાર કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. અજિત પવારના પર્સનલ વિમાન ક્રેશ થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. પ્લેનમાં માર્યા જનારા લોકોમાં અજિત પવાર સહિત વિદીપ જાધવ, પિંકી માળીનો સમાવેશ થાય છે. જોકે, પિંકી માળી કોણ એ અંગે પણ લોકોમાં કૌતુક જાગ્યું છે ત્યારે એ કોણ છે એની વાત કરીએ.

વિમાન સવારે મુંબઈથી બારામતી માટે રવાના થયું હતું. બારામતી ખાતે વિમાન 8.50 વાગ્યાના સુમારે ઉતરાણ કરવાનું હતું, પરંતુ એના પહેલા અકસ્માત થયો હતો. અજિત પવારના પર્સનલ વિમાન VT-SSK દુર્ઘટનાગ્રસ્ત થયું. ડીજીસીએ જણાવ્યું કે વિમાનમાં પાંચ લોકો સવાર હતા. ડેપ્યુટી સીએમ સહિત બે સહયોગી અને બે ક્રૂ મેમ્બર્સ. અકસ્માતમાં માર્યા જનારાની ઓળખ નાયબ મુખ્ય પ્રધાન અજિત (દાદા) પવાર, મુંબઈ પીએસઓ (પર્સનલ સિક્યોરિટી ઓફિસર) વિદીપ જાધવ, પાઈલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સંભવી પાઠક અને પિંકી માળી હતી, જે ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કાર્યરત હતી. પિંકી શિવકુમાર માળી (29) મુંબઈ પ્રભાદેવીની રહેવાસી છે. તે છેલ્લા પાંચ વર્ષથી ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી અને અગાઉ અજિત પવાર સાથે ત્રણ વખત પણ ટ્રાવેલ કર્યું હતું.

વિમાનના અકસ્માત અંગે ગ્રામવાસીઓએ કહ્યું હતું કે એરપોર્ટ પર લેન્ડ કર્યા પહેલા અચાનક પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી સમગ્ર વિસ્તારમાં પ્લેનનો કાટમાળ બળેલી હાલતમાં જોવા મળ્યો હતો. પ્લેન ક્રેશ પછી પાંચેક વિસ્ફોટ થયા હતા, જેમાં પાઈલટે પ્લેનને ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. રનવેથી લગભગ 100 ફૂટ નજીકથી ક્રેશ થયું હતું.

એવિયેશન સૂત્રોના જણાવ્યાનુસાર વિમાન પહેલી વખત રનવે પર ઉતરાણની કોશિશ કરી હતી, પરંતુ ફર્સ્ટ એપ્રોચ નિષ્ફળ રહ્યો હતો. સુરક્ષિત લેન્ડિંગ નહીં કરવાને કારણે પાઈલટે ગોરાઉન્ડ (ફરી વિમાનને હવામાં લઈ ગયો હતો)નો નિર્ણય લીધો હતો, પણ નિષ્ફળ રહ્યો હતો. આ અકસ્માત માટે ટેક્નિકલ કારણ યા માનવીય ભૂલ અંગે તપાસ કરવામાં આવશે. વિમાન લગભગ 16 વર્ષથી ઉપયોગમાં હતું, પરંતુ અચાનક સર્જાયેલા અકસ્માત અંગે અનેક સવાલો ઊભા થયા છે.

Share This Article