આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજિત પવારનું અકાળે મોત નીપજ્યું, મહારાષ્ટ્રમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પ્લેન ક્રેશ પાછળ રાજકીય કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે.
એક નિવેદનમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ સમિતિની માંગ કરી. તેમણે અન્ય એજન્સીઓ પર પક્ષપાતના આરોપ લગાવ્યા. મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે એવી ચર્ચા સાંભળી હતી કે અજીત પવારે બે દિવસ પહેલા ભાજપથી અલગ થવાની તૈયારી બતાવી હતી અને હવે પ્લેન ક્રેશ થયું.
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તાપસની માંગ:
મમતા બેનર્જીએ કહ્યું, “મને ખબર નથી કે વિપક્ષી રાજકીય પક્ષોનું શું થશે. તેઓ (અજીત પવાર) શાસક પક્ષ સાથે નજીકથી જોડાયેલા હતા, પરંતુ બે દિવસ પહેલા કોઈએ નિવેદન આપ્યું હતું કે પવાર ભાજપનો સાથ છોડવા તૈયાર છે, અને હવે આજે આ ઘટના બની.”
મમતા બેનર્જીએ કહ્યું “હું માગ કરું છું કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ ક્રેશની યોગ્ય તપાસ કરવામાં આવે. અમને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ વિશ્વાસ છે, અન્ય કોઈ એજન્સી પર નહીં. બધી એજન્સીઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.”
મમતા બેનર્જીએ દાવો કર્યો કે અજીત પવાર તેમના કાકા શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP-SP) સાથે ફરીથી જોડાવાની તૈયારી કરી રહ્યા હતા.