ગુજરાતમાં પ્રદેશ ભાજપના સંગઠનમાં રાજકોટના પુર્વ મેયર ધનસુખ ભંડેરીને કારોબારી સભ્ય બનાવાયા બાદ હવે વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા ધનસુખ ભંડેરીની કેન્દ્રીય બજેટના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ઝોનના સ્ટેટ કો-ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
રાજય અને કેન્દ્ર સરકારના બજેટ બાદ અલગ અલગ ક્ષેત્રમાં બજેટની વિવિધ યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે કુલ સાત સભ્યોની કમીટી બનાવવામાં આવી છે. જેમાં અમદાવાદના જૈનિકભાઇ વકીલ, સુરતના જગદીશ બલ્લર, આણંદના મયુરભાઇ સુથાર, હરેશભાઇ ચૌધરી, ભાજપના પ્રદેશ પ્રવકતા અનિલભાઇ પટેલ તથા યુવા મોરચાના નિકુંજ ખાખીની પણ નિમણુંક કરવામાં આવી છે.
આ કમિટી દ્વારા રાજય અને કેન્દ્ર સરકારના બજેટ જાહેર થયા બાદ લોકો વચ્ચે જઇ બજેટના પ્રચાર- પ્રસાર માટે સતત એક માસ સુધી કાર્યક્રમો આપવામાં આવશે. વ્યાપાર- ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત જે ક્ષેત્રને બજેટના લાભો લાગુ પડતા હોય તે તમામ ક્ષેત્રના કાર્યક્રમો યોજી બજેટની માહિતી આપવામાં આવશે.