હરિયાણાના ફરીદાબાદમાંથી એક કાળજુ કંપાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક 4 વર્ષની દીકરી 50 સુધીની ગણતરી ન લખી શકી તો પિતાએ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. પોલીસે આરોપી કળિયુગી પિતાની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આ મામલે જણાવ્યું કે, આરોપીએ ઘટના બાદ પત્નીને ગેરમાર્ગે દોરવા માટે એક મનઘડત કહાની બનાવી કે, બાળકી રમતી વખતે સીડી પરથી પડી ગઈ, પરંતુ જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું.
જ્યારે માતા હોસ્પિટલ પહોંચી તો તેણે બાળકીના શરીર પર ઘણી ઈજા અને ચહેરા પર લીલા નિશાન જોયા. તેથી તેને શંકા ગઈ અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે સેક્ટર-56 ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ હાથ ધરી.
ફરીદાબાદ પોલીસ પ્રવક્તા યશપાલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ખરંટિયા ગામનો નિવાસી કૃષ્ણા જયસ્વાલ પોતાની પત્ની અને બાળકો સાથે ફરીદાબાદના ઝાડસેંતલી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પતિ-પત્ની બંને પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે.
પોલીસે જણાવ્યું કે, દિવસ દરમિયાન કૃષ્ણા ઘરે રહીને બાળકોની સંભાળ રાખતો હતો અને રાત્રે ડ્યૂટી પર જતો હતો. તે પોતાની દીકરીને ઘરે જ ભણાવતો હતો. 21 જાન્યુઆરીના રોજ તેણે પોતાની 4 વર્ષની દીકરીને 50 સુધીની ગણતરી લખવા કહ્યું. જ્યારે તે ગણતરી ન લખી શકી, તો તે રોષે ભરાયો અને તેણે માસૂમ બાળકીને વેલણથી ખૂબ માર માર માર્યો. કળિયુગી પિતા દ્વારા ઢોર માર મારવાના કારણે બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ કૃષ્ણા તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી. ત્યારબાદ તેણે પત્નીને ફોન કરીને બોલાવી અને કહ્યું કે, બાળકી સીડી પરથી પડી ગઈ હતી.
માતાની ફરિયાદ બાદ પોલીસે કૃષ્ણાને કસ્ટડીમાં લીધો. સખત પૂછપરછ કરતા આરોપીએ દીકરીને માર મારવાની કબૂલાત કરી. તેણે જણાવ્યું કે, દીકરી શાળાએ નહોતી જતી અને હું તેને ઘરે જ ભણાવતો હતો. જ્યારે તે ગણતરી ન લખી શકી તો મેં પિત્તો ગુમાવ્યો અને તેને ખૂબ માર માર્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું.