પહાડી વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના એક વાહન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. આજે બપોરે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત દુખદ અકસ્માત સર્જાયો છે. ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા એક વાહને અચાનક કાબૂ ગુમાવતા તે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સેનાના 10 જેટલા જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય 7 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
સેનાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત ડોડાના પહાડી વિસ્તારમાં સર્જાયો હતો. સેનાના 17 જવાનોને બેસાડીને એક ગાડી પહાડી વિસ્તારમાં આવેલી ચેક પોસ્ટ પર જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા ગાડી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
દુર્ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકો અને સેનાની અન્ય ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનમાં ત્રણની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂક્યા છે. જેને લઈને સમગ્ર દેશમાં અને સેનાના છાવણીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પહાડી રસ્તાઓ પર બરફ અથવા લપસણી હોવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે વાહન ખાઈમાં પડ્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આર્મીના અધિકારીએ કહ્યું કે આ બનાવ ભદ્રવાહ-ચંબા ઈન્ટરસ્ટેટ ખાતેની ખન્ની ટોપ ખાતે બન્યો હતો. ખાઈમાં ખાબકેલી ગાડી બુલેટ પ્રુફ છે, જેમાં 17 જવાન સવાર હતા. ઊંચાઈ પરની પર્વતીય પોસ્ટ ખાતે વાહન જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો હતો, જેથી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ બનાવની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યના રાજ્યપાલ મનોજ સિંહાએ ડોડા અકસ્માતમાં શહીદ જવાન પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે સેનાના 10 બહાદુર જવાનની શહીદીથી બહુ દુખ થયું છે. દેશ તેમની શ્રેષ્ઠ સેવા અને સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખશે. દરમિયાન ઘાયલ સૈનિકોને ઝડપથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવાની સાથે શ્રેષ્ઠ મેડિકલ સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરવાનું પણ જણાવ્યું છે.