આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી યોજાનાર છે. આ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 10 લાખથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતના 15 સ્થળોએ શારીરિક ક્ષમતા કસોટી યોજાનાર છે.
10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ-13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તા.21.01.2026થી બોલાવવામાં આવેલ છે.
ક્યારથી શરુ થશે શારીરિક કસોટી?
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 11 (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.21.01.2026 થી તા.13.03.2026 સુધી તથા 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21.01.2026 થી તા.06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.
90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક
દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે. તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.
દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.
શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ધ્વારા કરવામાં આવનાર છે.
ઉમેદવારોની શારીરિક કસોટીના માપદંડ
પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મીનીટ 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે.
અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ. અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155 સે.મી. હોવી જોઇએ.